ઘરનો ભંગાર વેચવાની સમસ્યા જોઈને એક એન્જિનિયર બન્યો ભંગારવાળો!

પુરુષ

સાંપ્રત -અનંત મામતોરા

તાજેતરમાં એક ટીવી સિરિયલમાં ઘરવખરીને ભંગારમાં આપવા બાબત એક એપિસોડ આવેલો. ઘરની સાફસફાઈમાં ગૃહિણીઓ વણજોઈતી, તૂટીફૂટી ગયેલી કે જૂની થઇ ગયેલી ચીજોને અલગ તારવીને ભંગારમાં આપી દે છે. તેમાં કઈ ચીજો આપવી ને કઈ ન આપવી, ભંગારવાળા સાથે રૂપિયાની રકઝક કરવી વગેરે ગૃહિણીઓનો કાયમનો ક્રમ હોય છે.
પહેલાંના જમાનામાં તો ‘ભંગારવાલા…’ની એક લાક્ષણિક અદા અને અવાજમાં બૂમ પડે એટલે ગૃહિણીઓ બારી અને બાલ્કનીમાં ડોકાઇને તેને બોલાવી લે. સિરિયલમાં તો કહાણી મુજબ ભંગારવાળો હાજર થઇ જાય, પણ હવે ખાસ કરીને શહેરોમાં બહુ ઓછા વિસ્તારમાં આ રીતે ભંગારવાળા નીકળતા હોય છે. હકીકતમાં ભંગારવાળાને જઈને રીતસરનું નોતરું આપવું પડે છે. કહ્યા સમયે એ ભાઈ ક્યારેય આવે નહિ તેની રકઝક થાય, પછી વજન વધતું-ઓછું કર્યાની માથાકૂટ, ભાવ વધતો-ઓછો લગાડ્યાની ખટપટ એ બધું કર્યા પછી અંતે મફતને ભાવે સામાન આપી દીધાના ભાવ સાથે સોદો પાર પડે!
વર્ષોથી ચાલી આવેલી આ ઘરેડનો કોઈ ઉકેલ હોઈ શકે એવું ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે, પણ આજકાલ લોકો સાવ ભંગાર જેવી વાતમાં પણ મોકો ગોતી લે છે. આવો જ ભંગારને ભાગ્યમાં પલટવાનો મોકો ગોત્યો અનુરાગ અસાટીએ. મધ્ય પ્રદેશના દામોહમાં એન્જિનિયરિંગ કર્યા બાદ આગળ અભ્યાસ માટે ભોપાલ આવેલો અનુરાગ અસાટી જ્યારે અભ્યાસના અંતિમ વર્ષમાં હતો ત્યારે ઘરનો જૂનો સમાન અને રદ્દી વેચવા ઘણા દિવસો સુધી ભંગારવાળા ભૈયા ક્યાંય મળ્યા નહીં. આવી સાવ સાધારણ વાત તેને એટલી સમસ્યારૂપ બની ગઈ કે તે તેનો ઉકેલ ગોતવા મંડી પડ્યો. પોતાના એક સિનિયર કવીન્દ્ર રઘુવંશી સાથે વાત કરી અને ભંગારનો ‘વ્યવસાય’ કરવાનું વિચાર્યું.
અનુરાગ એ બાબતે કહે છે કે ‘અન્ય ક્ષેત્રોની જેમ આ યોજનાબદ્ધ નથી, પણ એકદમ અવ્યવસ્થિત છે. મને લાગ્યું કે જો આને પ્રોફેશનલ બનાવવામાં આવે તો ઘણી સમસ્યા ઓછી થઇ શકે.’ એનો વિચાર થોડો અલગ તો હતો, પણ એ જમાનામાં સ્ટાર્ટઅપ એટલે શું એ પણ કોઈ જાણતું નહોતું અને ન કોઈ ચીલો ચાતરીને વેપાર કરવાનું વિચારતું અને કાંઈ નહીંને ભંગારનો ધંધો?!! એવી લોકોની માનસિકતા પણ ખરી. વર્ષ ૨૦૧૩માં અનુરાગે મિત્રોની મદદથી એક એપ બનાવી અને લોકોને તેને વિષે જણાવવાનું શરૂ કર્યું. જોકે કોઈ પણ પરિવારની જેમ તેના પર પણ એન્જિનિયરિંગ પછી નોકરી કરવાનું દબાણ તો હતું જ. તેવામાં સ્ટાર્ટઅપનો વિચાર પડતો મૂકીને નોકરી કરવી શરૂ કરી, પણ મનમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર ઘૂમરાયા કરતો હતો. છેવટે ૨૦૧૫માં નોકરી છોડીને પોતાના વિચાર પર કામ કરવાનું શરૂ કર્યું.
અનુરાગ કહે છે, ‘શરૂઆતમાં પરિવારને સમજાવવું ખૂબ મુશ્કેલ હતું. લોકો મારા પિતાને પૂછતા હતા કે તમારો દીકરો ભંગારવાળો બનવાનો છે? પણ જ્યારે મારા પિતાએ જોયું કે અમે કંઈક અલગ અને મોટે પાયે કરવાનું આયોજન કરીએ છીએ ત્યારે તેમણે મારો સાથ આપ્યો.’
