ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું: રોજ સરેરાશ ૧૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે

આપણું ગુજરાત

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ખાસ કરીને અમદાવાદ અને સુરત સહિતના મહાનગરોમાં કોરોનાના કેસમાં ચિંતાનજક રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સરેરાશ ૧૦૦ કેસ નોંધાઇ રહ્યા છે. શનિવારની રાત સુધીમાં કોરોનાના નવા ૨૩૪ કેસ નોંધાયા હતા. જ્યારે ૧૫૯ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૫,૧૯૨ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૧ ટકાએ પહોંચી ચુક્યો છે. ગુજરાતમાં કુલ ૧૨૬૧ એક્ટિવ કેસ છે. જેમાંથી છ દર્દીઓ વેન્ટિલેટર પર હતા. આ ઉપરાંત ૧૨૫૫ નાગરિકો સ્ટેબલ હતા. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૫,૧૯૨ નાગરિકો હરાવી ચુક્યા છે. બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. શનિવારે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨૮, વડોદરા કોર્પોરેશનમાં ૨૨, સુરત કોર્પોરેશનમાં ૨૭, ભાવનગર કોર્પોરેશનમાં ૧૨, વલસાડ સાત, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન અને સુરતમાં ચાર-ચાર, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં ત્રણ- ત્રણ કેસ નોંધાયા હતા. અમદાવાદ, આણંદ, અરવલ્લી, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠામાં બે- બે, ભાવનગર, ખેડા, નવસારી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાતા રાજ્યમાં કુલ ૨૩૪ કેસ નોંધાયા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.