ચિતળમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો, અમરેલીમાં ન વરાવવો છોકરો, ભલે રિયે વાંઢો!

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા દુહા હવે ધીરે ધીરે ગ્રામ્ય જીવનમાંથી વિદાય લઈ રહ્યા છે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દુહાની સૌથી મોટી ખાસિયત એ છે કે અલંકારિક ભાષાનો ઉપયોગ કર્યા વિના સામાન્ય ભાષામાં અત્યંત ચોટદાર વાત રજૂ થાય છે. દુહા વાંચી પહેલા હસવું આવી શકે, પણ એનો મર્મ સમજાતા સત્ય હકીકતનો પરચો થાય. વાગડમાં દીકરી ન દેવા વિશેનું લોકગીત તમે સાંભળ્યું હશે. આજે આપણે એવા જ અર્થના દુહા વિશે જાણીએ. દુહો છે ચિતળમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો, અમરેલીમાં ન વરાવવો છોકરો, ભલે રિયે વાંઢો! ચિતળ ગામ (ચિત્તલ તરીકે પણ ઓળખાય છે) અને શેડુભાર ગામ એ બંને અમરેલી તાલુકાના (જિલ્લો પણ અમરેલી) ગામ છે. ખેતી, ખેતમજૂરી અને પશુપાલન આ ગામના મુખ્ય વ્યવસાય છે. ચિતળ ગામની વાડીઓ ગામથી ચારેક કિલોમીટર દૂર આવેલી છે. ગામની પરંપરા અનુસાર વાડીમાં કામ કરતા ઘરના પુરુષવર્ગને રોટલા – ભાત દેવા ઘરની વહુઓએ એટલું દૂર ચાલીને જવું પડે. વળતામાં ચારો અને બીજું વજન ઊંચકીને લાવવું પડે જે લઈને ઘરે પહોંચતા રાત પડી જાય. ઘરનું કામ બાકી રહી જાય. એટલે દીકરીના ભવિષ્યની ચિંતા અર્થે ચિતળમાં ન દેવી દીકરી એમ કહ્યું છે. હવે વાત કરીએ શેડુભારમાં ન દેવો ઢાંઢો વિશે. ઢાંઢો એટલે બળદ. શેડુભારની વાડીઓ બારેમાસ કાર્યરત હોય છે. ગામનું પાણીતળ ઊંડું હોવાથી કોસ ખેંચવાનું અંતર પણ વધુ હોય છે. પરિણામે અહીં બોજ ખેંચવાના કામથી બે – ત્રણ વર્ષમાં બળદના રામ રમી જાય. એટલે શેડુભારમાં ઢાંઢો ન દેવાની સલાહ અપાઈ છે. અમરેલી એક સમયે વડોદરાનું રાજ્ય ગણાતું. વડોદરામાં ગાયકવાડ સરકારે કેળવણી ફરજિયાત કરી હોવાથી અમરેલીની છોકરી ભણેલી હોય. હવે જો અમરેલીમાં છોકરો પરણાવે તો ઘરમાં ભણેલી વહુ આવે તો અભણ પતિને ગણકારે નહીં, સાસુ – સસરા પાસે હિસાબ માગે અને કંઈ વાંધાવચકા પડે તો ઘરે કાગળ લખવાની ધમકી આપે. પરિણામે ઘરમાં બખેડા થાય. એટલે કહેવાતું કે છોકરો ભલે વાંઢો (કુંવારો) રહે, પણ અમરેલીમાં ન વરાવવો (પરણાવવો).
