છોટા પેકેટ, બડા ધમાકા

લાડકી

૧૦ વર્ષની બાળકીએ એવરેસ્ટના બેઝ કેમ્પનું ટ્રેકિંગ કર્યું

સાંપ્રત -દીપ્તિ ધરોડ

એવરેસ્ટ સર કરવું એ કંઈ ખાવાના ખેલ નથી અને જે કોઈ પણ આવું
કપરું ચઢાણ કરીને આવે એટલે એના તો પગ ધોઈને પીએ એ પણ ઓછું છે. આજે આપણે અહીં વાત કરીશું મુંબઈની એક દસ વર્ષની બાળકીની
કે જેણે રમતાં રમતાં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીનું અઘરું ચઢાણ પૂરું
કરી લીધું છે અને એ પણ કોઈ પણ પ્રકારની સ્પેશિયલ ટ્રેઈનિંગ વગર.
તો ચાલો, સમય વેડફ્યા વિના
મળીએ પાંચમા ધોરણમાં ભણતી રિધમ મામણિયાને…
સૌથી પહેલી અને મહત્ત્વની વાત તો એ છે કે આ ક્લાઈમ્બિંગ માટે રિધમે કોઈ ખાસ ટ્રેઈનિંગ લીધી નથી અને મુંબઈમાં જ આવેલા શાસ્ત્રી ગાર્ડનનાં પગથિયાં ચડીને તેણે ટ્રેકિંગની પ્રેક્ટિસ કરી છે. આ જ પ્રેક્ટિસનું પરિણામ છે કે તેણે એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીનું ચઢાણ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. રિધમની સાથે ગયેલા મોટી ઉંમરના અને અનુભવી પર્વતારોહકોએ હેલિકોપ્ટરથી નીચે ઊતરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે રિધમે ચાલીને જ નીચે આવવાનો નિર્ણય લીધો હતો.
રિધમ તેની માતા ઊર્મિ અને પિતા હર્ષ સાથે આ પ્રવાસ પર ગઈ હતી. ૧૧ દિવસનું આ અભિયાન માઇનસ ૧૦ ડિગ્રી તાપમાનમાં પૂરું કરવામાં આવ્યું હતું. રિધમની માતા ઊર્મિએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘બાંદ્રામાં આવેલી એમઈટી ઋષિકુલ વિદ્યાલયની પાંચમા ધોરણની વિદ્યાર્થિની છે રિધમ. છઠ્ઠી મેના બપોરે એક વાગ્યાની આસપાસ રિધમ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી હતી. આ આખા ક્લાઈમ્બિંગ દરમિયાન તેણે થાકની કે કંટાળાની જરાય ફરિયાદ કરી નહોતી. આ પહેલાં પણ રિધમ દૂધ સાગર જેવું મુશ્કેલ ટ્રેકિંગ કરી ચૂકી છે અને તે પાંચ વર્ષની હતી ત્યારથી ટ્રેકિંગ કરી રહી છે.’
ટ્રેકિંગ ઉપરાંત ૧૦ વર્ષની રિધમને સ્કેટિંગનો શોખ છે અને સ્કેટિંગ ચેમ્પિયન છે. રિધમે જણાવ્યું હતું કે ટ્રેકિંગ અને સ્કેટિંગ મારી મનગમતી એક્ટિવિટી છે. બેઝ કેમ્પના આ પ્રવાસમાં રિધમે પર્યાવરણની પણ સંપૂર્ણ કાળજી લીધી હતી. પોતાની સાથે લીધેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ રિધમ પાછી લાવી હતી અને નીચે આવીને કાઠમંડુમાં તેણે આ બધા કચરાનો યોગ્ય રીતે નિકાલ કર્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.