ગાયક કે. કે.નું નિધન

ટૉપ ન્યૂઝ

કોલકાતા: બૉલીવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નથનું અહીં મંગળવારે રાતે નિધન થયું હતું. તે ‘કે. કે.’ તરીકે લોકપ્રિય હતા.
૫૩ વર્ષીય કે. કે.ના પરિવારમાં પત્ની અને બે સંતાન છે.
દક્ષિણ કોલકાતાના નઝરુલ મંચા ખાતે આવેલી ગુરુદાસ કૉલેજમાં યોજાયેલા કૉન્સર્ટમાં પરફૉર્મ કર્યા બાદ કે. કે.ની તબિયત બગડી હતી. તેમને હૉસ્પિટલ લઇ જવાયા તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ કે. કે.ના નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
કે. કે. ‘પ્યાર કે પલ’, ‘યારોં’, ‘આખોં મેં તેરી’ (ઓમ શાંતિ ઓમ), ‘ઝરા સા’ (જન્નત), ‘ખુદા જાને’ (બચના એ હસીનો), ‘તડપ તડપ’ (હમ દિલ દે ચૂકે સનમ) જેવાં ગીતથી યુવાનોમાં લોકપ્રિય બન્યા હતા.
કે. કે.એ તમિળ, તેલુગુ, ક્ધનડ, મલયાલમ,
મરાઠી, બંગાળી અને અન્ય ભાષામાં પણ ગીત ગાયાં હતાં.
કોલકાતા પોલીસે કે. કે.નું ‘અકુદરતી મૃત્યુ’ થયું હોવાનો કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. કે. કે. જે હૉટેલમાં ઊતર્યો હતો, તેમના મેનેજર અને અન્ય કર્મચારીઓની પોલીસે પૂછપરછ કરી હતી.
પશ્ર્ચિમ બંગાળ સરકારે કે. કે.ને બંદૂક ફોડીને સલામી આપી હતી. તેમનો મૃતદેહ રવીન્દ્ર સદન ખાતે થોડો સમય રખાયો હતો. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ પુષ્પાંજલિ આપી હતી.
કે. કે.ના મૃતદેહને નેતાજી સુભાષચંદ્ર આંતરરાષ્ટ્રીય વિમાનમથકે લવાયો હતો અને તેમના પરિવારને સોંપાયો હતો. બાદમાં બુધવારે રાતે તેમને મુંબઈ લઇ જવાયા હતા.
કે. કે.ના અંતિમસંસ્કાર મુંબઈમાં વર્સોવાના સ્મશાનમાં ગુરુવારે સવારે કરાશે. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.