ચિત્ત તું શીદને ચિંતા ધરે ?…

ધર્મતેજ

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

ધીરજ ધરને અરે અધીરા ઈશ્ર્વર દેશે અન્ન જોને,!
ખલક તણો છે પ્રભુને ખટકો, માને સાચું મંન જો ને..
જનમ્યા પહેલાં જગના નાથે, ઉપાય શોધ્યો શુદ્ધ જોને.
હાડ માંસના હૈયા મધ્યે, હૈયે સરજ્યું દૂધ જોને.
ધીરજ ધરને…૦
કોશેટામાં કિટ વસે છે, ઈશ્ર્વર પુરે આહાર જોને,
હાથીને મણ, કીડીને કણ, ચારપગાને ચાર જો ને.
મંદિર-મસ્જીદ કેરા મિનારા, ઉપર ઊગ્યા ઝાડ જો ને,
પથરા ઉપર પાણી પામે, પરમેશ્ર્વરનો પાડ જો ને.
ધીરજ ધરને…૦
ચાંચ બનાવી તેને ચિંતા, કાયર મન શીદ કરીયે જો ને,
પેટે ઘડ્યું તે પોષણ કરશે, ફિકર તજીને ફરીયે જો ને.
માંણેક મોતી મોંઘા કીધા, ધનથી સોંઘા ધાન જો ને,
અમૃત જેવાં પાણી આપ્યા, દીન બંધુનાં દાન જો ને.
ધીરજ ધરને…૦
સૂરજ આપે પ્રકાશ સહુને, દમડી પડે ન દેવી જો ને,
વગર બદામે વાય વાયરો, હૈયું રાખો હાથ જો ને.
અજબ દયા છે અલબેલાની, કેશવ કરૂણા કેવી જો ને,
ૠષિરાજ કહે પતીજ રાખો, બેલી બદ્રિનાથ જો ને.
ધીરજ ધરને…૦
આજના સરેરાશ મનુષ્યનું જીવન સતત તાણમાં રહેતું હોય એવું અનુભવાય છે. સમાચારપત્રો, ટીવી, રેડિયો, મોબાઈલ-ફોન, કોમ્પ્યુટર-નેટ અને પ્રચાર-પ્રસારના સામાજિક માધ્યમોમાંથી જોવા- સાંભળવા-વાંચવા મળતી બહુધા સામગ્રી તો એ તાણને વધારવાની કોશીશ કરતી હોય એવું જ લાગે.
સોશિયલ મિડિયાએ એવું અને એટલું આક્રમણ આપણા દૈનિક જીવતર પર ર્ક્યું છે કે સવારમાં આંખ ખૂલે કે આપણા ચિત્તનો કબજો લઈ લે. ને છેક મોડી રાત્રિ સુધી એ આપણા પર સવાર થયેલું હોય. આવા સમયમાં મનની તાણ હળવી કરવા સાહિત્ય, સંગીત, કલા કે અધ્યાત્મ સત્સંગ-ધ્યાન-સાધના જેવા ક્ષ્ોત્રો આપણે ત્યાં હોવા છતાં અનેક માનવી પોતાની હતાશા કે નિરાશા ખંખેરવા એ દિશા તરફ ધ્યાન પણ નથી આપી શક્તા. એનું કારણ છે આપણો સંબંધ આપણા સંતોના અને ભક્તોના સાહિત્ય સાથે નથી રહ્યો. સમગ્ર વિશ્ર્વનું સંચાલન કરનારા પરમાત્મા પ્રત્યે અતૂટ વિશ્ર્વાસ નથી જાગ્યો. અને શરણાગતિ જેવી કોઈ ભૂમિકાને આપણે નથી જાણતા.
અધીરા થઈને આમતેમ પોતાના સ્વાર્થ માટે દોડતા અજ્ઞાનીઓ માટે જ આપણા સંતકવિઓએ વારંવાર શબ્દોના ચાબખા પણ માર્યા છે. ઉપરના ભજનમાં જેમલજીના શિષ્ય, ૠષ્ાિરાજ નામના સંત કવિ આપણને ભરોંસો બંધાવે છે કે જેણે જીવને જન્મ આપ્યો છે તે પરમાત્મા જ એનું પાલન-પોષ્ાણ કરે છે. જે જન્મ આપતાં પહેલાં જ માતાના હૈયામાં દૂધ આપતો હોય, કોશેટામાં બંધાયેલા કીટકને પણ આહાર આપી રહેતો હોય, કીડીને કણ, હાથીને મણ, પંખીને ચણ ને ચારપગાંને ચારો આપતો હોય, જળ-સ્થળ-નભમાં વસનારાંને જીવાડતો હોય એનો ઉપકાર ભૂલીને ‘હું કરૂં.. હું કરૂં..’ માં દોટ દેતા માનવીને ક્યાં ખબર જ છે કે વિનામૂલ્યે આખા જગતને પાણી, પ્રકાશ અને પવન(પ્રાણવાયુ) કોણ આપે છે ? હિરા, માણેક, મોતી કરતાં અનાજ સસ્તું કેમ ર્ક્યું છે?… આજ વાત આપણી ગુજરાતી ભાષ્ાાના આદ્યકવિ ગણાતા નરસિંહ મહેતાએ આ રીતે ગાઈ છે..
હે જી વ્હાલા! અખંડ રોજી હરિના હાથમાં, વા’લો મારો જુવે છે વિચારી,
દેવા રે વાળો નથી દુબળો , ભગવાન નથી રે ભિખારી …
-અખંડ રોજી હરિના હાથમાં …૦
અને વા’લા! જળ ને થળ બેઉ અગમ છે, કાયા રાણી છે વિનાશી
સરવને વા’લો મારો આપશે રે, મન તમે રાખો ને વિસવાસી…
-અખંડ રોજી હરિના હાથમાં …૦
અને વા’લા નવ નવ મહિના માને ઉદર વસ્યાં, તે’દી વાલે જળથી જીવાડયાં,
ઉદરે વસ્યાને હરિ આપતો રે, આપે સૂતાં ને જગાડી ..
-અખંડ રોજી હરિના હાથમાં …૦
અને વા’લા ગરૂડે ચડીને ગોવિંદ આવશે , આવશે અંતરયામી
ભાવટ ભાંગે ભૂધરો , મેતા નરસૈંનો સ્વામી…
-અખંડ રોજી હરિના હાથમાં …૦
અને ત્યારે આવો અખંડ ભરોંસો જગાડવા માટે શું કરવું ?
ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે..
સ્થાવર-જંગમ! જડ-ચેતનમાં, માયાનું બળ ઠરે,
સમરણ કરી લે કૃષ્ણ પ્રભુનું, જનમ-મરણ-ભય હરે..
ચિત્ત! તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે..૦
તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર-બ્રહ્માથી નવ ફરે..
દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે,
જેવો જંત્ર વગાડે જંત્રી, તેવો સ્વર નીસરે..
ચિત્ત! તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે..૦
થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે,
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોઠું ગળે..
જેવું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે,
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુટાઈ તું મરે ?
ચિત્ત! તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે..૦
તારૂં ધાર્યું થતું હોય તો, સુખ સંચે – દુ:ખ હરે,
આપાં પણું અજ્ઞાન-કૂળ એ મૂળ વિચાર ખરે..
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષ્ાદ ઓચરે,
રાખ ભરોંસો રાધાવરનો, દયા શીદને ડરે ?..
ચિત્ત! તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે..૦

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.