ક્રાંતિકારી બીના દાસ – ૩

ઉત્સવ

ઈતિહાસ પાછળનો ઈતિહાસ -પ્રફુલ શાહ

ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૭ હેઠળ સ્પેશ્યલ ટ્રિબ્યૂનલે બીના દાસને નવ વર્ષની આકરી કેદની સજા ફટકારી. અલગ-અલગ લેખમાં આ સજા સાત, નવ અને દસ વર્ષની બતાવાય છે. ભલભલા ભાંગી જાય, પણ બીના દાસનું મનોબળ અડગ, અડીખમ અને અખંડ રહ્યું. પોતાના કપરા કાળમાં સ્વસ્થ રહીને બીના દાસે બે આત્મકથા લખી, બંને બંગાળીમાં.. નામ ‘શૃંખલ ઝંકાર’ અને ‘પિતૃધન.’
જો કે બીના દાસનો જેલમાંથી વહેલો છુટકારો થઈ ગયો. ૧૯૩૯માં જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયાં. ૧૯૪૨માં જોશભેર ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો. ફરી જેલભેગા કરાયાં. ૧૯૪૨થી ૧૯૪૫માં કારાવાસ ભોગવ્યો. ૧૯૪૬માં તેઓ બંગાળ પ્રાંતીય વિધાનસભામાં ચૂંટાયાં અને ૧૯૪૭થી ૧૯૫૧ વચ્ચે પશ્ર્ચિમ બંગાળના વિધાનસભ્ય તરીકે રહ્યાં.
આ અગાઉ ૧૯૪૭માં તેમણે યુગાન્તર જૂથના સ્વાતંત્ર્ય સૈનિક જતીશચંદ્ર ભૌમિક સાથે લગ્ન કર્યાં. પતિના દેહાવસાન બાદ તેઓ ઋષિકેશમાં એકલવાયું જીવન જીવવા માંડ્યાં.
બીના દાસની સાથોસાથ તેમની બહેન કલ્યાણી દાસ/ ભટ્ટાચાર્યની વાત કરવી જ પડે. કલ્યાણી (૧૯૦૭-૧૯૮૩) બીનાજીનાં મોટાં બહેન. કલ્યાણીની જીવનસફર ભલે બહુ નાટ્યાત્મક નથી પણ હિમ્મતભરી તો ખરી જ. આઝાદીના જંગ વખતે બન્ને બહેન હાજી ડિટેન્શન કેમ્પમાં કેદ હતાં, ત્યારે ભેગા થઈ જતાં. આ જેલવાસમાંય બીનાજી શાંત ન બેસે. ક્યારેક સાથી કેદીઓ સાથે ભૂખ હડતાળ પર ઊતરી જાય, ક્યારેક પોતાની ક્ષમતા ચકાસવા માટે ઝેરી કીડીઓના કિડિયારામાં પગ મૂકી દે અને ક્યારે ભડભડ બળતી જ્વાળામાં આંગળી ધરી દે.
આ લોકોના જેલવાસ અને સહવાસની ઊડીને આંખે વળગતી બાબત એ કે રાજકીય વિચારધારાને લીધે અંગત સંબંધ ન કથળે. બીના અને કમલા બન્ને કૉંગ્રેસી નહોતાં છતાં ગાંધીજીની સવિનય કાનૂન ભંગ ચળવળમાં જોડાયાં પણ ખરાં.
હકીકતમાં સ્વતંત્રતા પછી અને ખાસ તો ઋષિકેશમાં સ્થાયી થયા પછી બીના દાસજી એકદમ ખોવાઈ ગયાં, ભુલાઈ ગયાં. ૧૯૬૦માં ભારત સરકારે એમને સામાજિક ક્ષેત્રે કામગીરી બદલ પદ્મશ્રી એવૉર્ડ આપ્યો હતો. એક અહેવાલ મુજબ ૧૯૮૬ની ૨૬મી ડિસેમ્બરમાં ઋષિકેશના એક નાળા પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરીબીમાં દિવસો વિતાવનારાં બીનાજીનો દેહ એટલો કોહવાઈ ગયો હતો કે એની ઓળખ સ્થાપિત કરવામાં ય દિવસો લાગી ગયા હતા.
એક અન્ય અહેવાલમાં બીના દાસના સંબંધીઓને ટાંકીને કહેવાયું હતું કે તેઓ બસ સ્ટૉપ પાસે બેભાન અવસ્થામાં મળ્યાં હતાં. પોલીસે હૉસ્પિટલમાં ખસેડ્યા બાદ બીજા દિવસે તેઓ અવસાન પામ્યાં હતાં. આ વાત તેમના પર બનેલી બંગાળી દસ્તાવેજી ફિલ્મમાં નોંધાયેલી છે.
પોતાના ભણતર, પ્રગતિ, પરિવાર અને સમગ્ર જીવનની સ્વતંત્રતા માટે અવગણના કરનારાં બીના દાસને દેશ પાસે ઘણી મોટી આશા હતી, જે તેમના સંસ્મરણમાં પ્રતીત થાય છે. “પંદરમી ઑગસ્ટ નજીક આવી રહી છે. અત્યારે ભલે આપણા મગજ ભારે હતાશા-નિરાશાથી ભરેલા છે. શંકાના કાળા ડિબાંગ વાદળાં ઘેરાયેલાં છે. છતાં અંતે આપણે સ્વતંત્ર થઈ રહ્યા છીએ… આપણો આત્મા આ વિચારથી ઉત્તેજિત છે. બ્રિટિશરો કાયમ માટે ભારત છોડી રહ્યા છે… કદાચ આજે આપણે આ ઘટનાનું મહત્ત્વ સમજી શકતા નથી… પરંતુ આપણી ભારે જહેમતથી મેળવેલા આઝાદ રાષ્ટ્રના પાયા પર સોનેરી ભવિષ્ય સાકાર કરનારી ભાવિ પેઢીને એની અગત્યતા સમજાશે.
આપણે બીના દાસની શહાદત-સંઘર્ષને જાણીને જાતને સવાલ પૂછીએ કે એમની આશા પર આપણે ખરા ઊતરીએ છીએ? (સંપૂર્ણ)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.