જયા ભાદુડીના સુવર્ણવર્ષની ગોલ્ડન જ્યુબિલી

સ્પોર્ટસ

૧૯૭૨માં અભિનેત્રીની ૧૦ ફિલ્મ રિલીઝ થઈ હતી અને મોટા ભાગની યાદગાર સાબિત થઈ

હેન્રી શાસ્ત્રી

પહેલી જ ફિલ્મ ‘ગુડ્ડી’થી છવાઈ ગયેલી અને રાતોરાત સેલિબ્રિટી બની ગયેલી જયા ભાદુડી – બચ્ચનની ફિલ્મ કારકિર્દી પર નજર નાખતા એવું લાગે છે કે આ પ્રતિભાશાળી અભિનેત્રીએ ફિલ્મના સેટ પરથી બહુ વહેલી વિદાય લઇ ઘર સંસારમાં મન પરોવી લીધું. ૧૯૭૧માં જયાની ‘ગુડ્ડી’ ઉપરાંત ‘પિયા કા ઘર’ પણ પ્રેક્ષકોને પસંદ પડી. ‘ગુડ્ડી’ની સફળતા પછી અભિનેત્રીએ ધડાધડ ફિલ્મ સાઈન કરવાનું શરૂ કર્યું હતું અને ૧૯૭૨માં તેની બે પાંચ નહીં બલકે પૂરી ૧૦ ફિલ્મ રિલીઝ થઈ હતી. સફળતાના મોજા પર સવાર થયેલી આ અભિનેત્રી ૧૯૭૩માં અમિતાભ બચ્ચનને પરણી ગઈ. ઘર સંસારે જાણે ફિલ્મ સંસારને બ્રેક મારી હોય એમ ૧૯૭૩માં પાંચ, ૧૯૭૪માં ચાર, ૧૯૭૫માં ત્રણ અને પછીના સાત વર્ષમાં માત્ર પાંચ જ ફિલ્મ. એમાંય ૧૯૭૫માં રિલીઝ થયેલી ત્રણેય ફિલ્મનો (શોલે, ચુપકે ચુપકે અને મિલી) હીરો અમિતાભ બચ્ચન. સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી માટે પત્ની અંજલિ તેંડુલકરે ડૉકટરના (પીડિયાટ્રીશિયન) પ્રોફેશનને રામ રામ કરી દીધા હતા. જયાજીએ પણ એવું જ કર્યું હોય એવી સંભાવના નકારી ન શકાય. આજે આપણે જયા ભાદુડી (લગ્ન પછી એ જયા બચ્ચન બની)ની કારકિર્દીના સુવર્ણ વર્ષ (૧૯૭૨)ને પચાસ વર્ષ થયા એ નિમિત્તે એ વર્ષની એની ફિલ્મોની મજેદાર વાતો જાણીએ.
એક નઝર અને બંસી બિરજુ: બંને ફિલ્મમાં જયા ભાદુડીનો હીરો હતો અમિતાભ બચ્ચન. બંને ફિલ્મ સુપરફ્લોપ. ‘ઝંજીર’ પહેલા અમિતજીના નામે જે ઢગલાબંધ નિષ્ફળ ફિલ્મ બોલે છે એમાં આ બંને ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ બંને ફિલ્મની રસપ્રદ વાત એ છે કે ‘બોમ્બે ટુ ગોવા’ જેવા અપવાદને બાદ કરતા અમિતાભ બચ્ચનને ફ્લોપ એક્ટરનું લેબલ લાગ્યું હતું. અમિતજીને ફિલ્મ તો ઓફર થતી હતી, પણ કોઈ હિરોઈન નિષ્ફળ હીરો સાથે કામ કરવા તૈયાર નહોતી. અમિતાભની કારકિર્દીને વેગ મળે એ હેતુથી જયા આ બન્ને ફિલ્મ કરવા તૈયાર થઈ હતી. ‘ઝંજીર’માં પણ એવું જ બન્યું હતું. શશી કપૂર પણ જ્યારે ફ્લોપ એક્ટર ગણાતા હતા ત્યારે ‘જબ જબ ફૂલ ખિલે’માં એમની સામે કોઈ હિરોઈન તૈયાર નહોતી. ત્યારે સફળ કારકિર્દી ધરાવતી નંદા શશીજીની ગાડી પાટે ચડે એ માટે હિરોઈન બનવા તૈયાર થઈ હતી. આમ જયા અમિતાભની ગાડી પાટે ચડાવવામાં જ નહીં સડસડાટ દોડતી કરવામાં નિમિત્ત બની.
બાવર્ચી: રાજેશ ખન્ના – જયા ભાદુડીની એકમાત્ર ફિલ્મ. ફિલ્મના દિગ્દર્શક ઋષિદાને કારણે આ બેઉ સાથે કામ કરવા તૈયાર થયા હોવાનું કહેવાયું હતું. અલબત્ત ફિલ્મમાં બંનેની જોડી નહોતી. આ ફિલ્મની રસપ્રદ વાત એ છે કે એમાં ટાઇટલ નથી આવતા પણ એક અભિનેતાના અવાજમાં કલાકારના નામ રજૂ થાય છે. એ કલાકાર એટલે અમિતાભ બચ્ચન. ‘બાવર્ચી’ના શૂટિંગ દરમિયાન અમિતજી – જયાજીનો અફેર જોરશોરમાં ચાલી રહ્યો હતો. કહેવાય છે કે સેટ પર જયાને મળવા આવેલા અમિતાભ વિશે રાજેશ ખન્નાએ અણછાજતી કોમેન્ટ કરી હતી જે સાંભળીને નારાજ થયેલી જયાએ કહ્યું હતું કે ‘થોડા જ વર્ષમાં આ (અમિતાભ) અભિનેતા ક્યાં પહોંચે છે અને રાજેશ ખન્ના ક્યાં હશે એ જગત જાણશે ત્યારે આંચકો લાગશે.’ ૧૯૭૩માં ‘ઝંજીર’ આવી અને જયા ભાદુડીની વાત અક્ષરશ: સાચી પડી. ‘બાવર્ચી’ને જનતાનો પ્યાર અને વિવેચકોની વાહ વાહ મળ્યા હતા.
