ગાંઠને ખર્ચે આ મરીન એન્જિનિયરે વાવ્યા ૧૮૦ પ્રકારના ૬૫૦ છોડ

પુરુષ

ફોકસ-હેમંત વૈદ્ય

કેટલાંક વ્યવસાય કે નોકરી એવાં હોય છે જેમાં વ્યક્તિ સતત પ્રકૃતિને ખોળે બેસીને કામ કરતી હોય છે, જેમ કે જંગલ ખાતું, દરિયાઈ ઉદ્યોગ વગેરે. જોકે પ્રકૃતિની જેટલા નજીક રહીને કામ કરો તેટલું જ પ્રકૃતિને થતું નુકસાન ઊડીને આંખે વળગે. જમ્મુના નવજીવ ડિગરાની નોકરી શિપિંગમાં હોવાથી હંમેશાં પ્રકૃતિની પાસે રહેવાનો મોકો તો મળતો હતો, પણ પ્રકૃતિને પ્રદૂષિત થયેલી જોઈને દુ:ખી પણ થતો હતો. ત્યારે તેને વિચાર આવ્યો કે દુ:ખી થઈને બેસી રહેવાથી કંઈ નહીં થાય, કોઈ ઉપાય કરવો પડશે. એટલે તેણે પોતાના શહેરના એક બગીચાને હર્યોભર્યો કરવાનું નક્કી કર્યું. પોતાની મહેનત અને પોતાને ખર્ચે એ બગીચાને તેણે બાયોડાઇવર્સિટી ગાર્ડન બનાવ્યો.
આજે ૪૯ વર્ષના ડિગરાએ બાળપણમાં પોતાના જિયોલોજિસ્ટ પિતા પાસેથી વારસામાં પ્રકૃતિ પ્રેમ મેળવ્યો હતો. પિતા સાથે અલગ અલગ જંગલોમાં રખડવાનો આનંદ લેતો. મરીન એન્જિનિયર બન્યા પછી પ્રકૃતિનું એક નવું રૂપ તેને જોવા મળ્યું.
પ્રકૃતિના આ નવા રૂપ સાથે જહાજ પરથી તેને જળ પ્રદૂષણ પણ જોવા મળતું હતું. સાથે સાથે જે રીતે હરિયાળો પ્રદેશ સંકુચિત થઈ રહ્યો છે એ તો ચિંતાનો વિષય હતો જ. આ વિચારધારાને કારણે જ નવજીવ જ્યાં જાય ત્યાં વૃક્ષારોપણ કરતો હતો અને સાથે લોકોને હરિયાળી ફેલાવવા જાગૃત કરતો હતો. તેનું માનવું છે કે સ્થાનિક વનસ્પતિઓનું વૃક્ષારોપણ આપણી ઈકોસિસ્ટમ વધુ મજબૂત કરી શકે છે.
પોતાના શહેરના એક સરકારી બગીચાની અવદશા જોઈને તેને નવપલ્લવિત કરવાનો નવજીવને વિચાર આવ્યો. આમ તો વૃક્ષારોપણ એટલું મુશ્કેલ નથી હોતું, પણ સમસ્યા એ હતી કે બગીચામાં જેટલા છોડ વાવે તે બધા મરી જતા હતા, પણ તેણે હાર ન માની. પછી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું કે જ્યાં પાર્ક બન્યો છે ત્યાં પહેલાં ચૂનાની ભઠ્ઠી હતી. આ વાસ્તવિકતા જાણ્યા પછી તેણે જમીનના ઉપરના સ્તરને ખોદી અંદરથી ચૂનો દૂર કરી, ફરીથી તેમાં યોગ્ય માટી ભરીને છોડવાઓ વાવ્યા. કોઈ માળીના ભરોસે કામ છોડવાને બદલે તેણે સ્થાનિક લોકોની મદદથી જાતે કામ શરૂ કર્યું. માત્ર દેખભાળ માટે બે માળીઓને નોકરી પર રાખ્યા હતા. આ માળીઓને પગાર પણ તે ખુદ આપતો હતો. તેના મિત્રો પણ તેને હવે આ કામમાં આર્થિક મદદ કરે છે.
ધીરે ધીરે તેણે સફરજન, રુદ્રાક્ષ, આમળાં, ટીમરુ, પારિજાત, શમી, ફણસ જેવા અલગ અલગ ૧૮૦ પ્રકારના રોપાઓ વાવ્યા. આજે ત્યાં પચાસથી વધુ પ્રકારનાં ફળોનાં વૃક્ષ છે. તેને કારણે ત્યાં પંખીઓનો મેળો જામે છે. અલગ અલગ શહેરોમાંથી મગાવીને ઔષધીય ગુણધર્મ ધરાવતાં વૃક્ષ અને છોડ પણ વાવ્યાં છે.
‘શરૂઆતમાં ઘણા મારી મજાક પણ ઉડાવતા કે સરકારી બગીચા પાછળ ગાંઠનું ગોપીચંદન કરવાની શું જરૂર? પણ મારી અંદર મારા શહેર અને પર્યાવરણ માટે કંઈક કરી છૂટવાની ભાવના એટલી પ્રબળ હતી કે આ મજાકની મને પરવા નહોતી. આ શહેરમાં હું ભણ્યો, સારી નોકરી મેળવી, સારી જિંદગી પ્રાપ્ત કરી, એટલે આ ધરતી પ્રત્યે મારી પણ કંઈક ફરજ છે,’ નવજીવ દૃઢતાપૂર્વક કહે છે.
તેની ઈચ્છાશક્તિ અને ધગશે શહેરવાસીઓને એક સુંદર બગીચો ભેટ આપ્યો. અહીં આવીને આબાલવૃદ્ધો તેના છાંયડાનો, ઠંડા પવનનો લાભ મેળવે છે. અહીંયાં ઊગતાં અનેક ફળોને કારણે આ પાર્ક કેટલાંય પક્ષીઓનું ઘર બન્યો છે. સ્થાનિક લોકોની સાથે વન વિભાગના લોકો પણ તેની ખૂબ પ્રશંસા કરે છે.
એક પાર્કનું રૂપ બદલ્યા પછી નવજીવને સંતોષ થયો નથી. છ-સાત મહિના પહેલાં તેણે પર્યાવરણપ્રેમીઓ સાથે મળીને એક સંસ્થા શરૂ કરી છે. આ સંસ્થા દ્વારા આસપાસનાં ગામડાંઓમાં જઈને ખાલી જગ્યાઓ, શાળાઓ-કોલેજોમાં વૃક્ષારોપણનું કામ કરવામાં આવે છે. પોતાના પ્રયાસો દ્વારા તે જનતાને એક મૂક સંદેશો આપે છે કે જો આપણે ખરેખર પર્યાવરણની રક્ષા અને સંવર્ધન કરવા માગતા હોઈએ તો તે દિશામાં કરેલો એક નાનકડો પણ પ્રયાસ અચૂક સુંદર ફળ આપે છે. એક વૃક્ષ કેટલાયના શ્ર્વાસને શુદ્ધ કરવાની ક્ષમતા રાખે છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.