વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બોક્સર નિખાત ઝરીનને મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફ્લાયવેટ (52 કિગ્રા) વિભાગમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય બોક્સરોએ દેશના લોકોને ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સિદ્ધિ હાંસલ કરનારી તે માત્ર પાંચમી ભારતીય મહિલા બોક્સર છે.
ગુરુવારે ઇસ્તંબુલમાં મહિલા વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નિખત ઝરીને થાઇલેન્ડની જીતપોંગ જુટામાસ સામે 5-0થી જીત મેળવી સુવર્ણ પદક જીત્યો હતો. ઝરીનના સુવર્ણ ઉપરાંત, મનીષા મૌન (57 કિગ્રા) અને નવોદિત પરવીન હુડ્ડાએ (63 કિગ્રા) પણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
વડા પ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને અન્ય મહાનુભાવોએ પણ નિખત ઝરીનના ગોલ્ડ જીતવાની પ્રશંસા કરી હતી અને તેની સિદ્ધિને બિરદાવી હતી.
આ જીત સાથે એશિયન ચેમ્પિયનશિપ (2019)ની બ્રોન્ઝ મેડલ વિજેતા ઝરીન વિશ્વ ચેમ્પિયનનો તાજ મેળવનારી માત્ર પાંચમી ભારતીય બોક્સર બની છે.