પરિચય અને કોશિશ: ‘બાવર્ચી’ના સંવાદ લેખક ગુલઝારની આ બંને ફિલ્મની ભરપેટ પ્રશંસા થઈ હતી. જાણવા જેવી વાત એ છે કે બંને ફિલ્મમાં જયા ભાદુડી અને સંજીવ કુમાર હતા. અલબત્ત ‘પરિચય’માં બાપ – દીકરી તરીકે જ્યારે ‘કોશિશ’માં બોલી – સાંભળી ન શકતા યુગલના રોલમાં હતા. ‘પરિચય’માં પ્રાણના પાંચ પૌત્ર – પૌત્રીમાં મોટી બહેનના પાત્રમાં જયાજીનો અભિનય સુંદર છાપ છોડી જાય છે જ્યારે ’કોશિશ’ જયા કેવી સશક્ત અભિનેત્રી છે એ સિદ્ધ કરે છે. ગુલઝારે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ (કોશિશ) લખતી વખતે મેં સંજીવ અને જયાના પાત્રની જે કલ્પના કરી હતી એનાથી પણ આ બંને અભિનેતા પોતપોતાના પાત્રને ઊંચી સપાટીએ લઈ ગયા. અદ્ભુત અભિનય હતો તેમનો.’ સમગ્ર ફિલ્મમાં એક પણ સંવાદ બોલ્યા વિના પ્રભાવ પડ્યો એ જયાની બહુ મોટી સિદ્ધિ હતી.
શોર અને જવાની દિવાની: ‘ઉપહાર’ અને ‘પિયા કા ઘર’ કરતા આ બેઉ ફિલ્મમાં જયા ભાદુડી સાવ વિપરીત ભૂમિકામાં નજરે પડે છે. ‘શોર’માં જયા લોકોને ઉલ્લુ બનાવતી પણ સાથે અનાથ બાળકોની સારસંભાળ રાખતી યુવતીના રોલમાં નજરે પડે છે. પત્ની (નંદા)ના અવસાન પછી શંકર (મનોજ કુમાર)ના પ્રેમમાં પડતી રાની (જયા ભાદુડી) સડક પરના રોમિયો સાથે લડતી – ઝઘડતી અને ત્યારબાદ સાડી પહેરેલી સરળ યુવતી તરીકે પ્રભાવ પાડે છે. અલાયદું કથાનક ધરાવતી આ ફિલ્મ જયાની કારકિર્દીની મહત્ત્વની ફિલ્મ ગણાય છે. ‘જવાની દિવાની’માં એ વખતની ઇમેજ કરતા સાવ અલગ એવા ગ્લેમર ગર્લના રોલમાં જયાના અભિનયની પ્રશંસા થઈ.
પિયા કા ઘર, અન્નદાતા અને સમાધિ: ગામમાં વિશાળ ખોરડામાં રહેવા ટેવાયેલી ‘પિયા કા ઘર’ની માલતીને મુંબઈના ખોબા જેવડા ઘરમાં (ચાલીમાં) રહેવું પડે છે એ વખતનો માલતીનો આંતરિક સંઘર્ષ જયા ભાદુડીએ આબાદ વ્યક્ત કર્યો હતો. ફિલ્મનો એક સીન જેમાં સગાં વહાલાંઓથી ખીચોખીચ રૂમમાં પતિનું ધ્યાન દોરવાની કોશિશ કરતી જયાનો અભિનય સ્મરણમાં રહી જાય એવો છે. ‘અન્નદાતા’ એકંદરે ઓમ પ્રકાશની ફિલ્મ છે, કારણ કે કથા તેમના પાત્રની ફરતે આકાર લે છે. અલબત્ત તેમને અનિલ ધવન અને જયા ભાદુડીના પાત્રનો સારો ટેકો મળ્યો છે. એ સમયના યુગલમાં રોમેન્સ કેવો હતો એ બહુ સરસ રીતે ઊભરી આવ્યું છે. સંઘર્ષ કરતો યુવાન અને એની કાળજી રાખી હિંમત આપતી યુવતીમાં જયા ભાદુડીનો અભિનય નોંધપાત્ર છે. ‘ઝંજીર’ પહેલાના પ્રકાશ મેહરાની ‘સમાધિ’ સફળ ફિલ્મ હતી. અલબત્ત જે ફિલ્મમાં ધર્મેન્દ્ર ડબલ રોલમાં હોય, એક હિરોઈન આશા પારેખ હોય એમાં જયા ભાદુડીને ભાગે શું આવે એ સમજાવવાની જરૂર ખરી?
—-
રોલની તૈયારીની ગંભીરતા

