Homeઆમચી મુંબઈગોખલે બ્રિજ બંધ થવાને કારણે મેટ્રોના પ્રવાસી વધ્યા

ગોખલે બ્રિજ બંધ થવાને કારણે મેટ્રોના પ્રવાસી વધ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીમાં ગોખલે બ્રિજને બંધ કરીને નવો બ્રિજ બાંધવાને કારણે ટ્રાફિકજામની સમસ્યા વચ્ચે અંધેરી-ઘાટકોપરને જોડતી મેટ્રો-વન (વર્સોવા-ઘાટકોપર)ના પ્રવાસીઓની સંખ્યામાં જોરદાર વધારો થયો છે, જે અંતર્ગત સોમવારે ઘાટકોપર રેલવે સ્ટેશનના બ્રિજ સુધી પ્રવાસીઓની લાઈન જોવા મળી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડવા માટે ગોખલે બ્રિજનું સૌથી મહત્ત્વનું જોડાણ માનવામાં આવી રહ્યું છે, જે બ્રિજ જૂનો થઈ ગયો હોવાથી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે. સામાન્ય સંજોગોમાં મેટ્રોમાં રોજના ૩.૬૦ લાખની આસપાસ પ્રવાસી પ્રવાસ કરે છે, જ્યારે વીકડેમાં ૩.૮૫ લાખથી વધુ લોકો પ્રવાસ કરે છે. સોમવારથી બ્રિજ બંધ કરવાને કારણે મેટ્રોના મોટા ભાગનાં સ્ટેશન પરથી અવરજવર કરનારાની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. ગયા સોમવારની તુલનામાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૧૧,૦૦૦થી વધુ પ્રવાસીએ મેટ્રોમાં મુસાફરી કરી છે, જ્યારે આઝાદ નગર મેટ્રો સ્ટેશનમાં ૨૬ ટકા, અંધેરી સ્ટેશનમાં ૧૭ ટકા રાઈડરશિપ વધી છે, એમ મેટ્રો-વનના પ્રવક્તાએ જણાવ્યું હતું.
સેન્ટ્રલ લાઈનમાં ઘાટકોપર સ્ટેશન પર પણ પ્રવાસીઓની અવરજવરમાં વધારો થયો છે, જેમાં સોમવારે પ્રવાસીઓની ટિકિટ લેવાની સાથે સ્ટેશનના પરિસરમાં એન્ટ્રી માટે પ્રવાસીઓની ભીડની લાઈન છેક ઘાટકોપર રેલવે સ્ટેશનના મિડલ બ્રિજ સુધી લાઈન પહોંચી હતી. ઘાટકોપર સ્ટેશનના પ્રવાસીની રાઈડરશિપમાં પણ પચીસ ટકા વધારો નોંધાયો છે. જોકે, ગોખલે બ્રિજ બંધ થયો હોવાને કારણે એકંદરે રાઈડરશિપ વધી હોવાની સ્પષ્ટ વાત છે, એમ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મેટ્રો-વનમાં (આઠમી જૂન, ૨૦૧૪થી લઈને અત્યાર સુધીમાં) ૭૬ કરોડ પ્રવાસીએ મુસાફરી કરી છે, જેમાં આ વર્ષે એકલા ઑક્ટોબર, ૨૦૨૨માં ૯૩ લાખ જેટલા પ્રવાસીનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Most Popular