ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને ડૉલર નબળો પડતાં રૂપિયામાં ૧૨ પૈસાનું બાઉન્સબૅક

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ઘટાડો તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએથી ૧૨ પૈસાના સુધારા સાથે ૭૮.૧૦ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૮.૨૨ના બંધ સામે ૭૮.૦૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૮.૧૦ અને ઉપરમાં ૭૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૨ પૈસા વધીને ૭૮.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો. ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે ફુગાવાને અંકુશમાં રાખવા બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. જોકે, વ્યાજદરમાં વધારાની સાથે અર્થતંત્ર ધીમું પડવાની અને બેરોજગારી વધવાની ચિંતા સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એકંદરે વેપાર ખાધમાં વધારો અને વૈશ્ર્વિક સ્તરે ડૉલર સામે અન્ય ચલણો નબળાં પડ્યા હોવા છતાં મુખ્યત્વે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા ઘટાડાને કારણે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું.
દરનિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૩ ટકા ઘટીને ૧૦૫.૦૨ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨૫ ટકા ઘટીને ૧૧૮.૨૧ પ્રતિ બેરલ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૦૪૫.૬૦ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩૩૧.૫૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ રૂ. ૩૫૩૧.૧૫ કરોડની વેચવાલી રહેતાં રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.