હાસ્ય એ ગંભીર બાબત છે એ વાત હસી કાઢવા જેવી નથી, પણ સિરિયસલી સમજવાની છે. શબ્દોની રમત એક કોરે રાખીએ, પણ હિન્દી ફિલ્મોમાં રમૂજનું તત્ત્વ સર્વકાલીન રહ્યું છે. હા, એના પ્રકારમાં બદલાવ આવ્યો છે. સાવ સ્થૂળ હાસ્યથી સૂક્ષ્મ હાસ્ય તરફની ગતિ જોવા મળી છે. એક સમય હતો જ્યારે ફિલ્મમાં કોમેડિયનની હાજરી અનિવાર્ય ગણાતી. કોમેડિયનના વંશ વેલામાં નૂર મોહમ્મદ ચાર્લીનું નામ આદરથી લેવાય છે. એવી ગેરસમજ છે કે કોમેડિયનનું કામ તો હસાવવાનું છે જેને માટે બહુ તૈયારી ન કરવી પડે. હકીકત એ છે કે કોમેડિયન પણ બહુ જ મહેનત કરતા હોય છે. રણજીત સ્ટુડિયોના સ્થાપક અને નિર્માતા-દિગ્દર્શક ચંદુલાલ શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘૧૯૩૦ – ૪૦ના દાયકામાં ચાર્લી અને દીક્ષિત એ બે કોમેડિયન સૌથી વધુ લોકપ્રિય હતા. એક ફિલ્મમાં ચાર્લીએ વાળંદની ભૂમિકા કરવાની હતી. રોલ નાનો હતો, પણ પૂરા ત્રણ દિવસ તેણે એનું અધ્યયન કર્યું. પાત્રની ખૂબીઓ સમજી લીધી. પછી એ કેટલોક સમય સલૂનમાં જઈ બેઠો અને વાળંદ કઈ રીતે કામ કરે છે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ રસ્તે બેસી કામ કરતા વાળંદનું કામ પણ નિકટથી જોયું. આટલા અભ્યાસ પછી બજારમાં જઈ વાળંદના સરસામાનની પેટી ખરીદી અને આમ પૂરી રીતે સજજથઈને રોલ નિભાવવા સ્ટુડિયો આવ્યો.’ આ વાત છે ૧૯૪૦ આસપાસની. ચાર્લી સાથેનો નરગીસે ટાંકેલો એક અનુભવ પણ જાણવા જેવો છે. નરગીસે જણાવ્યું હતું કે ‘હિરોઈન તરીકે મારી પહેલી જ ફિલ્મ ‘તકદીર’માં તેમણે (ચાર્લીએ) મારા પિતાનો રોલ કર્યો હતો. ફિલ્મના દિગ્દર્શક હતા મેહબૂબ ખાન. અમારો એક સીન એવો હતો કે તેઓ જેલમાં છે અને હું તેમને મળવા જાઉં છું. સીન ગંભીર હતો, પણ ચાર્લી જેલમાં જે રીતે ચાલી રહ્યા હતા એ જોઈ હું ખડખડાટ હસી પડી. આ જોઈ મેહબૂબ સાબ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા. મારી પાસે આવી મને ઠપકો આપ્યો અને એમનો રોષ જોઈ હું ગભરાઈને રડવા લાગી. દિગ્દર્શકને જોઈતો મૂડ મળી ગયો અને તરત તેમણે શોટ લઈ લીધો.’ ક્યારેક સીન અણધારી રીતે પણ પ્રભાવી બની જતો હોય છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.