ઘટતો પ્રજનન દર બનશે વિશ્ર્વ માટે જોખમી?

વીક એન્ડ

ફોકસ -પ્રથમેશ મહેતા

કહે છે કે બાળકો કોઈ પણ રાષ્ટ્રનું ભવિષ્ય હોય છે. બાળકો આવતી કાલના જવાબદાર નાગરિકો અને સુશાસકો બનીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે છે. જો બાળકો ન હોય તો રાષ્ટ્રનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. આ જોખમ તરફ એક સંશોધન ઈશારો કરે છે, જે મુજબ મહિલાઓના પ્રજનન દરમાં કમી આવી છે. સંશોધકોનું માનીએ તો શોધનું પરિણામ હેરાન કરનારું છે અને સમાજ પર તેનાં ગંભીર પરિણામ પડી શકે છે, જ્યાં બાળકોથી વધારે વયસ્કો હોવાની શક્યતા છે. જે તારણ નીકળ્યું છે તે પ્રમાણે પ્રજનન દર ઓછો થવાનો મતલબ છે કે અસ્થાયી રીતે જન્મ દર ઓછો થવો. અર્થાત્ કેટલાક દેશોમાં વસ્તીમાં ઘટાડો નોંધાશે. આ સંશોધનમાં પ્રત્યેક દેશમાં વર્ષ ૧૯૫૦થી ૨૦૧૭ વચ્ચેનો અભ્યાસ કરાયો. વર્ષ ૧૯૫૦માં મહિલાઓ પોતાના સંપૂર્ણ જીવનમાં સરેરાશ ૪.૭ બાળકને જન્મ આપતી હતી, પણ પાછલા વર્ષ સુધીમાં આ દર અડધો, એટલે કે આ સરેરાશ ૨.૪ પર આવી ગઈ. જોકે પ્રત્યેક દેશમાં આ સરેરાશમાં અંતર જોવા મળે છે. નાઈજર અને પશ્ર્ચિમ આફ્રિકામાં પ્રજનન દર ૭.૧ છે, પણ સાઇપ્રસના ભૂમધ્ય દ્વીપ પર મહિલાઓ સરેરાશ એક બાળકને જ જન્મ આપે છે.
જ્યારે કોઈ દેશમાં પ્રજનન દર ૨.૧થી નીચે આવે ત્યારે જનસંખ્યા ઘટવાની શરૂઆત થઇ જાય છે. ખાસ કરીને તે દેશોમાં જ્યાં બાળમૃત્યુનું પ્રમાણ ઊંચું છે. ૧૯૫૦માં જ્યારે આ અધ્યયન શરૂ થયું ત્યારે કોઈ દેશ આ શ્રેણીમાં નહોતો. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશનના ડાયરેક્ટર પ્રોફેસર ક્રિસ્ટોફર મૂરે જણાવે છે કે ‘આપણે એ સ્થિતિમાં પહોંચી ગયા છીએ જ્યાં પ્રજનન દર રિપ્લેસમેન્ટ લેવલની નીચે છે. એટલે જો પગલાં લેવામાં નહીં આવે તો તે દેશોમાં જનસંખ્યામાં ઘટાડો થશે. આ મોટું પરિવર્તન છે.’
આર્થિક રૂપે વિકસિત દેશો અમેરિકા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા વગેરેમાં પ્રજનન દર ઓછો છે. તેનો મતલબ એવો નથી કે ત્યાં રહેનારા લોકોની સંખ્યા ઓછી થઇ રહી છે. ઓછામાં ઓછું હમણાં તો નહીં, કારણ કે અહીંયાં જનસંખ્યાનો આધાર પ્રજનન દર, મૃત્યુ દર અને સ્થળાંતરનું મિશ્રણ હોય છે. ઘટતા પ્રજનન દરની તાત્કાલિક અસર નહીં પડે, તેના માટે કેટલીક પેઢીઓ સુધી સતત પરિવર્તન થવું જોઈએ, પણ પ્રોફેસર મૂરે કહે છે, ‘આપણે જલદી એ સ્થિતિમાં પહોંચી જઈશું જ્યાં સમાજ ઓછી જનસંખ્યાનો સામનો કરશે.’ અડધાથી વધુ દેશોમાં પર્યાપ્ત બાળકોનો જન્મ થઇ રહ્યો છે, પણ નોંધાયું છે કે દેશ જેટલો આર્થિક રૂપે સમૃદ્ધ બને છે, તેટલો પ્રજનન દર ઘટે છે.
પ્રજનન દર ઘટવાનાં કારણો
પ્રજનન દર ઘટવાનું કારણ સ્પર્મ કાઉન્ટ ઘટવાનું નથી અથવા એવી કોઈ સામાન્ય વાત નથી જે મગજમાં સૌથી પહેલાં આવે છે, પણ તેનાં ત્રણ મુખ્ય કારણ છે: ૧) ઓછો બાળ મૃત્યુ દર, મતલબ મહિલાઓને ઓછાં બાળકો થવાં. ૨)ગર્ભ નિરોધકોની સુલભતા અને ૩) શિક્ષણ અને નોકરીમાં વધુ મહિલાઓનો સમાવેશ. રિપોર્ટ મુજબ આનાથી પ્રભાવિત દેશોએ અન્ય દેશમાંથી સ્થળાંતર વધારવા પર વિચાર કરવો પડશે. જોકે તેમાંથી અન્ય સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તે ઉપરાંત મહિલાઓને વધુ બાળકોને જન્મ આપવા પ્રેરિત કરવી પડશે, જે હંમેશાં શક્ય નથી. રિપોર્ટના લેખક પ્રોફેસર મૂરે કહે છે, ‘વર્તમાન આંકડાઓ મુજબ દેશોમાં બહુ ઓછાં બાળકો હશે અને જનસંખ્યામાં ૬૫ વર્ષથી ઉપરના લોકો વધુ હશે. તેનાથી વૈશ્ર્વિક સમાજ બનાવી રાખવો મુશ્કેલ બનશે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.