Homeશેરબજારક્રૂડના તીવ્ર ઘટાડા છતાં શું નડ્યું?

ક્રૂડના તીવ્ર ઘટાડા છતાં શું નડ્યું?

શૅરબજાર – નિલેશ વાઘેલા

મુંબઇ: ટેકનિકલ ધોરણે જ્યારે શેરબજાર નવી ઊંચી સપાટી તરફ આગળ વધશે, એવા સંકેત મળી રહ્યા છે ત્યારે સપ્તાહના પહેલા જ દિવસે સવારના સત્રમાં જ સેન્સેકસ લગભગ ૫૫૦ પોઇન્ટ સપાટીએ પછડાઈ ગયો હતો. એક તબક્કે તો સેન્સેક્સ ૬૦૦ જેટલા પોઇન્ટના ઘટાડા સાથે ૬૧,૦૦૦ની લગોલગ પહોંચી ગયો હતો અનો અંતે ૫૧૯ પોઇન્ટ નીચી સપાટીએ સ્થિર થયો હતો.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હોવાના સમાચાર હતા. ક્રૂડ ઓઇલના ઘટાડાથી ભારતીય અર્થતંત્રને કેટલો લાભ છે એ તો સૌ જાણે છે. આયાતબિલ પર તેની નોંધપાત્ર સકારાત્મક અસર પડે છે. આ સત્રની વાત કરીએ તો સવાલ થાય કે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર કડાકાના વાવડ છતાં બેન્ચમાર્ક કેમ ગબડ્યો! શેરબજારની પીછેહઠ માટે બે કારણ છે. એક તો ચીન અને બીજું અમેરિકા. ચીને કોરોનાને લગતા નવા નિયંત્રણો લાદ્યા હોવાના અહેવાલને કારણે બજારનું સેન્ટિમેન્ટ વધુ ખોરવાયું છે. વિશ્ર્વભરમાં ઈન્ફલેશનનો ભય છે અને અમેરિકાની ફેડરલ આક્રમક વલણ અપનાવશે એવી અટકળોને કારણે બજારનું માનસ પહેલેથી જ ડહોળાયું છે. શેરબજારમાં આ સપ્તાહે પણ વૈશ્ર્વિક વલણોની અસર વધુ જોવા મળે એવા અણસાર છે. પોલેન્ડ પર રશિયન બનાવટની મિસાઇલના કથિત હુમલા બાદ ઇક્વિટી અને કિંમતી ધાતુઓની માર્કેટમાં સહેજ હલચલ વધી હતી અને એવું લાગ્યું કે થોડા દિવસ ફરી આ ઘટના ઇક્વિટી માર્કેટ પર અસર બતાવશે. જોકે રશિયાએ એ મિસાઇલ હુમલાની જવાબદારી ના લીધી, ખૂદ એમરિકાએ એ હુમલો રશિયાએ ન કર્યો હોવાનું જાહેર કર્યું!
પોલેન્ડ જેનો સભ્ય છે એ નાટોએ એવો દાવો તો કર્યો કે હુમલો રશિયાનો જ હતો, પરંતુ અંતે આ બધી ચર્ચા બાજુએ રહી ગઇ અને ફરી મૂળ ફેડરલનો ભય જ સામે આવીને ઊભો રહ્યો. હવે તેના ચીનના કોરોના વિસ્ફોટના ભયનો ઉમેરો
થયો છે.
સંક્ષિપ્તમાં વૈશ્ર્વિક સ્તરે ઇન્ફ્લેશનનો હાઉ હજુ ઘટ્યો નથી, પરિણામે ફેડરલ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારો અપનાવશે તેવા અહેવાલોના પગલે ઇક્વિટી માર્કેટની તેજીને બ્રેક લાગી છે.
ફેડરલની આગામી બેઠકમાં કેટલો વ્યાજ વધારો આવે છે અને વિદેશી રોકાણકારોનો ટ્રેન્ડ કેવો રહે છે તેના આધારે બજારનું ચિત્ર સ્પષ્ટ થશે. આ ઓછું હોય તેમ નિષ્ણાતો રોકાણકારોને થોભો અને જુઓની નીતિ અપનાવવાની સલાહ આપી રહ્યા છે. આ કારણો પણ શેરબજારને આગળ વધવાથી અટકાવી રહ્યા છે.

પીછેહઠની હેટટ્રિકમાં સેન્સેક્સ પાંચસોપચીસ
પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ૧૮૨૦૦ની નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલની આક્રમક વલણનો ભય ફરી એક વખત સપાટી પર આવવાથી વિશ્ર્વબજારમાં આવેલી નરમાઇ પાછળ સ્થાનિક બજારમાં પણ વેચવાલી વધી હતી અને લેવાલીનો ટેકો ના મળતો હોવાથી સતત ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ એકાદ ટકો ગુમાવીને પીછેહઠ નોંધાવી હતી. એફઆઇઆઇની વેચવાલી પણ ફરી શરૂ થઇ હોવાથી બજારનું માનસ ખરડાયું હતું.
