ચોમાસું બે-ત્રણ દિવસમાં કેરળ પહોંચવાની આગાહી

દેશ વિદેશ

નવી દિલ્હી: હવામાન વિભાગે નૈર્ઋત્યનું ચોમાસું બે-ત્રણ દિવસમાં કેરળ પહોંચવાની આગાહી શુક્રવારે કરી હતી.
અગાઉ, હવામાન વિભાગે અસાની નામના વાવાઝોડાની અસરને લીધે કેરળમાં ચોમાસું ૨૭ મેએ બેસવાની આગાહી કરી હતી.
તેણે શુક્રવારે જણાવ્યું હતું કે ઉપગ્રહ પાસેથી મળેલી તસવીરો મુજબ કેરળના કાંઠા વિસ્તારમાં વાતાવરણ વધુ વાદળિયું બન્યું છે અને તેને લીધે આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં ચોમાસું પહોંચવાની આશા છે. કેરળ અને લક્ષદ્વીપમાંના ૧૪ વેધર સ્ટેશનમાંના ૬૦ ટકામાં જો સતત બે દિવસ અઢી મિલિમીટર કે તેનાથી વધુ વરસાદ પડે તો કેરળમાં ચોમાસું બેઠું જાહેર કરાય છે. હવામાન વિભાગે આંદામાન અને
નિકોબારના ટાપુઓ ખાતે ૧૬ મેએ ચોમાસું બેઠું હોવાનું જાહેર કર્યું હતું.
તેણે ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી બેથી ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી હતી. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.