Homeદેશ વિદેશગુજરાત વિધાનસભાની ચૂંટણી: ભાજપના ૧૬૦ ઉમેદવાર જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી: ભાજપના ૧૬૦ ઉમેદવાર જાહેર

પાંચ પ્રધાન સહિત ૫૦ ટકા સીટિંગ ધારાસભ્યો પડતા મુકાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસના મિશન સાથે ભાજપે ગુરૂવારે કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૬૦ બેઠકોના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી. આ વખતે ૫૦ ટકાથી વધુ એટલે કે ૮૦ જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે જ્યારે વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારના પાંચ પ્રધાનો અને માજી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને માજી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની સરકારના આઠ પ્રધાનો સામે ચાલીને ચૂંટણીમાં ખસી ગયા છે, પરંતુ તેમના કાર્યકાળના મોટા ભાગના ધારાસભ્યો પર નો રિપીટ થિયરીની કાતર ફરી હતી. બીજી
બાજુ કૉંગ્રેસના એક ડઝનથી વધુ આયાતી નેતાઓને આ વખતે પણ રિપીટ કરાયા હતા. ૭૦ જેટલા સીટિંગ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે.
ભાજપે ગુરુવારે બહાર પાડેલી ઉમેદવારોની યાદીમાં પહેલા તબક્કાની ૮૯ બેઠકોની ૧લી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ૮૩ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે છ બેઠકોના ઉમેદવારોની જાહેરાત હવે થશે. આ ઉપરાંત બીજા તબક્કાની ૯૩ બેઠકોમાંથી ૭૭ જાહેર કરવામાં આવ્યા છે અને ૧૬ બેઠકોના ઉમેદવારોની જાહેરાત બાકી રાખવામાં આવી છે. આમ કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૬૦ ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે જ્યારે ૨૨ બેઠકોની જાહેરાત બાકી રાખવામાં આવી છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને તેમની સીટિંગ બેઠક અમદાવાદના ઘાટલોડિયા પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧ ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરવાના ચાર જ દિવસ બાકી છે. ભાજપે ૧૪ મહિલા ઉમેદવારને આ યાદીમાં સ્થાન આપ્યું છે. આ વખતે યુવા ચહેરાઓ પર ભાજપે વિશેષ ધ્યાન આપ્યું છે.
દરમિયાન કૉંગ્રેસે ગત ૪થી નવેમ્બરે ઉમેદવારોની પહેલી યાદીમાં ૪૩ નામો જાહેર કર્યાં હતાં. જ્યારે આમ આદમી પાર્ટીએ ૧૭૮ ઉમેદવારો જાહેર કર્યા છે.

RELATED ARTICLES

Most Popular