છોકરીઓમાં વધતી જતી અસહનશીલતા લગ્ન સંસ્થાના પાયા કડડડભૂસ કરશે?

લાડકી

કેતકી જાની

સવાલ: હમણાં મારી એક વકીલ મિત્ર ખૂબ સમયે મળી વાતો કરતાં ભારતમાં આજકાલ વધતા જતાં છૂટાછેડા પર ચર્ચા થઇ. તેના મતાનુસાર વર્તમાન સમયમાં બાળકોને એકલહાથે ઉછેરનારી અને બાળકો ના હોય તો પણ લગ્નબંધનથી છૂટી એકલી રહેતી-સેપરેટેડ સ્ત્રીઓ ભારતમાં ઘણી વધી છે. તેના પરથી મને પ્રશ્ર્ન થયો કે આમ જ ચાલશે તો શું થશે લગ્ન સંસ્થાનું? છોકરીઓની સહનશીલતા ઓછી રહી છે, તે ચિંતાજનક નથી? તમારો મત શું છે?
જવાબ : ‘લગ્ન સંસ્થા’ જો પુરુષને કોઇ એક સ્ત્રીનું શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક ઇન શોર્ટ યેનકેન સર્વ પ્રકારેણ શોષણ કરવાનો અધિકાર આપતી હોય, કોઇ સ્ત્રીને ગુલામ બનાવવાનો પરવાનો આપતી હોય-તો મારાં મતે આવી ‘લગ્ન સંસ્થા’ અગર મિટકર ચૂરચૂર ભી હો જાયે તો ક્યા હૈ? હકીકત એ છે કે ‘લગ્ન’ તે કરનાર બન્ને જણ માટે ખૂબ જ મહત્ત્વનો સંબંધ છે તેવું સામાન્યરીતે માનવામાં આવે છે, છતાંય આજ શા માટે લગ્ન તૂટી રહ્યાં છે તેનો જવાબ એ છે કે આજકાલ મુઠ્ઠીભર છોકરીઓ / સ્ત્રીઓ પોતાના હક, પોતાના સ્વાભિમાન, પોતાની ક્ષમતા, પોતાની ફરજો, પોતાના ગમા-અણગમા વિશે જાગૃત થઇ છે. વળી આજે પણ લગ્નોમાં દીકરી પરત્વે જ અપેક્ષા રખાય કે તે થોડું ઘણું દુ:ખ ઇગ્નોર કરી સંબંધ બચાવે, તેમાં કોઇ બેમત નથી. પરંતુ સ્વમાન પ્રેમી શિક્ષિત છોકરીઓ સમાજમાં! અત્રતત્ર સર્વત્ર ફેલાયેલ લગ્ન સંબંધથી બંધાયેલ ગુલામ જેવી શોષિત સ્ત્રીઓને વર્ષોથી જોઇ રહી છે તેથી કદાચ તેના માટેનું આકાશ માંગી રહી હોય તેમ ના બને? તમારા મતે છોકરીઓની સહનશીલતા ઓછી થઇ રહી છે, મારા મતે એમ કે આખરે ક્યાં સુધી? કયાં સુધી સહન કરવાનું બહેન? જે તે ઘરથી પોતાની ઠાઠડી નીકળે ત્યાં સુધી? આમ જુઓ તો ‘લગ્ન’ પિતૃસત્તાક સમાજે બનાવેલ એવું પાંજરું છે કે જેમાં દરેકે દરેક ઘરને બીજાના ઘેરથી પોતાના ઘરમાં વહુ દીકરી લાવી તેને અવૈતનિક કામો કરાવવાનો હક મળે છે. તેમ વિચારવું ખોટું હશે? પરિણીતાને આવતાવેંત પિયરને ભૂલી સાસરામાં ઓતપ્રોત થઇ જવાની ટ્રેનિંગ આપતી કુટુંબની દરેક વ્યક્તિઓ ખરેખર સાચી જ છે, તેવું