મુખ્ય પ્રધાનની શપથવિધિ: ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને વડા પ્રધાન મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં પુષ્પગુચ્છ આપ્યું હતું. (ઈનસેટ) મુખ્ય પ્રધાન પદના શપથ લીધા પછી ભૂપેન્દ્ર પટેલ રજિસ્ટરમાં સહી કરી રહ્યા છે. (પીટીઆઈ)
—
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં ઐતિહાસિક વિજય બાદ સોમવારે ભાજપની સરકારના મુખ્ય પ્રધાનપદે ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યાં હતા. પટેલ સાથે તેમના પ્રધાનમંડળના ૧૬ ધારાસભ્યને પણ પ્રધાનપદ માટે શપથ લેવડાવાયાં હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના રાષ્ટ્રિય નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની વિશેષ ઉપસ્થિતિમાં પટેલ સરકારના સાત કૅબિનેટ અને આઠ રાજ્ય કક્ષાના પદનામિત પ્રધાનોએ પણ શપથ લીધાં હતા.
ગાંધીનગર ખાતે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રધાન મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધાં બાદ કેબીનેટ પ્રધાન તરીકે કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા, જ્યારે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્ર્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા.
રાજ્ય કક્ષાના પ્રધાનો તરીકે પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયાં હતા. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડા પ્રધાન, કૅબિનેટ પ્રધાનો, વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો બિરાજ્યા હતા, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહ્યા હતા.
ગુજરાતના ૧૮માં મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા બાદ ગાંધીનગર સચિવાલય ખાતે મળેલી નવી સરકારની પ્રધાનમંડળની પ્રથમ બેઠકમાં જૂની સરકારનાં પ્રધાનો ઋષિકેશ પટેલને આરોગ્ય-ઉચ્ચ શિક્ષણ, રાઘવજીને કૃષિ અને હર્ષ સંઘવીને ગૃહ વિભાગ (સ્વતંત્ર હવાલો) ફાળવાયા હતા. આ ખાતા અગાઉની સરકારમાં પણ આ પ્રધાનો પાસે જ હતા.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીના ખાતા પોતાની પાસે રાખ્યાં છે. જ્યારે કનુભાઈ દેસાઈને નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, ઋષિકેશ પટેલને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો, રાઘવજી પટેલને કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર, કુંવરજી બાવળિયાને જળસંપત્તિ અને પાણીપુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો, મૂળુભાઇ બેરાને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, ડૉ. કુબેર ડીંડોરને આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ભાનુબેન બાબરીયાને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ ખાતાં ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્ય કક્ષાના પ્રધાનોમાં હર્ષ સંઘવીને રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા), જગદીશ વિશ્ર્વકર્માને સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા), પુરુષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલન, બચુ ખાબડ પંચાયત અને કૃષિ, મુકેશ જે. પટેલને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા, પ્રફુલ્લ પાનસેરીયા સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા અને કુંવરજી હળપતિને આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ ખાતા સોંપવામાં આવ્યાં છે.
ગુજરાતમાં ફરી એક વાર ભૂપેન્દ્ર પટેલની સરકાર: ૧૭ પ્રધાને લીધા શપથ
RELATED ARTICLES