સત્ર દરમિયાન ૬૧,૦૫૯.૩૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતમાં બીએસઈના ૩૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૧૮.૬૪ પોઇન્ટ એટલે કે ૦.૮૪ ટકાના ઘટાડાની સાથે ૬૧,૧૪૪.૮૪ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો પચાસ શેરવાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૧૪૭.૭૦ પોઇન્ટ એટલે કે ૦.૮૧ ટકા તૂટીને ૧૮,૧૫૯.૯૫ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો છે. સેન્સેક્સના શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, વિપ્રો અને ટાટા સ્ટીલમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. જ્યારે ટોપ ગેઇનર શેરોની યાદીમાં ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, હિંદુસ્તાન યુનિલીવર અને પાવરગ્રીડનો સમાવેશ હતો.
વોલસ્ટ્રીટમાં પાછલા શુક્રવારે સુધારો નોંધાયો હોવા છતાં, ફેડરલ રિઝર્વના એક અધિકારીએ પાછલા શનિવારે વ્યાજદરમાં ૭૫ બેસિસથી ૧૦૦ બેસિસનો વધારો કરવાની વાત ઉચ્ચારી હોવાથી વિશ્ર્વબજારમાં એકદંર નરમાઇ જોવા મળી હતી. એશિયાઇ બજારોમાં સિઓલ, શાંઘાઇ અને હોંગકોંગના શેરબજારોમાં પીછેહઠ નોંધાઇ હતી, જ્યારે ટોકિયોમાં સુધારો હતો. યુરોપમાં મોટાભાગના સ્ટોક એક્સચેન્જમાં પણ મધ્યસત્ર સુધી નરમાઇનો માહોલ રહ્યો હોવાના અહેવાલો હતા. વિદેશીંસ્થાકીય રોકાણકારોએ પાછલા સત્રમાં રૂ. ૭૫૧.૨૦ કરોડના શેરની વેચવાલી નોંધાવી હતી. આ સત્રમાં પણ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી અને પીછેહઠ જોવા મળી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૫૯ ટકા ઘટીને બંધ થયો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૦૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.
બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૪ ટકા નબળાઈની સાથે બંધ થયો છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ફાર્મા, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ ૦.૧૨-૧.૫૫ ટકા સુધી ખરીદારીનું વલણ રહ્યું હતું. બેન્ક નિફ્ટી ૦.૨૧ ટકાના ઘટાડાની સાથે ૪૨,૩૪૬.૫૫ના સ્તરે બંધ રહ્યો છે. જ્યારે પીએસયુ બેન્ક અને ક્ધઝ્યુમર ડ્યુરેબ્લ્સ શેરોમાં તેજી જોવા મળી હતી.
અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, હિરો મોટોકોર્પ, હિંડાલ્કો, રિલાયન્સ, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને એચડીએફસી ૧.૭૨-૨.૧૩ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે બીપીસીએલ, ભારતી એરટલ, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એચયુએલ, ઓએનજીસી અને બ્રિટાનિયા ૦.૪૪-૨.૧૦ ટકા સુધી વધીને બંધ થયા છે.
કોર્પોરેટ હલચલમાં દીપક ફર્ટિલાઇઝર અને આરતી ઇન્ડસ્ટ્રઈઝે સપ્લાઇ એરેન્જમેન્ટ માટે સહયોગ સાધ્યો છે. કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે પ્રાઇવેટ કાર ઇન્સ્યોરન્સ પોલીસી સાથે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ સવિધા સહિતનું એડ-ઓન મીટર કવર લોંચ કરવાની જાહેરાત કરી છે. આ લોંચ બાદ કોટક જનરલ ઇન્સ્યોરન્સ, પ્રાઇવેટ કાર ઇન્સ્યોરન્સ પોલીસી માટે એડ-ઓન દ્વારા કેશબેક ઓફર કરનાર ભારતની પ્રથમ કંપની બની છે. દરમિયાન મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે ભારત અને આસિયાન દેશો વચ્ચેના ત્રીસ વર્ષના રાજનૈતિક સંબંધોને બિરદાવવા સેહેરના સહયેગ સાથે ત્રણ દિવસની સંગીત ઉજવણી કરી હતી અને ૨૦૨૨ના વર્ષને ાસિયન ઇન્ડિયા ફ્રેન્ડશિપ યર જાહેર કર્યું હતું. વિદેશી મંત્રાલયે આ ઉત્સવમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ અને સિંગાપોર સહિતના અનેક દેસોને આમંત્ર્યા હતા.
