૧૮૨ બેઠકની ચૂંટણીની ૮મીએ મતગણતરી થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કૉંગ્રેસ અને ભાજપ તેમ જ પહેલીવાર ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવતી આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ૫૦થી વધારે રેલી કરી હોવા છતાં અને ત્રણેક મહિનાથી સતત રાજ્યમાં ધામા નાખ્યા હોવા છતાં મતદારોને મતદાનકેન્દ્ર સુધી ખેંચવામાં નિષ્ફળ રહ્યા હતા. સોમવારે યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણીપંચના મળેલા છેલ્લા અહેવાલ અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૮.૮૦ ટકા મતદાન નોંધાયું હતું. અંતિમ આંકડા મંગળવારે સવારે જાહેર કરવામાં આવશે. સોમવારે બીજા તબક્કાની ચૂંટણીમાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠક પર મતદાન યોજાયું હતું. રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન ૧લી ડિસેમ્બરે યોજાયું હતું જેમાં ૬૩.૩૧ ટકા મતદાન થયું હતું. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનની ટકાવારી ૬૯.૯૯ હતી. આ અંદાજિત મતદાનમાં ૧૦ ટકા જેટલો ચોંકવનારો ઘટાડો નોંધાયો છે.
સોમવારે સાંજે પાંચ વાગ્યે જાહેર થયેલા આંકડા અનુસાર અમદાવાદ શહેરની તમામ બેઠક પર ઘણું ઓછું મતદાન થયું હતું. અમદાવાદની તમામ બેઠક પર અંદાજે ૪૫થી ૫૫ ટકા વચ્ચે મતદાન થયું હતું. જેમાં નરોડામાં અંદાજે ૪૦ ટકા મતદાન જ નોંધાયું હતું, જે બીજા તબક્કાનું સૌથી ઓછું પણ હોય તે માનવામાં આવે છે. તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની બેઠક ઘાટલોડિયામાં માત્ર ૫૫ ટકા મતદાન નોંધાયું હતું. તો વડોદરા શહેરની બેઠકો પર પણ અંદાજે ૫૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાજ્યમાં થરાદમાં સૌથી વધારે ૭૮ ટકા અને દિયોદરમાં ૭૪ ટકા મતદાન નોંધાયું હતું.
ગુજરાતમાં પહેલા તબક્કાની જેમ બીજા તબક્કાના મતદાનમાં પણ શહેરી મતદારોએ આળસ કે અણગમો દેખાડ્યા હતા જ્યારે ગ્રામ્ય અને ખાસ કરીને આદિવાસી પટ્ટાએ મોટી સંખ્યમાં મતદાન કયું હતું.
સોમવારે સવારે આઠ વાગ્યાથી મતદાન મથકો પર થોડી લાઈન દેખાતા સારા મતદાનની આશા જાગી હતી, પરંતુ આઠ ૧૧ વાગ્યા સુધીના આંકડા જોઈએ તો વધીને ૧૨થી ૨૨ ટકા જેટલું જ મતદાન નોંધાયું હતું. જોકે સવારે ઘરકામ પતાવ્યા બાદ મહિલા મતદારો તેમ જ રજા હોવાથી નોકરિયાત વર્ગ થોડો મોડો બહાર નીકળ્યો હતો. બપોરે ત્રણ વાગ્યા સુધી રાજ્યનું સરેરાશ મતદાન ૫૦ ટકા નોંધાયું હતું.
અમદાવાદ, વડોદરા જેવાં શહેરોમાં મતદારોએ વધારે પડતી નિરસતા બતાવી હતી. અમદાવાદમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં માત્ર ૪૪.૪૪ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં પણ શહેરી મતવિસ્તારોમાં ૪૦ ટકા આસપાસ જ મતદાન થયું હતું. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સાબરકાંઠામાં સૌથી વધારે ૫૭.૨૪ ટકા, બનાસકાંઠામાં ૫૫.૭૪ ટકા, અરવલ્લીમાં ૫૪.૨૬ ટકા, આણંદ અને ખેડામાં અનુક્રમે ૫૨.૪ અને ૫૨.૨ ટકા, પાટણમાં ૫૧.૦૫, મહેસાણામાં ૫૧.૫૪ ટકા, પંચમહાલમાં ૫૩.૮૫ ટકા, છોટા ઉદેપુરમાં ૫૪.૩૯ ટકા જ્યારે વડોદરામાં ૫૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
લગ્નસરાની સિઝન આનું એક કારણ છે, પરંતુ ત્રણેય પક્ષોએ પોતપોતાની રીતે મતદારોને રિઝવવાની ભરપૂર કોશિશ કરી હોવા છતાં મતદારોએ મોં ફેરવ્યું છે, જે રાજકીય પક્ષો અને લોકશાહી માટે ચિંતાનો વિષય છે. આ સાથે જે તે પક્ષમાંથી ટિકિટ ન મળી હોવાથી કાર્યકરોએ પણ જોઈએ તેટલો ઉત્સાહ દર્શાવ્યો ન હતો. અમદાવાદ શહેરની મોટા ભાગની બેઠકો ઉપરાંત જિલ્લાનાં ધોળકા, સાણંદ સહિતના વિસ્તારોમાં ચૂંટણી હોય તેવો માહોલ જોવા મળ્યો ન હતો. અમુક મતદાન કેન્દ્ર પર સવારે થોડી ચહલપહલ હતી જે દસ વાગ્યા બાદ ઓછી થતી ગઈ હતી. યુવાનો કરતાં વરિષ્ઠ નાગરિકોએ મતદાનની ફરજ વધારે નિભાવી હોય તેવા દૃશ્યો દેખાઈ રહ્યાં હતાં. અમદાવાદના મુખ્ય પ્રધાનના વિસ્તાર ઘાટલોડિયા કે વડોદરાના કેબિનેટ પ્રધાનના મતવિસ્તાર બરોડા શહેરમાં પણ મતદારોની પાંખી હાજરી ઊડીને આંખે વળગી હતી.
નાનાં-મોટાં છમકલાં, ઈવીએમ બગડી જવાની ઘટનાને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. હિંમતનગરમાં મતદારોએ બોગસ મતદાનની ફરિયાદ કરી હતી. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકારે જે મત વિસ્તારોમાં કૉંગ્રેસતરફી મતદાન થયું હતું ત્યાં ધીમા મતદાની ફરિયાદ કરી હતી અને ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે કૉંગ્રેસ દ્વારા અલગ અલગ મતદાન કેન્દ્ર ખાતે ૩૬ જેટલી ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે તેમની સામે રજૂ થયેલી તમામ ફરિયાદોનો સત્વરે ઉકેલ લાવવામાં આવ્યો હતો.
રાજ્યમાં થયેલા બીજા તબક્કાના મતદાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકોર, ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના મહાનુભાવોએ પણ મતદાન કર્યું હતું. મોદીના માતા સો વર્ષીય હીરાબાએ પણ મતદાન મથકે જઈ મતદાન કર્યું હતું.
બન્ને તબક્કાનું પરિણામ આઠમી ડિસેમ્બરે એટલે કે ગુરુવારે જાહેર કરવામાં આવશે. હાલમાં ત્રણેય પક્ષ પોતાની જીતના દાવા કરી રહી છે.