———
આપણો ભાષાવૈભવ
નાક પકડવાથી મોઢું ઉઘડે: ક્યારેક એવું બને કે કોઈની પાસે વાત કઢાવવી હોય કે જાણવી હોય ત્યારે સીધું પૂછવાથી જોઈતી જાણકારી ન પણ મળે. એવે સમયે આડકતરી રીતે પૂછવાથી ખરી વિગતો જાણી શકાય. સીધી આંગળીએ ઘી ન નીકળે તો વાંકી કરવી પડી એ કહેવત આને ઘણે અંશે મળતી આવે છે. તાવને તેડવા કોણ જાય?: તાવ એટલે કે બીમારીથી તો સૌ કોઈ દૂર ભાગે. એને કોઈ બોલાવવા ન જાય. મતલબ કે આફતને આમંત્રણ ન આપવાનું હોય. હાથે કરી મુશ્કેલી વહોરી ન લેવાની હોય એ અર્થ અહીં વ્યક્ત થાય છે. જે સૂરજ પર ધૂળ છાંટે એ પોતે જ છંટાય: સૂરજ સામે ધૂળ ઉડાડવાના પ્રયત્નો ન કરાય. એમ કરવાથી એ ધૂળ આપણા પર જ પડે. આબરૂદાર વ્યક્તિને ખોટી રીતે બદનામ કરવાથી પાસાં અવળાં પડે અને જાત સામે આંગળી ચીંધાય એવું બની શકે છે. સત્યે પથ્થર તરે, અસત્યે તૂંબડું પણ ડૂબે: સત્યમેવ જયતેનો મહિમા ગાતી આ કહેવત દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે. વાત સાચી હોય તો પાણીમાં ડૂબી જતો પથ્થર પણ તરી જાય, મતલબ કે હકીકત સામે આવી જાય. પણ જો વાત ખોટી હોય, એણે અસત્યના વાઘા પહેર્યા હોય તો તરી શકે એવું હલકુંફૂલ તુંબડીના ફળના કોટલાનું બનાવેલું લોટા જેવું પાત્ર પણ ડૂબી જાય. મતલબ કે અસત્ય ટકી શકે નહીં. તુંબડી પરથી પારકે તુંબડે તરવું એટલે બીજાની સહાયથી કામ કરવું; બીજાનો આધાર લેવો એવો ભાવાર્થ છે. પોતાના તુંબડે તરવું એટલે સ્વબળે પોતાનું ગુજરાન ચલાવવું, આપબળથી જ આગળ ધપવું. છાશ ધોળી પણ દૂધ જેવી નહીં: છાશ અને દૂધ બંને દેખાવે ધોળા – સફેદ – શ્ર્વેત હોય પણ તેમની તુલના ન કરી શકાય એ વાત પર અહીં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. દેડકી પેટ ફુલાવી આખલો ન બની શકે એ કહેવત જેવો જ ભાવાર્થ અહીં છે.
———-
IDIOMS STORY
અન્ય ભાષાઓની જેમ અંગ્રેજી ભાષાની કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ કથા તત્ત્વ હોય છે. કથા કે પ્રસંગે કહેવત કે રૂઢિપ્રયોગને જન્મ આપ્યો હોય એવા અનેક ઉદાહરણ છે. આ કથા કે પ્રસંગનું મૂળ તપાસીએ તો ક્યારેક મજેદાર તો ક્યારેક આશ્ર્ચર્યજનક બાબત જાણવા મળે છે. નવી જાણકારી મળવાની સાથે અગાઉના લોકોનું જીવન આજની સરખામણીમાં કેટલું અલગ હતું એનો ખ્યાલ આવે છે. ભાષાના ઈતિહાસ પર નજર નાખતા સામાજિક વર્ગ, ઐતિહાસિક ઘટના કે પછી ખેલકૂદ કે ધાર્મિક બાબતને પગલે કહેવત કે રૂઢિપ્રયોગ અસ્તિત્વમાં આવ્યા હોવાનું સમજાય છે. એક મજેદાર ઉદાહરણ જોઈએ.
