Homeટોપ ન્યૂઝગુજરાત શોકમાં ડૂબેલું છે: મોદી

ગુજરાત શોકમાં ડૂબેલું છે: મોદી

ઉત્તર ગુજરાતની જળ યોજના સામેના રાજસ્થાનના
અંતરાય દૂર કરાયા છે: વડા પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મોરબીની દુર્ઘટનાથી આખું ગુજરાત શોકમાં ડૂબેલું છે. અમે સુજલામ સુફલામ યોજના સામે રાજસ્થાનની કૉંગ્રેસની સરકાર દ્વારા અંતરાય ઊભા કરવા કરેલા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને ઉત્તર ગુજરાતના લાભાર્થે પાણી અંગે નિર્ણય લીધો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસો પહેલાં જ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મોરબીમાં બનેલી દુર્ઘટના અંગે કેવડિયા કોલોની અને ઉત્તર ગુજરાતમાં થરાદ ખાતેના બન્ને કાર્યક્રમોમાં ભાવુક થઇને ઊંડું દુ:ખ વ્યક્ત કરીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેમણે થરાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતમાં અમલમાં મૂકેલી નર્મદા યોજના આધારિત સુજલામ સુફલામ યોજના સામે રાજસ્થાનની ગહલોત સરકારે અંતરાયો ઊભા કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમ જ જાહેરાતોમાં પણ કૉંગ્રેસની સરકાર સરદાર પટેલની તસવીર મૂકતી નહીં હોવાના મુદ્દે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
કેવડિયા કોલોની ખાતે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર પટેલના રસ્તે, સરદાર પટેલના આશીર્વાદથી ગુજરાતને વિકાસની દિશામાં આગળ લઈ જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ત્યાર બાદ ઉત્તર ગુજરાતના થરાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જળ વ્યવસ્થાપનના રૂ. ૮૦૩૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતેથી રૂ.૮૦૩૪ કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત આજે શોકમાં ડૂબેલું છે. દેશવાસીઓ પણ ખૂબ દુ:ખી છે. મોરબીમાં બનેલી દુર્ઘટનામાં પોતાના પરિવારજનો, સ્વજનો, નાનાં ભૂલકાં ગુમાવ્યાં છે એ પીડિત પરિવારજનો સાથે આપણી સૌની સંવેદનાઓ છે. રાહત અને બચાવ કામમાં કોઈ કસર રાખવામાં નહિ આવે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ અખબારોમાં જાહેરાત આપે છે, પણ સરદાર સાહેબનો ફોટો નહિ, સરદાર સાહેબનું નામ નહિ, તમે સરદાર સાહેબને તો જોડો પછી દેશ જોડવાનું કામ કરજો એમ જણાવતાં ગુજરાત સરદાર સાહેબનું આવું અપમાન કયારેય સહન નહિ કરે એમ જણાવી સરદાર પટેલના રસ્તે, સરદાર પટેલના આશીર્વાદથી ગુજરાતને વિકાસની દિશામાં આગળ લઈ જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ઉત્તર ગુજરાતના જળ પ્રકલ્પના આ ૮૦૦૦ કરોડના વિકાસકામોથી ઉત્તર ગુજરાતના ૬ જિલ્લા અને ૧૦૦૦ કરતાં વધારે ગામોમાં ૨ લાખ હેક્ટર કરતા વધુ જમીનને સિંચાઇની સુવિધાનો લાભ મળવાનો છે. એવું તેમણે જણાવ્યું હતું.

મોદી આજે મોરબી જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબીમાં રવિવારના દિવસે ઝૂલતા પૂલ તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. ૫૦૦થી વધુ લોકો પુલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં ૧૪૧ થી વધુ લોકોનાં મોત થયાં હોવાની માહિતી મળી છે. હજુ અનેક લોકો ગુમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. નરેન્દ્ર મોદી આવતી કાલે તા.૧લી નવેમ્બરના દિવસે એટલે કે મંગળવારે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.મળતી માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા.૧લી નવેમ્બરે બપોર પછી મોરબીની મુલાકાત લેશે. પીએમ મોદીના રાજકીય કાર્યક્રમો રદ્દ કરાયા છે જો કે વિકાસલક્ષી અને લોકાર્પણના કાર્યક્રમો યથાવત રહેશે.તેઓ મોરબીમાં દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે. પીડિતોના પરિજનોને પણ પીએમ મોદી મળશે.
વડા પ્રધાનની મુલાકાત પહેલા મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં બ્રિજના પ્રબંધક, મેઈન્ટનેન્સ સંભાળનારાની અટકાયત થઈ હતી. પ્રાથમિક તપાસમાં જિલ્લા પોલીસે બ્રિજ ૩૫ વર્ષ માટે ભાડાથી લિઝ પર અપાયો હોવાનું જણાવ્યુ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે મોરબીમાં ૪૦૦થી વધારે લોકો ઝૂલતા પુલ પરથી નદીમાં પટકાયા હતા. ૭ મહિના પુલનું કામ ચાલ્યું હતું અને ૬૦ ફૂટ ઊંચો પુલ બે કરોડના ખર્ચે બનાવાયો હતો. ઓરેવા ટ્રસ્ટે આ ઝૂલતા પૂલનું સમારાકમ કર્યું હતું. ૧૫ વર્ષની ગેરંટી પણ આપવામાં આવી હતી. પણ પુલ તો પાંચ દિવસમાં જ તૂટી પડ્યો.

 

RELATED ARTICLES

Most Popular