Homeટોપ ન્યૂઝચોપડિયા જ્ઞાન કરતાં કોઠાસૂઝ વધારે સફળતા અપાવે છે તે સાબિત કર્યું દસમું...

ચોપડિયા જ્ઞાન કરતાં કોઠાસૂઝ વધારે સફળતા અપાવે છે તે સાબિત કર્યું દસમું પાસ બિપિને

[ad_1]

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા

એ વાત ઘણીવાર સાબિત થઇ ચુકી છે કે જ્ઞાન એ શિક્ષણ પર આધારિત નથી. ઓછું ભણેલા ઘણીવાર કોઠાસૂઝથી વધુ જ્ઞાની આબિત થાય છે અને પોતાની મહેનત અને આવડતના જોર ઉપર એ સાબિત પણ કરી બતાવે છે.
ગોવાના રહેવાસી ૪૪ વર્ષીય બિપિન કદમ ભલે માત્ર ૧૦મું પાસ હોય, પરંતુ તેમને મશીનો પ્રત્યે એટલો લગાવ છે જેટલી કદાચ કોઈ એન્જિનિયરને નહીં હોય. તેમણે પોતાની વિકલાંગ દીકરી માટે પોતાની બુદ્ધિથી ‘મા રોબોટ’ બનાવ્યો છે. જાણો કેવી રીતે અને શું કામ કરે છે આ મશીન.
જરૂરિયાત એ શોધની માતા છે.’ ગોવાના ૪૪ વર્ષીય બિપિન કદમ દ્વારા બનાવવામાં આવેલ રોબોટ તેનું સાચું ઉદાહરણ છે. તેમણે ત્રણ વર્ષ પહેલા પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને આવો રોબોટ બનાવ્યો, જે તેના પરિવાર માટે વરદાન બની ગયો છે. બિપિન ગોવામાં એક મશીન મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરે છે અને તેમને મશીનોનો પણ ઘણો શોખ છે. તેનો ‘મધર રોબોટ’ એ વાતનો પુરાવો છે કે કંઈક કરવાની ઈચ્છા ડિગ્રી અથવા તે કરવા માટેના માધ્યમ કરતાં વધુ મહત્ત્વની છે.
આ એક એવું મશીન છે જે તમને તમારા ઇશારે ચમચીથી ખવડાવી શકે છે! એટલે કે જે લોકો વિકલાંગ છે, તેઓ આ મશીનના ઉપયોગથી આત્મનિર્ભર બની શકે છે. બિપિને માત્ર ૧૨ હજારનો ખર્ચ કરીને આ મશીન પોતાના ઘરે બનાવ્યું છે.
વાત કરતા તેમણે કહ્યું, જ્યારે આખી દુનિયા આત્મનિર્ભર બનવાની વાત કરતી હતી, ત્યારે મને લાગતું હતું કે મારી દીકરી જે વિકલાંગ છે તે ખાવા માટે કોઈના પર નિર્ભર કેમ રહે. તેની લાચારીએ મને આ રોબોટ બનાવવાની પ્રેરણા આપી. અત્યાધુનિક ટેક્નોલોજીથી બનેલા આ રોબોટને જોઈને કોઈ એમ ન કહી શકે કે બિપિન માત્ર દસમું
પાસ છે.
બિપિન મૂળ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના છે. તેના પિતા ગામમાં ખેતીકામ કરે છે. ૧૦મું પાસ કર્યા પછી પૈસાના અભાવે તે આગળ ભણી શક્યા નહીં. આ પછી તે ગોવામાં એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરવા આવ્યા. તે કહે છે, ‘મેં ભણવાનું છોડી દીધું કે તરત જ હું મશીનો સાથે જોડાઈ ગયો. એવું કહી શકાય કે હું મશીનોના જંગલમાં રહું છું.’
તેમણે હેલ્પર તરીકે શરૂઆત કરી; પરંતુ તેણે પોતાના કૌશલ્યના બળ પર જલદી જ સફળતા મેળવી. આજે તે સીએનસી પ્રોગ્રામર અને ૩ડી ડિઝાઇનર તરીકે કામ કરે છે. તેને કોમ્પ્યુટરનું પણ સારું જ્ઞાન છે, તેથી બિપિન જુગાડ કરતાં આવિષ્કારમાં વધુ માને છે. તેનું કહેવું છે કે તેણે હાર્ડવેર અને સોફ્ટવેરનું જ્ઞાન પોતાની ઈચ્છા અને મહેનતથી જ મેળવ્યું છે. તેમની કંપનીના એન્જિનિયરો પણ તેમની પાસે ૩ડી ડિઝાઇનિંગ અને મશીનો વિશે કંઈક શીખવા આવે છે.
આ સિવાય બિપિનને પેઇન્ટિંગનો પણ ઘણો શોખ છે. તે કહે છે, હું ગણપતિ દરમિયાન ખૂબ જ સુંદર પંડાલ ડિઝાઇન કરું છું. હું હંમેશાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કરું છું. મનમાં અનેક વિચારો ચાલતા રહે છે. કેટલીક વસ્તુઓ હું કરી શકું છું, અને કેટલીક હું પૈસાના અભાવે કરી શકતો નથી.