અંગ્રેજીમાં એક પ્રયોગ છે BITE THE BULLET. બાઈટ એટલે કરડી ખાવું કે ચાવી જવું અને બુલેટ એટલે ગોળી. અલબત્ત આ પ્રયોગને બંદૂકની ગોળી કે ચાવી જવા સાથે કોઈ સીધો સંબંધ નથી. આ રૂઢિપ્રયોગનો ભાવાર્થ છે કોઈ અણગમતી બાબત સહન કરી લેવી કે મુશ્કેલ સમયને સહન કરી લેવો. આ ભાષા પ્રયોગનો સૌપ્રથમ ઉલ્લેખ ૧૮૯૧માં લખાયેલી નવલકથા The Light That Failedમાં જોવા મળે છે. આશ્ર્ચર્ય પમાડનારી વાત એ છે કે બુલેટ સંબંધિત પ્રસંગ હોવા છતાં યુદ્ધ ભૂમિ કે પોલીસ ગોળીબાર જેવી કોઈ વાત નથી. વાત છે સર્જરીની – ઓપરેશનની. એનેસ્થેસિયા (ઓપરેશન પહેલા દરદીને બેશુદ્ધ કરવાની પ્રક્રિયા) આપ્યા વિના સર્જરી કરવાની હોય ત્યારે જે તીવ્ર પીડા – દરદ થાય એ સહન કરી શકાય એ માટે બંદૂકની ગોળી દરદી દાંત વચ્ચે કચકચાવીને દબાવી રાખે. આ દ્રશ્ય જાણે એ બુલેટ કરડી ખાતો હોય એવું લાગવાને કારણે BITE THE BULLET  પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. ઉપરાંત આ પ્રયોગને આપણી સ્વાતંત્ર્ય લડત સાથે પણ સંબંધ છે. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી એ પહેલા આપણે ત્યાં બ્રિટિશ સામ્રાજ્ય હતું. બ્રિટિશ સરકાર સામે લડત ચલાવી તેને તગેડી મૂકવાના પ્રયાસની વ્યાપક શરૂઆત ૧૮૫૭માં આપણા સૈનિકોએ કરેલા બંડથી થયું હોવાની માન્યતા છે. એ સમયે બ્રિટિશ શાસન માટે લડતા ભારતીય સૈનિકોએ બંદૂક ચલાવવા કારતૂસ (કાર્ટ્રીજ) મોઢેથી તોડવી પડતી હતી. આ કારતૂસના ગ્રીઝમાં ગાયની ચરબી હોવાની વાત ફેલાતા ભારતીય સૈનિકોએ બંડ પોકારી એના વપરાશનો વિરોધ કર્યો હતો. ત્યારે BITE THE CARTRIDGE પ્રયોગ વપરાયો હતો. આ સિવાય ૧૭૯૬ના કેટલાક લખાણમાં આ ઉલ્લેખ HEW A BULLET તરીકે પણ જાણીતો છે.
——-
तिरिया से राज
छिप्पे न छिपाए
એક ગામમાં રહેતાં પતિ – પત્ની વચ્ચે અપાર સ્નેહ હતો. પતિ જીવનની દરેક નાની મોટી વાત પત્નીને જણાવી દેતો. કંઈ છાનું ન રાખતો. એક વાર ગામના અત્યંત અનુભવી વડીલને કોઈ કામસર મળવાનું થયું ત્યારે પતિએ તેમની સમક્ષ પત્નીની પ્રશંસા કરી પોતે દરેક રહસ્યમય વાત પણ પત્નીથી છાની નથી રાખતો એમ કહ્યું. બધી વાત સાંભળી ઠરેલ વડીલે સલાહ આપી કે ‘દીકરા, પત્ની પર જરૂરથી વધુ વિશ્ર્વાસ ન કરવો. પત્નીની કસોટી કર, કારણ કે સ્ત્રીના પેટમાં વાત નથી ટકતી. પતિનું ભલું કરવા જતા ક્યારેક નુકસાન પહોંચાડી દે છે.’ વાત સાંભળી અસ્વસ્થ થયેલા પતિએ પત્નીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. વડીલની સલાહ લઈ યોજના બનાવી અને એક દિવસ કાપેલું તરબૂચ કપડામાં વીંટાળી ઘરે લાવ્યો. તરબૂચમાંથી લાલ ટીપાં પડી રહ્યાં હતાં. પતિએ પત્નીને કહ્યું કે ‘મેં આજે એક જણનું માથું વાઢી લીધું છે. એ વાત કોઈને કહેતી નહીં. જો કોઈને ખબર પડી તો મને ફાંસીની સજા થશે.’ એટલું કહી ઘરની પાછળ વાડામાં તરબૂચ દાટી દીધું. વાત સાંભળી પત્ની અસ્વસ્થ થઈ ગઈ. મનનો બોજ હલકો કરવા પાડોસણને વાત કરી, પણ એ ગુપ્ત રાખવા જણાવ્યું. પાડોસણે બીજી સ્ત્રીને અને ધીરે ધીરે આખા ગામમાં વાત ફેલાઈ પોલીસ સુધી પહોંચી ગઈ. ઘરે આવેલી પોલીસે પત્નીનો ઉધડો લીધો, ‘જલદી બતાવી દે કે તારા પતિએ માથું ક્યાં સંતાડ્યું છે? નહીં બતાવે તો તને ફાંસી થશે.’ ડરી ગયેલી પત્નીએ જગ્યા બતાવી દીધી. ખોદકામ કરતા કપડામાં લપેટેલું તરબૂચ હાથમાં આવ્યું. ગામના અનુભવી વડીલ ત્યાં હાજર હતા અને તેમણે પત્નીની પરીક્ષા લેવાની વાત પોલીસને વિગતવાર જણાવી. આ ઘટના પછી વડીલની વાત પતિને સમજાઈ કે तिरिया से राज
छिप्पे न छिपाए. મતલબ કે સ્ત્રીના પેટમાં વાત ન ટકે.
