ગાઢ અંધકારને મિટાવવાની મહેનત કરવાને બદલે એક દીપક જલાવવો વધુ બહેતર છે

ધર્મતેજ

માનસ મંથન – મોરારિબાપુ

મોહ હૃદયની દુર્બળતા છે અને પ્રેમ હૃદયની પ્રબળતા છે. આ સૂત્રથી આજે આ પ્રસંગમાં પ્રવેશ કરીએ. મોહ હૃદયને સદૈવ દુર્બળ બનાવે છે, પ્રેમ હૃદયને સબળ, મજબૂત બનાવે છે. મોહ ભીરુ છે, પ્રેમ શૂરવીર છે. મોહ કાયર છે, પ્રેમ વીર છે. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને જે પ્રારંભમાં કહે છે એ લક્ષ્મણજી, ગુહરાજને અંતમાં કહે છે. આ તારા ક્ષુદ્ર હૃદયની જે દુર્બળતા છે એને છોડ. લખનજી અંતમાં કહે છે, હૃદયની દુર્બળતા છોડ, સીતારામના ચરણમાં પ્રીતિ જોડ. મોહ વ્યાધિનું મૂળ છે, પ્રેમ સમાધિનું મૂળ છે.
ફર્ક ધીમે ધીમે સમજજો. ગોસ્વામીજીએ મોહને વ્યાધિનું મૂળ બતાવ્યું છે. આપણા વિષાદ અને દુ:ખોનું કારણ મમતા છે. જ્યાં મમતા નથી હોતી ત્યાં માણસને જરા ચોટ લાગે છે વિષાદથી, પરંતુ હૃદયમાં વિષાદ નથી થતો. કોઈ બૅંકમાં એક કરોડ રૂપિયાની લૂંટ થઈ જાય તો આપણને બહુ હરકત નહીં થાય, પણ આપણા ખિસ્સામાંથી પાંચ રૂપિયાની નોટ પડી જાય તો બહુ દુ:ખ થાય છે. દેશમાં રોજ કેટલી હત્યાઓ થાય છે, પણ એનું આપણને બહુ દુ:ખ નથી થતું કારણ કે ત્યાં આપણી મમતા નથી જોડાયેલી. પણ ઘરમાં બાળકને ઠેસ વાગે છે તો આપણને દુ:ખ થાય છે. દુ:ખનું કારણ જીવની મમતા છે. એ મમતાના ધાગાઓને વણી તેની દોરી બનાવી ઈશ્ર્વરમાં મન લગાવી દો. ‘ગીતા’ બહુ રહસ્યો ખોલે છે. સંસારના પદાર્થો માટે જયારે આંખમાં આંસુ આવે છે તો એ મોહના આસું છે અને પરમાત્મા માટે આંસુ આવે કે, હે હરિ, મેં તને યાદ ન કર્યો, આટલી ઉમર વીતી ગઈ, બીજાં કેટલા આગળ નીકળી ગયા, ને હું ત્યાનો ત્યાં જ રહ્યો! આ આંસુ પ્રેમનાં
આંસુ છે.
પ્રેમ સમાધિનું મૂળ છે. પ્રેમમાં જે ડૂબ્યો છે એને સહજ સમાધિ મળી છે, એનું પ્રસિદ્ધ ઉદાહરણ વ્રજાંગનાઓ છે. કાયરતા છોડવી જોઈએ, શૌર્યને ધારણ કરવું જોઈએ. ગંદકી છોડવી જોઈએ, સારી વસ્તુ લેવી જોઈએ. મોહ છોડવો જોઈએ એમ અંતમાં કહે છે. શું આપણો મોહ નથી છુટતો ? બધાનો અનુભવ શું છે ? વસ્તુનો ભોગ કર્યા પછી એ જ ઉપકરણથી મોહ છૂટી જાય છે. જે થાળીમાં મિષ્ટ ભોજન આવ્યું એ ભોજનને ભોગવ્યા પછી એ જ થાળી જૂઠી લાગે છે, રસોઈઘરમાં લઈ જવા જેવી નથી લાગતી. ચોકડીમાં લઈ જવા જેવી લાગે છે. જૂઠી થઇ ગઈ, વિરક્તભાવ પેદા થઈ ગયો. દિવસમાં કેટલીય વાર માણસનો મોહ હટે છે, તોય આપણે વારેવારે મોહમાં ફસાઈએ છીએ. અધ્યાત્મ જગત તમારો મોહ મટાડશે એવી વાત નથી. તમારું ભૌતિક જગત પણ વારેવારે મોહ મીટાવે છે, છતાં આપણે મોહથી મુક્ત કેમ નથી થતા? મોહ મટી જાય એકવાર તો કાયમ માટે એ મટી જતો નથી, પણ રામ ચરણમાં પ્રીતિ ઊપજવાથી મોહ મટે છે. જ્યારે મોહ મટ્યો એથી કામ પૂરું નથી થઇ જતું, જ્યાં સુધી રામચરણમાં પ્રીત નથી થતી તો મોહ વારેવારે ફસાવે છે. તેથી આ અર્ધી ચોપાઈ બહુ જ સૂત્રાત્મક છે.