બિપિનના મગજમાં હંમેશાં મશીન અને ડિઝાઈનિંગ ચાલતું રહે છે. તે એકલા જ મશીન બનાવવામાં સક્ષમ છે. તેમનું સ્વપ્ન વિશ્વનો સૌથી મોટો રોબોટ બનાવવાનું છે. તેની ડિઝાઈનિંગની સાથે તે હાર્ડવેર વિશે પણ રિસર્ચ કરતા રહે છે.
આ દરમિયાન તેમનું ધ્યાન તેમના ઘરની એક સમસ્યા પર પડ્યું. વાસ્તવમાં તેમની મોટી દીકરી પ્રાજક્તા ૧૭ વર્ષની છે, પરંતુ વિકલાંગ હોવાને કારણે તેનું મગજ બે વર્ષના બાળક જેવું છે. પ્રાજક્તાને પોતાના રોજિંદા કામકાજ માટે, ખાવા-પીવા માટે બીજા પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે બિપિને જોયું કે કેટલીકવાર તેની પત્ની પ્રેરણા તેના કામને કારણે પ્રાજક્તાને સમયસર ખવડાવી શકતી નથી, ત્યારે તેણે વિચાર્યું કે શા માટે તેના જ્ઞાનનો ઉપયોગ તેની પુત્રીને આત્મનિર્ભર બનાવવા માટે ન કરું.
૨૦૧૯ માં તેની નોકરીથી ઘરે આવીને તેને બનાવવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, મેં ઈન્ટરનેટ દ્વારા માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું. જો કે મને મશીન અને ડિઝાઈનનું જ્ઞાન છે, પણ જે કંઈ હું જાણતો નથી, તેના માટે હું ઈન્ટરનેટની મદદ લઉં છું. મારી ૧૨ કલાકની ડ્યુટી પછી હું ઘરે આવતો ત્યારે રોબોટ બનાવતો. આ રીતે માત્ર ચાર મહિનામાં તેમણે એક રોબોટ બનાવીને તેનું નામ ’મા રોબોટ’ રાખ્યું. પછી તેણે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
કેવી રીતે કામ કરે છે ‘મા રોબોટ’?
આ રોબોટ રેકોર્ડેડ અવાજ દ્વારા કામ કરે છે. આમાં તેણે ત્રણ-ચાર બાઉલ અને એક ચમચી મૂકી છે. તેણે આ રોબોટની યાદમાં અલગ-અલગ ફૂડના નામ ફિટ કર્યા છે. આ રીતે, જ્યારે રોબોટને ભાત ખવડાવવાનો આદેશ આપવામાં આવે, ત્યારે તે ભાત ખવડાવશે. તેવી જ રીતે બાકીની વસ્તુઓ પણ રેકોર્ડ કરવામાં આવી છે.
એક બીજા પ્રકારનો રોબોટ પગ વડે બટન દબાવવાથી ચાલે છે. તેમાં બેસવા માટે સીટ પણ બનાવાઈ છે. રોબોટ તમે માં ના ખોળામાં બેસીને ખાઈ રહ્યાં હો તેવો અનુભવ કરાવે છે.
બિપિન તેના ઘરમાં તેનો ઉપયોગ કરતો હતો. જો કે, તે આ મા રોબોટને પણ વિશ્વ સમક્ષ રજૂ કરવા માંગતા હતાં ; પણ સમજી શકતા નહોતા કે કેવી રીતે અને શું કરવું? ત્યારબાદ તેમના એક મિત્રએ ગોવા સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં તેમના રોબોટ વિશે માહિતી આપી. બિપિન કહે છે, ‘મને ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત પ્રદર્શનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં બધાને મારું કામ ખૂબ ગમ્યું.’
આ પછી સ્થાનિક મીડિયાએ તેમના રોબોટ વિશે લખ્યું. બિપિન દિવ્યાંગો અને વૃદ્ધો માટે આવા વધુ રોબોટ બનાવવા માગે છે, પરંતુ તે કહે છે કે તે આ કામ એકલા કરી શકે તેમ નથી. જો કોઈ સંસ્થા કે સરકાર તેમને મદદ કરશે અને સહકાર આપશે તો તેઓ ચોક્કસપણે આવા વધુ રોબોટ્સ બનાવશે.
તાજેતરમાં તેણે બે મા રોબોટ બનાવ્યા છે. એક તેમના અંગત ઉપયોગ માટે, જે તેમના અને તેમની પુત્રીના અવાજ દ્વારા ચલાવવામાં આવે છે અને બીજું બટનો દ્વારા સંચાલિત થાય છે. અત્યાર સુધીમાં તેમણે આ રોબોટને પાંચ અલગ-અલગ એક્ઝિબિશનમાં રજૂ કર્યા છે. જેમ તેણે પોતાના ઘરની સમસ્યા હલ કરવા માટે મા રોબોટ બનાવ્યો; આશા છે કે બિપિન આવનારા દિવસોમાં પણ સામાન્ય માણસની સમસ્યાઓ માટે આવા જ મશીનો બનાવતા રહેશે.

[ad_2]

RELATED ARTICLES

Most Popular