જીગ્નેશ મેવાણીએ કર્યા હાર્દિક પટેલ પર પ્રહાર! કહ્યું, જે લોકોએ તમને પ્રેમ આપ્યો તેમને જ અપશબ્દો બોલી રહ્યા છો, વિચારધારા વસ્ત્ર નથી જે ગમે ત્યારે બદલી શકો.

ટૉપ ન્યૂઝ

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ચારે તરફથી તેમની ટીકા થઇ રહી છે. ખાસ કરીને ગુરુવારે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ લીડરશીપ પર લગાવેલા ગંભીર આરોપો બાદ કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો હાર્દિક પર ફિટકાર વરસાવી રહ્યા છે. એવામાં વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલના પાર્ટી છોડ્યા બાદના વ્યવહારની ટીકા કરતા કહ્યું હતું કે,‘અત્યાર સુધી કોંગ્રેસે તમને મોટા સ્ટેજ આપ્યા છે. ચૂંટણી વખતે સ્ટાર પ્રચારક બનાવ્યા,  હેલિકોપ્ટર આપ્યા હતા. તમે ભાજપ અને RSS સામે પડ્યા ત્યારે લોકો તમારા સમર્થક બન્યા. તમને અદાણી, અંબાણી પર અચાનક પ્રેમ કેમ આવ્યો તે ન સમજાયું. વિચારધારા વસ્ત્ર નથી જે ગમે ત્યારે બદલી શકો’.

નોંધનીય છે કે જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ કોંગ્રેસમાં રહી ગુજરાત સરકારના દમન અને કુપ્રસાશન વિરોધી લડતના સાથી રહ્યા છે. એવામાં હાર્દિકના આ રીતે પાર્ટી છોડી કોંગ્રેસ પર આરોપો લગાવવા અંગે જીગ્નેશ મેવાણી નારાજ થયા છે. તેમને જણાવ્યું હતું કે, ‘હાર્દિકે બિલો ઘ બેલ્ટ વ્યવહાર કરીને રાજીનામું આપ્યું છે. ગરિમાપૂર્ણ વ્યવહાર કરીને પાર્ટી છોડી શક્યા હોત. રાજીનામું આપતી વેળાએ રાહુલજીને ચિકન સેન્ડવિચ આપવાની વાત કઈ રીતે કરી શકો. હું કોંગ્રેસમાં છું અને લડવાનો છું. કોઇ મારું નામ ભાજપ સાથે જોડી બતાવે.

તમે ભાજપ સાથે જોડાવાની વાતને નકારી પણ શક્તા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાતના પ્રશ્નો અંગે મારી સાથે ચર્ચા કરી છે. અસામ પોલીસે મારી ધરપકડ કરી ત્યારે અડધી રાતે  રાહુલ ગાંધી જાગ્યા હતા અને વકીલો સાથે વાત કરી હતી. એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ મારી સાથે રહ્યા હતા. તમને કોંગ્રેસે પ્રેમ આપ્યો છે. કોંગ્રેસ ગુજરાત વિરોધી છે એવું કહેવું યોગ્ય નથી. વિચારધારા એ વસ્ત્ર નથી, એ રગોમાં હોવી જોઈએ.’ 

તેમને વધુમાં જણાવ્યું હતું કે ‘આપણે સાથે મળીને આદિવાસી અને પેપરલીક મુદ્દે આંદોલન કર્યું હતું. તમે પાર્ટી છોડી પણ ગરીમાપૂર્ણ ભાષાનો ઉપયોગ નથી કર્યો. તમે ઇચ્છો તેમ પાર્ટી તમારા ચરણોમાં ન પડે. ત્રણ વર્ષ બાદ તમને પાર્ટીમાં જાતિવાદનું રાજકારણ દેખાયું. અમે ઝુકવાના નથી. કોંગ્રેસનો પંજો એસ.સી, એસ.ટી, માઈનોરીટી, ઓબીસી સાથે છે. કોંગ્રેસના શાસનથી અત્યાર સુધી આભડછેટની સમસ્યા દૂર નથી થઈ, એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે, એ કોંગ્રેસના મંચ પરથી કહું છું. કોંગ્રેસ સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે, પણ એ પક્ષની અંગત વાત છે.’

સાથે સાથે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘માત્ર પાટીદારો સામે જ કેમ કેસ પરત ખેંચાયા. ઉનામાં દલિતો સામેના કેસ હજી પરત નથી લેવાયા. પદ્માવત ફિલ્મના વિરોધ વખતે થયેલા કેસ કેમ પરત નથી લેવાયા. હાર્દિક પર ૩૨ કેસ છે એટલે બની શકે કે તેમના પર દબાણ હોઈ શકે એટલે રાજીનામું આપ્યું છે.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.