મોહ છોડ એ પહેલાં નથી કહેતાં લખનજી, કારણ મોહ આખરે નાશવંત છે, મટે છે-બને છે. તમે દૂધપાક પી લીધો, એના તરફનો મોહ કેટલાક વખત માટે ગયો, પણ તે કાયમ નથી હટતો. ફરી પાછો મોહ થાય છે, મોહ હટે છે ભગવદ્ ચરણમાં પ્રીતિ પેદા થાય તો, ભગવદ્ચરણમાં દૃઢ અનુરાગ. લખનજીને શંકા છે કે મોટા મોટાનો મોહ પણ વારેવારે આવે છે ને જાય છે. નિષાદના વિષાદનું શું ઠેકાણું ? એ પણ એને વારેવારે પકડશે, તેથી બહુ મોટો મંત્ર આપે છે કે ‘રુલ્રૂ ફઊંૂરૂફિ ખફણ ફટ વળજ્ઞવુ’ તેથી કહે છે, ઊઠી જા ‘ચીપકી જા’. રામચરણોમાં લાગી જા. એ જ તારો મોહ મટાડશે. કૃષ્ણ શું અહંકારી ઘોષણા કરે છે ! શ્રીકૃષ્ણ આ અહંકારી ઘોષણા કરે છે કે લમૃ
અહંકાર બે રીતે મટે, એક તો તમારી જાતને તમે શૂન્ય બનાવી દો, અથવા તો તમારી જાતને એટલી મોટી બનાવી દો કે તમારી બહાર કોઈ ન રહે. બધું તમારી અંદર આવી જાય તો અહંકાર જાય.
મેરા મુજમેં કુછ નહીં, પોતાની જાતને સમેટવાની છે. કાચબાના અંગોની માફક પોતાની જાતને શૂન્ય બનાવવાની છે. અથવા તો તમે શૂન્યને જ એટલું મોટું બનાવી દો કે એ શૂન્યમાં આખો સંસાર સમાઈ જાય, એનાથી બહાર કંઈ ન બચે.
મારા કહેવાનું તાત્પર્ય એ છે કે શરણ, ચરણ રત થયા વિના મોહ નષ્ટ ઠીક રીતે નથી થઈ શકતો. મટે છે, બને છે-સંસારના ભોગ ભોગવો, પછી નીરસતા નથી આવતી ! એ જ ઉપકરણ ફિક્કું નથી લાગતું ! એ જ સાધનમાં બદબૂ જેવી નથી આવતી ? પણ પાછો મોહ એનો કબજો કરી લે છે-તો આ સૂત્ર યાદ રાખો કે, ભગવદ્ચરણમાં રત થયા વગર મોહનું સોએ સો ટકા મટવું અસંભવ છે.
જીવનમાં બેઠેલા રામ સૂઈ ગયા છે, એ રામને જગાડવા માટે એના ગુણોથી, એની કથાથી, ચરિત્રોથી, એના ચરણોમાં રત થઈ જવાથી જીવનો મોહ મટી શકે છે. જીવ મોહથી મુક્ત થઈ શકે છે.
ગુહના જીવનમાં કેટલા રૂપથી વિષાદ આવ્યો. અને એની નિર્મૂલન કરવા લક્ષ્મણજી વિચારે છે. અને આ પૂરો પ્રસંગ આપણા જીવનનું સત્ય છે. મેં બહુવાર કહ્યું છે કે ‘રામચરિતમાનસ’ ની કથા પ્રાચીન છે. પણ અર્વાચીન સમસ્યાનો જવાબ છે અને ભવિષ્યના વિશ્ર્વદર્શનનું માર્ગદર્શન છે. સાર્વભોમ શાસ્ત્ર છે, રામાયણને ધાર્મિક ગ્રંથ કહેવાનું બંધ કરો. એને સદગ્રન્થ કહો.
ધાર્મિક ગ્રંથ કહેવાથી સંકુચિતતા આવી જાય કે કોઈ એક ધર્મનું શાસ્ત્ર છે. ‘રામચરિતમાનસ’એ ધર્મગ્રંથ નથી, ‘માનસ’ એ વિશ્વનું સંવિધાન છે. જીવનના સત્યને ખોલે છે. તેથી પ્રસંગ ઘૂંટી ઘૂંટીને પીવો.
બે સિદ્ધાંતનો ફર્ક છે. કૃષ્ણ કહે છે મોહ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી તમારું અખંડ સ્મરણ નહિ થાય. મોહ બાધા નાખશે, વચ્ચે વચ્ચે તમને રોકશે. તૈલવત તમારી સ્થિતિ નહિ રહે.
મોહ પહેલાં જવો જોઈએ. રામાનુજ કહે છે કે અંધારું પૂરેપૂરું હટાવવાની ચેષ્ટા ન કરો, એનાથી સારું છે કે દીવો પ્રગટાવો. સ્મૃતિ બની જાય પછી મોહ જાય. તમારું સુમિરન ઠીક બને. ‘ગીતા’માં અને ‘માનસ’માં અંતર છે. નિર્મમ કેમ થવાય ? જયારે આપણી મમતા હરિમાં લાગી જાય.
(સંકલન : જયદેવ માંકડ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.