અનુરાગ અને મિત્ર કવીન્દ્રએ ‘ધ કબાડીવાલા’ નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું. પોતાની શરૂઆતની વાત કરતાં અનુરાગ કહે છે, ‘મારા એક જુનિયરે જ મને એપના માધ્યમથી પહેલો ઓર્ડર આપેલો. ત્યારે અમારી પાસે કોઈ ટીમ તો હતી નહીં. એટલે મિત્રની સાથે બાઈક પર લેવા પહોંચી ગયો. એ સમયે મને એ પણ ખબર નહોતી કે કેવી રીતે લઇ જવો જોઈએ? લઇ લીધા પછી કયા ભંગારને ક્યાં આપવો જોઈએ? મારા જુનિયરે પણ મને સલાહ આપી કે સર, આ શું કરી રહ્યા છો? કોઈ સારી નોકરી કરોને? પણ મને તકલીફો અને પડકારોની વધુ ખબર નહોતી એટલે શીખતો શીખતો આગળ વધી શક્યો. સ્વાભાવિક રીતે શરૂઆતમાં બહુ ભૂલો કરી અને તેમાંથી બોધપાઠ પણ મળ્યો. એક અસંગઠિત ક્ષેત્ર હોવાથી કોઈ શિખવાડનાર તો હોય ક્યાંથી? બીજું કે લોકો ભંગારવાળાને બહુ માન આપતા નથી, ન તો એમના કામને. લોકોનો વ્યવહાર બદલવો મોટો પડકાર છે, પણ અમે પ્રોફેશનલ ટીમ બનાવી. લોકોને ભંગારને અલગ અલગ જમા કરવા જણાવ્યું, જેથી લોકોમાં પણ જાગૃતિ આવી. લોકોનો અમારા તરફનો દૃષ્ટિકોણ પણ બદલાયો.’
આજે તેમની ટીમ પાંચ શહેરની ૫૦૦થી વધુ કંપનીઓ અને સ્ટોર્સ પાસેથી ચાલીસથી વધુ પ્રકારના ભંગાર એકઠા કરે છે, જેને દેશમાં અનેક રિસાઇક્લિગં કંપનીઓમાં મોકલાય છે. અનુરાગે જણાવ્યું કે ‘હજી અમારા ભંગારનું માત્ર ૨૩ % મેટલ રિસાઇકલ થાય છે, બાકીનું ૭૭ % હજી લેન્ડફિલમાં જાય છે. તેવામાં એક યોગ્ય સિસ્ટમથી વધુમાં વધુ ભંગાર રિસાઇકલ કરીએ તો લેન્ડફિલ તો સુરક્ષિત કરી જ શકીએ, સાથે નવા ઉત્પાદન માટે કાચા માલની જરૂરિયાત ઘટાડી શકીએ. તેનાથી પ્રાકૃતિક સંપત્તિ પણ બચશે.’ આ ઉપરાંત તેઓ ભોપાલ નગરપાલિકાના કાગળ, પ્લાસ્ટિક અને મેટલ તથા ઈ-વેસ્ટને યોગ્ય જગ્યાઓ પર રિસાઇક્લિગં માટે મોકલે છે. અત્યારે તેઓ ૧૦૦થી વધુ રિસાઇક્લિગં કંપનીઓ સાથે કામ કરે છે. તેમનો વ્યવસાય ઓનલાઇન હોવાથી ભંગારની યોગ્ય કિંમત, ઓનલાઇન પીકઅપ સર્વિસ વગેરેની ગ્રાહકોને પહેલેથી જાણ થાય છે. કબાડીવાલા લોકોમાં જાગૃતિ લાવવાથી લઈને ભંગારને અલગ અલગ રાખવા અને રિસાઇકલ કરવા સુધીની સેવાઓ આપે છે. તેઓ ભંગારના માત્ર રૂપિયા જ નથી લેતા, પણ તેની પૂર્ણ જાણકારી પણ ગ્રાહકોને આપે છે.
અનુરાગ કહે છે, ‘અમે અમારા દરેક ગ્રાહકનો ટ્રેક રાખીએ છીએ. કોણે કેટલો ભંગાર વેચ્યો? તેના દ્વારા કેટલા વૃક્ષ કપાતાં બચ્યાં? તેમના પ્રયાસથી પર્યાવરણને કેટલો ફાયદો થશે? કબાડીવાલા ગ્રાહકોને સર્ટિફિકેટ પણ આપે છે જેમાં તેમના પ્રયાસથી લેન્ડફિલમાં કેટલો કચરો જતાં બચ્યો છે તેની જાણકારી હોય છે.’
તેના આ પ્રયાસો રંગ લાવી રહ્યા છે. ઘણા લોકો તેની સાથે જોડાઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં તેની કંપનીને ત્રણ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું જેનાથી તેની કામગીરી આગળ વધારવામાં ઘણી મદદ મળી. અનુરાગ કહે છે કે એક સમયે તેની કંપની વર્ષના ચાર-પાંચ લાખ કમાતી હતી, આજે તેનું ટર્નઓવર વાર્ષિક ૧૦ કરોડ રૂપિયાથી વધુનું છે. આને જ કહેવાય ભંગારને ભાગ્યમાં પલટવાની આવડત!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.