તમને લાગે છે? પરિણીતાથી એકાદ ખોટું પગલું ભરાય, એકાદ મનગમતું કામ થઇ જાય તેમાં તો આખું ઘર તેના પર તૂટી પડયું હોય તેવું ક્યારેક આસપાસ નજર નાંખજો, કોઇક તો મળી જ રહેશે. પરિણીતા થોડાં સ્વતંત્ર વિચારોની હોય તો સાસરિયાનું તેને કંટ્રોલ કરવાના કોડ અધૂરા રહી જાય પછી તો તેઓ રીતસર લોકો આગળ તેનાં છાજિયા ફૂટવાના જ બાકી રાખે છે ને? અને જો તે ગુલામી કરવાની ના પાડે, મનગમતા વસ્ત્ર પરિધાન કરે, અવૈતનિક ઘરેલું કામોમાં નિયમિતતા ના જાળવે, સાસરિયાનાં હળાહળ જૂઠ્ઠાણા પકડી પાડે અને કડવા વેણોનો તત્ત્કાલ તેમની જ ભાષામાં જવાબ આપે તો તે ઓછી સહનશીલ છે તેમ કહેવું જોઇએ કે તેના પતિ સહિત સાસરિયા તેને ‘માણસ’ને બદલે ગુલામડી સમજી તેના પર અધિકાર/વર્ચસ્વ જમાવવા માગે છે તેમ કરીશું તે જે-તે વ્યક્તિની વ્યક્તિગત સમજણ હોય છે. પવિત્રતાનો અંચળો ઓઢાડી દઇ ‘લગ્ન સંસ્થા’નો હાઉ સમાજમાં પ્રસ્થાપિત કરી દેવાયો છે, તે પણ મને ક્યારેક છોકરીઓની માનસિકતા કમજોર કરનાર તત્ત્વ લાગે છે. જન્મ-જન્માંતર કે સાત જનમનાં આ બંધનમાં છોકરીઓના અને છોકરાના હિસ્સાના બંધનોની યાદી કરીશું તો ખબર પડશે કે ખરેખર બધી જ રીતે ‘લગ્ન સંસ્થા’ ક્ધયાની કેડ ઉપર જ ભારે પડે છે. આ ઉપરાંત દહેજનું દૂષણ તો શિરમોર છે જ, જો છોકરી યોગ્ય સમયે સાસરિયાની આ લાલચ પકડી પાડે તો શું તેની સહનશીલતા ઓછી સમજવી કે તેણે કમોતે મરી જઇ પોતાની સહનશીલતાની ખાતરી આપવાની? ભારતમાં થતાં છૂટાછેડામાં બહુતાંશ દહેજ સુદ્ધાં કારણભૂત હોય છે. તે પછી આવે છે પતિનો લગ્નેત્તર પ્રેમસંબંધ થોડી ઘણી સ્વતંત્રરીતે વિચારી શકતી છોકરીઓ પોતાના બીજી સ્ત્રીને ચાહતા પતિથી છૂટકારો મેળવે. તે યોગ્ય કે તેના વિશે જાણવા છતાં આંખો બંધ કરી મન-વચન-કર્મથી લગ્નનો સાત જન્મોનો સંબંધ નિભાવવાની સહનશીલતાનું સૌજન્ય વ્યક્ત કરે તે તો તેણ જ નક્કી કરવાનું ને? ઘણુંબધું છે આ પ્રશ્ર્નના જવાબમાં તો, પણ અહીં અંતે એટલું જ કે ‘લગ્ન’માં પતિ-પત્ની બન્ને મન-વચન-કર્મથી એકમેકને ખુશ રાખે તો જ લગ્ન સફળ. બાકી કોઇ એક આજીવન એડજસ્ટ કર્યાં કરે તેનાં કરતાં અલગ થવું ઉત્તમ. અસ્તુ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.