ક્રૂડતેલના ભાવ વધતાં ફુગાવો વધવાના ફફડાટે સેન્સેક્સમાં ૧૦૧૬ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૨૭૬ પૉઈન્ટનો કડાકો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો થવાને કારણે ફુગાવો વધવાનો ફફડાટ સપાટી પર આવતા આજે રોકાણકારોની ઈક્વિટી જેવી જોખમી અસ્ક્યામતોમાં વેચવાલીનું દબાણ રહેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૦૧૬.૮૪ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨૭૬.૩૦ પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. તેમ જ આજના કડાકામાં બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૩.૧૧ લાખ કરોડના ધોવાણ સાથે ઘટીને ૨,૫૧,૮૪,૩૫૮.૮૬ કરોડની સપાટીએ રહ્યું હતું. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં ૧૪૬૫.૭૯ પૉઈન્ટ અથવા તો ૨.૬૩ ટકાનો અને નિફ્ટીમાં ૩૮૨.૫૦ પૉઈન્ટ અથવા તો ૨.૩૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૫,૩૨૦.૨૮ના બંધ સામે ઘટાડા સાથે ૫૪,૭૬૦.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૪,૨૦૫.૯૯ અને ઉપરમાં ૫૪,૭૮૦.૭૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૦૧૬.૮૪ અથવા તો ૧.૮૪ ટકાના ઘટાડા સાથે ફરી ૫૫,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને ૫૪,૩૦૩.૪૪ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૬,૪૭૮.૧૦ના બંધ સામે ૧૬,૨૮૩.૯૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૬,૧૭૨.૬૦થી ૧૬,૩૨૪.૭૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧.૬૮ ટકા અથવા તો ૨૭૬.૩૦ પૉઈન્ટ ઘટીને ૧૬,૨૦૧.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે ક્રૂડતેલના ભાવમાં વધારો થતાં ફુગાવામાં હજુ વધારો થવાની શક્યતા અને તેને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતાં બજારમાં વેચવાલીનું વધુ દબાણ જોવા મળ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે આગામી મહિનાથી વ્યાજદરમાં વધારો કરવાનો અને સપ્ટેમ્બર મહિનાથી મોટા નીતિવિષયક ફેરફાર કરવાનો સંકેત આપ્યો હતો. વધુમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી ફંડોનો સતત બાહ્યપ્રવાહ અને ક્રૂડતેલના ભાવ વધવાને કારણે વેપાર ખાધમાં વધારો થવાની અને રૂપિયામાં વધુ ધોવાણ થવાની ભીતિથી ગબડતા બજારને ઢાળ મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૫ ટકા વધીને બેરલદીઠ ૧૨૩.૬૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ તેલ મંત્રાલયની પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ એનાલિસીસ સેલ (પીપીએસી)ની આંકડાકીય માહિતી અનુસાર ગત નવમી જૂનના રોજ ભારતની ક્રૂડતેલની ખરીની બાસ્કેટ ફેબ્રુઆરી/માર્ચ ૨૦૧૨ આસપાસની બેરલદીઠ ૧૨૧ ડૉલરની સપાટીએ રહી હતી.
એકંદરે વૈશ્ર્વિક નિરુત્સાહી પરિબળોને કારણે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સાર્વત્રિક સ્તરેથી વેચવાલીનું દબાણ વધુ રહ્યું હતું. વધુમાં આજે મોડી સાંજે અમેરિકાના મે મહિનાના ફુગાવાની જાહેરાતની અસર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૪-૧૫ જૂનની નીતિવિષયક બેઠક પર પડે તેમ હોવાથી રોકાણકારોની નજર ફુગાવા પર સ્થિર થઈ હતી. જોકે, બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા મૂકી રહ્યા હોવાનું એમ્કે વૅલ્થ મૅનૅજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે જણાવ્યું હતું.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર સાત શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે બાવીસ શૅરના ભાવ ઘટીને અને માત્ર એક એનટીપીસીના શૅરના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સૌૈથી વધુ ઘટનાર શૅરોમાં કોટક મહિન્દ્રા બૅન્કમાં ૩.૯૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બજાજ ફાઈનાન્સમાં ૩.૯૦ ટકાનો, એચડીએફસીમાં ૩.૮૦ ટકાનો, રિલાયન્સમાં ૩.૦૨ ટકાનો, વિપ્રોમાં ૨.૯૯ ટકાનો અને ટૅક મહિન્દ્રામાં ૨.૫૧ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે વધનાર શૅરોમાં એશિયન પેઈન્ટ્સમાં ૦.૭૮ ટકાનો, ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝમાં ૦.૬૨ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૫૨ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૦.૧૪ ટકાનો, ટિટાન અને મારુતિ સુઝુકીમાં ૦.૧૨ ટકાનો તથા નેસ્લેમાં ૦.૦૫ ટકાનો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં એકમાત્ર ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૧૨ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સમાં ૨.૦૯ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ, લાર્જકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૭૨ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.