Homeદેશ વિદેશજનતામાં ફરતી રોકડ રકમનું પ્રમાણ છ વર્ષમાં ૭૧.૮૪ ટકા વધ્યું

જનતામાં ફરતી રોકડ રકમનું પ્રમાણ છ વર્ષમાં ૭૧.૮૪ ટકા વધ્યું

ડિજિટલ ટ્રાન્ઝેકશન્સ વધ્યા હોવા છતાં રોકડ રકમનો ઉપયોગ હજુ લોકપ્રિય
મુંબઈ: દેશની જનતામાં ફરતી ચલણી નોટોનું પ્રમાણ ગઈ ૨૧ ઓક્ટોબરે ૩૦.૮૮ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. એ બાબત ડિમોનેટાઇઝેશનને છ વર્ષ વિત્યા પછી પણ રોકડ વ્યવહારની વ્યાપકતા દર્શાવે છે. ડીમોનેટાઇઝેશન પછીના વર્ષોમાં નાણાકીય વ્યવહારમાં રોકડ રકમની લેવડદેવડમાં ઉછાળો આવ્યો હોવાનું રિઝર્વ બૅન્કના પખવાડિક મની સપ્લાય ડેટામાં જણાવાયું હતું.
વર્ષ ૨૦૧૬ની ૪ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં જનતામાં ફરતી ચલણી નોટોના પ્રમાણની સરખામણીમાં ગઈ ૨૧ ઓક્ટોબરે નોંધાયેલો ૩૦.૮૮ લાખ કરોડ રૂપિયાનો આંકડો ૭૧.૮૪ ટકા વધારે છે. ભારત સરકારે અર્થતંત્રમાંથી ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના દૂષણો નાબૂદ કરવાના ઇરાદે વર્ષ ૨૦૧૬ની ૮ નવેમ્બરે ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કરી હતી.
ભારતમાં ઑક્ટોબર ૨૦૨૨માં ૭૩૧ કરોડ ટ્રાન્ઝેકશન્સ થયા હતા. જે સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ૭.૮ ટકા વધુ હતા. સપ્ટેમ્બરમાં કુલ ૬૭૮ કરોડ ટ્રાન્ઝેકશન નોંધાયા હતા. મૂલ્યની દૃષ્ટિએ સપ્ટેમ્બરમાં રૂપિયા ૧૧.૧૬ લાખ કરોડના ટ્રાન્ઝેકશન્સ થયા હતા જે ઓક્ટોબરમાં વધીને ૧૨.૧૧ લાખ કરોડ
થયા હતા. ગયા શુક્રવારે રિઝર્વ બૅન્કે
બહાર પાડેલા પખવાડિક મની સપ્લાય ડેટામાં વર્ષ
૨૦૨૨ની ૨૧ ઓક્ટોબરે દેશના આર્થિક વ્યવહારમાં ફરતી રોકડ રકમનું પ્રમાણ ૩૦.૮૮ લાખ કરોડ રૂપિયા હોવાનું જણાવાયું હતું. રિઝર્વ બૅન્કના ડેટા ફોર રિઝર્વ મની પ્રમાણે વર્ષ ૨૦૧૬ની ૪ નવેમ્બરે ‘કરન્સી ઇન સર્ક્યુલેશન’નું પ્રમાણ ૧૭.૭ લાખ કરોડ રૂપિયા હતું. રોજિંદા ખરીદી-વેચાણના નાના-મોટા વ્યવહારોમાં વપરાતા ચલણી સિક્કા અને નોટોને ‘કરન્સી વિથ ધ પબ્લિક’ કહેવામાં આવે છે. ‘કરન્સી ઇન સર્ક્યુલેશન’માંથી બૅન્કોમાં પડેલી રોકડનો આંકડો બાદ કરીને ‘કરન્સી વિથ ધ પબ્લિક’નો ૩૦.૮૮ લાખ કરોડનો આંકડો બહાર પાડવામાં આવ્યો હતો. તાજેતરમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ દિવાળીના અઠવાડિયામાં ‘કરન્સી ઇન સર્ક્યુલેશન’ના આંકડામાં ૭૬૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular