સાઉથના સુપરસ્ટાર એવા કમલ હાસન લાંબા સમયથી ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર હતા, પણ હાલમાં કમલ હાસન તેમની આગામી ફિલ્મ ‘વિક્રમ’ના પ્રમોશનમાં વ્યસ્ત હતા અને આજે એમની આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને તમારી જાણ માટે કે આ ફિલ્મ રિલીઝ પહેલાં જ રૂપિયા ૨૦૪ કરોડનો બિઝનેસ કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું ટોટલ બજેટ રૂપિયા ૧૫૦ કરોડ છે એ હિસાબે જોવા જઈએ તો રિલીઝ પહેલાં જ ફિલ્મે સીધેસીધો ૫૪ કરોડનો નફો કરી લીધો છે. કમલ હાસનની આ ફિલ્મ ‘વિક્રમ’ હાઇ ઓક્ટેન એક્શન થ્રિલર છે. ફિલ્મના પ્રી રિલીઝ બિઝનેસની વાત કરીએ તો આ ફિલ્મે સેટેલાઇટ તથા ડિજિટલ રાઇટ્સમાંથી ૨૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. કમલ હાસનના ચાહકોએ ફિલ્મ રિલીઝના ચાર દિવસ પહેલાં જ એડવાન્સ બુકિંગમાં કલાકો ઊભા રહીને ટિકિટ ખરીદી હતી. આ ફિલ્મમાં કમલ ઉપરાંત વિજય સેતુપતિ, શિવાની નારાયણ, ફહાદ ફાસિલ પણ છે. ફિલ્મમાં સૂર્યાનો કેમિયો છે. આ ફિલ્મથી કમલ હાસન ચાર વર્ષ બાદ બિગ સ્ક્રીન પર જોવા મળશે. છેલ્લે તેઓ ૨૦૧૮માં ‘વિશ્ર્વરૂપમ ટુ’માં જોવા મળ્યા હતા. હાલમાં સાઉથ તથા બોલીવૂડ વચ્ચે ચાલી રહેલાં ભાષાના વિવાદ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હંમેશાંથી આવી ફિલ્મો બનતી આવી છે. આ કોઈ જ નવો કોન્સેપ્ટ નથી. એક્ટરે આગળ કહ્યું હતું કે શાંતારામજીએ પેન ઇન્ડિયા ફિલ્મ બનાવી હતી. ‘પડોસન’ પેન ઇન્ડિયા ફિલ્મ હતી. મહેમૂદજી તો ફિલ્મમાં તમિળ બોલતા હતા. તમે ‘મુગલ-એ-આઝમન’ અંગે શું કહેશો? ભારત યુનિક દેશ છે. અહીંયા લોકો અલગ અલગ ભાષા બોલે છે, પરંતુ બધા એક જ છે. લાંબા સમય બાદ કમલ હાસનને મોટા પડદા પર જોવું એ ચોક્કસ જ તેમના ચાહકો માટે એક ટ્રીટ સમાન હશે.
