ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: અનેક સ્થળોએ ઝાપટાં વરસ્યાં

ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને સૌરાષ્ટ્રમાં શરૂ થયેલા ઝાપટાં બાદ શનિવારે પણ વલસાડ અને અમરેલીની સાથોસાથ જૂનાગઢ, રાજકોટ અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ભીમ અગિયારસના પાવન દિવસે વરસવાનું શરૂ કર્યું હતું. અમદાવાદમાં પણ ધમાકેદાર એન્ટ્રી સાથે ઝાપટાં થયાં હતા. બીજી બાજુ હવામાન ખાતાએ ૧૩મી જૂનથી વિધિવત ચોમાસાની શરૂઆત થવાનો વર્તારો આપ્યો છે. ભીમ અગિયારસના દિવસે જ વરસાદ વરસવાથી ચોમાસાના સારાં ચોમાસાના શુકન થયાં હોવાનું ખેડૂતો માની રહ્યાં છે.
ગુજરાતમાં શનિવાર સવારથી જ આકાશમાં ચોમાસું વાદળો ઊમટ્યાં હતાં. જૂનાગઢ જિલ્લામાં વિસાવદર અને ગીરગઢડા પંથકમાં શનિવારે બપોરે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. બપોર પછી ફરી દોઢ ઈંચ વરસાદ વરસતા ગીર ગઢડા પંથકમાં શનિવારે સાંજ સુધીમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાના શુબિરમાં ૪૮મિમી. તાપીના કૂકરમૂન્ડામાં ૩૫ મિમી. અમરેલીના સાવરકુંડલામાં ૩૧ મિમી. તેમ જ વલસાડના ધરમપુર, કપરાડા, નવસારીના જલાલપોર, ગીર સોમનાથના વેરાવળ, ગાંધીનગરના કલોલ સહિતના તાલુકાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લો અને વલસાડમાં સતત ચોથા દિવસે વરુણ દેવ રીઝ્યાં હતાં. બીજી બાજુ ગોંડલમાં ત્રણ દિવસ પહેલા પધરામણી કરી ચૂકેલા મેઘરાજા શનિવાર રાજકોટ પહોંચ્યા હતા અને જોરદાર વરસાદ શરૂ થયો હતો.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ આદિવાસી ગામ વાઘાબારી ખાતે ધોધમાર વરસાદની શરૂઆત થઇ હતી. શનિવારે વહેલી સવારે નવસારી શહેરમાં પણ અમીછાંટણા થયા બાદ ડુંગરાળ પ્રદેશ એવા આદિવાસી પંથક ગણાતા વાંસદા તાલુકાના ગામોમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું.
દરમિયાન રાજ્ય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસાની ગતિવિધિ ઝડપી બનવાનો વર્તારો આપ્યો છે. તા.૧૨મીથી ૧૫ જૂન વચ્ચે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત તેમ જ તા.૨૫મી જૂન સુધી રાજ્યમાં ચોમાસાના આગમનની વકી છે. રાજ્યમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ર્ચિમી પવનો શરૂ થશે. તેમજ રાજ્યમાં દક્ષિણ-પશ્ર્ચિમથી પશ્ર્ચિમના પવનોને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે પવનોની ઝડપ વધી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.