———-
म्हणीच्या कथा
મરાઠી કહેવતો પાછળની કથા પણ મજેદાર હોય છે. આજે આપણે મરાઠી કહેવત कर नाही त्याला डर कशाला? ને જન્મ આપનાર કથા માણીએ. ધનીરામ નામના શેઠ પોતાનો માલ સામાન વેચી બે પૈસા રળવા માટે બીજા શહેરમાં ગયા હતા. શેઠજી ગયા ત્યારે તહેવારની મોસમ ચાલુ હતી. એટલે લોકોમાં ખરીદી અંગે ઘણો ઉત્સાહ હતો. શેઠજીનો બધો માલ સારા ભાવે વેચાઈ ગયો. સારો નફો થયો. રાત્રે ધર્મશાળામાં આરામ કરી બીજે દિવસે નદીએ સ્નાન કરી શેઠ પોતાના શહેર પાછા ફરી રહ્યા હતા ત્યાં તેમને ખ્યાલ આવ્યો કે સુવર્ણ મુદ્રાની થેલી ગાયબ થઈ હતી. ગભરાઈ ગયેલા શેઠે રાજા સમક્ષ ફરિયાદ કરી કે મહામહેનતે કમાયેલી મૂડી ચોરાઈ ગઈ છે. રાજાએ ઘટતું કરવાનું વચન આપતા શેઠજી બોલ્યા કે થેલી પાછી લાવનારને પાંચ સુવર્ણ મુદ્રા ભેટ આપશે. ચારેક દિવસ પછી એક ગરીબ ખેડૂત સોનામહોર ભરેલી થેલી લઈ રાજા પાસે આવ્યો. હવે એ ખેડૂતને પાંચ સુવર્ણ મુદ્રા આપવી પડશે એ વાતની કંજૂસ શેઠને અકળામણ થવા લાગી. દરબારમાં જ થેલી ઊંધી કરી સોનામહોર ગણવા લાગ્યા. પૂરી સો હતી, પણ લુચ્ચા શેઠ બોલ્યા કે ‘આમાં તો ૧૧૦ સુવર્ણ મુદ્રા હતી. નક્કી ૧૦ મુદ્રા ખેડૂતે કાઢી લીધી છે. એને બક્ષિસ શેની આપવાની?એને તો શિક્ષા કરવી જોઈએ’. શેઠનો ગુસ્સો જોઈ ખેડૂત પહેલા તો ગભરાયો પણ પછી બોલ્યો કે ‘મહારાજ હું ચોર નથી. મારે સુવર્ણ મુદ્રા લેવી હોત તો બધી જ લઈ લેત. અહીં આવત જ નહીં. પણ ખોટું કામ કર્યું નથી તો મારે ડરવાનું કોઈ કારણ નથી.’ એના પરથી કહેવત પડી કે कर नाही त्याला डर कशाला? રાજાએ પણ ખેડૂતને છોડી મૂક્યો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.