મિડકેપ શેરોમાં રાજેશ એક્સપોર્ટ્સ, ટીવીએસ મોટર, જુબિલન્ટ ફૂડ્ઝ, પરસિસ્ટન્ટ અને ક્યુમિન્સ ૨.૧૧-૩.૧૪ સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં આઈઓબી, શ્રીરામ ટ્રાન્સફર, એસજેવીએન, સચેફલ્લર ઈન્ડસ્ટ્રીઝ અને યુનિયન બેન્ક ૩.૧૧-૯.૮૪ ટકા સુધી ઉછળો છે. સ્મોલોકપ શેરોમાં ટાઈમ ટેક્નોલોજી, લેન્સર કંટેનર, કોચિન શિપયાર્ડ, કિર્લોસ્કર ઑયલ અને કોપરણ ૬.૨૧-૧૧.૧૪ ટકા સુધી લપસ્યા છે.
જો કે સ્મોલકેપ શેરોમાં કાબરા એક્સટ્રુશન, સ્કિપ્પર, ઈઝી ટ્રીપ, બેન્ક ઑફ મહારાષ્ટ્ર અને ગોદાવરી પાવર ૧૩.૯૧-૧૯.૯૯ ટકા સુધી ઉછળા છે.
એફઓએમસીના સભ્યોએ ફરી એકવાર હોકિશ ટોન જાળવી રાખતાં ઈક્વિટી માર્કેટ્સમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે એવી આગાહી કરી છે કે, ફેડરલ રિઝર્વ અને રિઝર્વ બેન્કના વલણની અટકળો અને વિદેશી સંસ્થાઓના ટ્રેડિંગ વલણ, ક્રૂડ ઓઇલના ભાવની વધઘટ, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની વધઘટ વગેરે વચ્ચે બજારમાં અફડાતફડી સંભવ છે પરંતુ તેમ છતાં આગેકૂચની સંભાવના જણાય છે. તેમના મતે વોલેટાઇલ માર્કેટમાં નિફ્ટીની રેન્જ ૧૮૧૦૦-૧૮૪૫૦ વચ્ચે જોવા મળશે. સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે ૧૩૧.૫૬ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ટકા ગુમાવ્યા છે, જ્યારે નિફ્ટીએ ૪૨.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૨૨ ટકાની પીછેહઠ નોંધાવી છે.
આ સપ્તાહે ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકની મિનિટ્સ બજારને દિશા આપશે. જોકે નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે બજાર ઉછાળા માટે કેટલાક ટ્રિગર પોઈન્ટ્સની રાહ જોઈ રહ્યું છે એકાદ પોઝિટીવ સેન્ટીમેન્ટ આવતા નવી ઉંચાઇ સર કરશે. વોલેટિલિટી ઇન્ડેક્સ પણ એક વર્ષની નીચી સપાટીએ અને અનુકૂળ સ્તરે હોવાથી બેન્ચમાર્કને આગળ વધવામાં મદદ મળશે એમ માનવામાં આવે છે.
વૈશ્ર્વિક બજારોના પગલે ભારતીય રિઝર્વ બેન્ક પણ ૦.૩૦-૦.૪૦ બેસિસ જેટલો વ્યાજ વધારો જાહેર કરે તો નવાઇ નહીં. કોર્પોરેટ કંપનીઓના ત્રિમાસીક પરિણામ અનુમાન કરતા સારા રહ્યાં હોવાને કારણે બજારને મજબૂત સપોર્ટ મળી ગયો હતો. આ ઉપરાંત બેન્ક નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચી હોવાથી રોકાણકારોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. પાછલા સપ્તાહે સેન્સેક્સ ૧૬૧.૫૬ પોઇન્ટના નજીવા ઘટાડા સાથે ૬૧,૬૬૩.૪૮ પોઇન્ટ બંધ રહ્યો હતો જોકે, માર્કેટ ૬૧,૯૮૧ પોઇન્ટના રેકોર્ડ સ્તરે બંધ અથડાઇને ઘટ્યું છે.
જ્યારે નિફ્ટી ૪૨.૦૫ પોઇન્ટ ઘટી ૧૮૩૦૭.૬૫ પોઇન્ટ બંધ રહ્યો હતો. વોલેટાલિટી ભર્યા માહોલ વચ્ચે નિફ્ટી આ સપ્તાહે નીચામાં ૧૮૧૦૦ પોઇન્ટ અને ઉપરમાં ૧૮૪૫૦ પહોંચે તેવો અંદાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular