ચોમાસામાં સાંતાક્રુઝવાસીઓને પાણી ભરાવાની સમસ્યાથી મળશે છુટકારો

આમચી મુંબઈ

મિલન સબ-વે પાસેની સ્ટોરેજ ટેંકનો તાત્પૂરતો ઉપયોગ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં આગામી દિવસોમાં સાંતાક્રુઝમાં મિલન સબ-વેમાં પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળવાનો છે. પરેલના હિંદમાતા બાદ હવે સાંતાક્રુઝમાં મિલન સબ-વે પાસે વરસાદી પાણીનો સંગ્રહ કરનારી સ્ટોરેજ ટેંકનું કામ લગભગ ૩૩ કરોડ રૂપિયાના ખર્ચે પાલિકાએ હાથમાં લીધું છે. ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન તાત્પૂરતો તેનો ઉપયોગ કરી શકાશે એવી જાહેરાત રાજ્યના પર્યટન પ્રધાન અને ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ કરી છે.
દર વર્ષે ચોમાસામાં થોડા વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તાર ગણાતા સાંતાક્રુઝના મિલન સબ-વેમાં ઘૂંટણભેર પાણી ભરાઈ જતા હોય છે. તેથી ટ્રાફિક ખોરવાઈ જવાની સાથે જ સ્થાનિક નાગરિકને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. તેથી પાલિકાએ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અહીં સ્ટોરેજ ટેંક બાંધવાનો નિર્ણય લીધો હતો, તે મુજબ હાલ તેનું કામ ચાલી રહ્યું છે.
મિલન સબ-વે પાસે પાલિકા દ્વારા સબ-વેની નજીક આવેલા લાયન્સ ક્લબ મેદાનમાં સ્ટોરેજ ટેંકને બાંધવામાં આવી રહી છે. તેનું કામ હજી પૂર્ણ થયું નથી, પરંતુ ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ આ ટેંકમાં કરી શકાશે, એવું શુક્રવારે આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.
મિલન સબ-વે પાસે બાંધવામાં આવનારા સ્ટોરેજ ટેંકની વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા બે કરોડ લિટરની છે. ભારે વરસાદ દરમિયાન મિલન સબ-વેમાં પાણી ભરાયા તો તેનો નિકાલ આ સ્ટોરેજ ટેંકમાં કરવામાં આવશે. તે માટે ૩,૦૦૦ ઘન મીટર પ્રતિ કલાકની ક્ષમતાના કુલ બે પંપ બેસાડવામાં આવવાના છે. એટલે કે પ્રતિ કલાકે ૬,૦૦૦ ઘન મીટરની ક્ષમતાએ પાણીનો નિકાલ થશે. ૮ એપ્રિલ, ૨૦૨૨થી આ સ્ટોરેજ ટેંકનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું છે. ૭૦ મીટર બાય ૫૫ મીટર આકારના આ સ્ટોરેજ ટેંકની ઊંડાઈ લગભગ ૧૦.૫ મીટરની રહેશે. તેમાંથી ૮ મીટર ઊંડાઈ સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અત્યાર સુધી ૭૦ ટકા ખોદકામ પૂરું થઈ ગયું છે. આ સ્ટોરેજ ટેંકનું બાંધકામ ઑક્ટોબર, ૨૦૨૨ સુધીમાં પૂરું થવાનું છે. જોકે જુલાઈ, ૨૦૨૨ના અંત સુધીમાં આ સ્ટોરેજ ટેંકનો તાત્પૂરતા સ્તરે ઉપયોગ કરી શકાશે. અહીં ઉલ્લેખનીય છે કે નીચાણવાળોે વિસ્તાર ગણાતા પરેલમાં હિંદમાતા પર વરસાદી પાણી ભરાય નહીં તે માટે નજીકમાં સેંટ ઝેવિયર્સ મેદાન અને પ્રમોદ મહાજન ઉદ્યાન પાસે આવેલી સ્ટોરેજ ટેંક બાંધવામાં આવી છે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવવાનો છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.