ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ યથાવત્: જૂનાગઢ, અમરેલી અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં મહેર 

આપણું ગુજરાત
અમદાવાદ: ગુજરાતમાં સતત પાંચ દિવસથી વરસી રહેલા મેઘરાજાએ બુધવારે સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના ૬૭ તાલુકાઓમાં મહેર કરી હતી. સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ અને  રાજકોટ જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. તેમ જ વીજળી પડતા વધુ એકનું મોત થયું હતું.
રાજકોટ જિલ્લામાં બુધવારે સતત પાંચમા દિવસે મેઘરાજાની પધરામણી થઈ હતી. ઉપલેટા, આટકોટ અને ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દિવસભરના અસહ્ય બફારા બાદ હાલ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના મેટોડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જ્યાં વીજળી પડતા મૂળ ઉત્તર પ્રદેશના વતની નીરજ શ્યામ યાદવ નામના યુવાનનું મોત થયું હતું. જ્યારે જસદણ તાલુકાના બળધોઈ ગામમાં બે કલાકમાં અઢી ઈંચ જેટલો ભારે વરસાદ વરસતા બળધોઈની સરણ નદીમાં પ્રથમ વરસાદમાં જ પૂર આવ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.જ્યારે જૂનાગઢ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના માણાવદમાં અઢી ઈંચ તેમજ માંગરોળમાં દોઢ ઈંચ જેટલો વરસાદ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં વરસી ચૂકયો હતો. માણાવદર શહેર અને પંથકમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. દરમિયાન રાજ્યમાં બુધવારે સવારથી સાંજ સુધીમાં ૬૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ૭૭ મિમી એટલે કે ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ૭૪ મિમી, જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૬૮ મિમી, ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ૫૪ મિમી, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૩૯ મિમી, ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૩૬ મિમી, ગીરસોમનાથ જિલ્લાના ઉનામાં ૩૧ મિમી, ખેડા જિલ્લાના ખેડા તાલુકામાં ૨૯ મિમી, બનાસકાંઠા જિલ્લાના વડગામમાં ૨૨ મિમી અને જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૨૧ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે વેરાવળ, કાલાવડ, મેંદરડા, બોરસદ, ભાવનગર, માળીયા, ધોળકા, વઢવાણ, પોશીના, કોટડા સાંગાણી, ગોંડલ, ઘોઘા, ખાંભા, કોડીનાર, કોશોદ, તળાજા, ધંધૂકા, ધારી સહિત કુલ ૫૦થી વધુ તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.