ક્રાંતિકારી બીના દાસ-૨

ઉત્સવ

ઈતહાસ પાછળનો ઈતિહાસ-પ્રફુલ શાહ

બંગાળના ગવર્નર જેકસનની હત્યાનો વિચાર એકદમ બહાર નહોતો આવ્યો. બ્રિટિશરો સામેનો રોષ વરસોથી મનમાં લાવારસની જેમ ઊકળી રહ્યો હતો. બીના સ્કૂલમાં હતા ત્યારે એક ઘટના બની. બ્રિટિશ વાઇસરૉયના પત્ની સ્કૂલની મુલાકાતે આવવાના હતા. મુલાકાતના આગલા દિવસે બીના સહિતની વિદ્યાર્થિનીઓને કાર્યક્રમના રિહર્સલ માટે બોલાવાયા. બધાને સૂચના અપાઇ કે બાસ્કેટ ભરીને તાજા ફૂલ લઇ આવવાના અને આદરણીય અતિથિ આવે એટલે એમના પગલે-પગલે પુષ્પ પાથરતા જવાના.
બીના દાસે આ વિચારનો માત્ર વિરોધ જ ન કર્યો, તેઓ રિહર્સલ રૂમમાંથી જતાં રહ્યાં. એમને આ રીતનો આતિથ્ય-સત્કાર અપમાનજનક લાગ્યો. તેઓ સ્કૂલની બારી પાસે બેસીને કયાંય સુધી રડતાં રહ્યાં. એમનું અનુકરણ અન્ય બે સખીએ કર્યું. આ ઘટના પહેલી નજરે સામાન્ય લાગે. પરંતુ આને પગલે બીના દાસ અને એમની સખીઓએ પ્રતિજ્ઞા લીધી કે માભોમના સન્માન માટે જીવ આપી દઇશું.
જોકે આ બાળ-સહજ પ્રતિજ્ઞા છતાં કોઇનો વિરોધનો સૂર મંદ ન પડ્યો. ૧૯૨૮માં બીના દાસે સાથી વિદ્યાર્થીઓ સાથે સાયમન કમિશનના વિરોધમાં દેખાવ અને પ્રદર્શનનું આયોજન કર્યું. આ બીના દાસનો પ્રથમ સત્તાવાર વિરોધ આને પગલે ઊકળી ઊઠેલા કૉલેજના સત્તાધીશોએ બીના દાસને બોલાવીને ખખડાવ્યા અને માફી માગવાનો આદેશ આપ્યો. માફી ન માગવાથી આકરા પગલાં ભરવાની ધમકી ય ઉચ્ચારી, પરંતુ બીના દાસે માફી માગવાનો ધરાર નનૈયો ભણી દીધો. પરિણામે કૉલેજની ‘સવાઇ બ્રિટિશર’ જેવી મહિલા પ્રિન્સિપાલે રાજીનામું આપવું પડ્યું. આ બીના દાસની પહેલીવહેલી જીત. મોટા થઇને ગવર્નર જેકસનને ખતમ કરવાનો નિર્ણય લઇને બીના દાસે સૌને ચોંકાવી મૂક્યા હતા. એક તો હત્યા કરવાનો અનુભવ નહીં. બીજું રિવૉલ્વર ચલાવવાની ખાસ પ્રેક્ટિસ નહીં. જે કંઇ હતું એ હિમ્મત અને દ્રઢ નિર્ધાર. પરંતુ માત્ર ઇચ્છા અને મનોબળને શસ્ત્ર બનાવીને હત્યા થોડી થઇ શકે? પ્લાન મુજબ આ માટે જરૂર હતી એક રિવૉલ્વરની.
આ ઑપરેશન પાર પાડવા માટે બીના દાસે પોતાની મિત્ર કમલા દાસગુપ્તાનો સંપર્ક સાધ્યો. કમલાજી પણ યુગાન્તર નામક ક્રાંતિકારી જૂથના સભ્ય હતા. અનેક સવાલ-જવાબ અને ગવર્નર પર ગોળીબાર કરવાના ગંભીર પરિણામોની ઊંડાણપૂર્વક સમજ આપ્યા બાદ કમલાજી શસ્ત્ર આપવા રાજી થયા.
૧૯૩૨ની છઠ્ઠી ફેબ્રુઆરીનો દિવસ આવ્યો. બીના દાસ શાલની અંદર રિવૉલ્વર સંતાડીને પદવીદાન સમારંભમાં પહોંચી ગયા. સ્ટેનલી જેકસન સમારંભમાં સંબોધન કરે એ અગાઉ બીના દાસે મંચ પર જઇને ગોળી છોડી. પહેલી ગોળી નિશાન ચૂકી ગઇ. બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી ગોળી ય નિષ્ફળ ગઇ. હકીકતમાં બીના દાસને નિશાનબાજી કે રિવૉલ્વર ચલાવવાની આદત કે પ્રેક્ટિસ નહોતી એટલે આમ થવાની શકયતા હતી જ. પહેલી ગોળી છૂટયા બાદ વાઇસ ચાન્સેલર હસન સુહારવર્દી ગવર્નરને બચાવવા વચ્ચે કૂદી પડયા. તેઓ બીના દાસ સાથે અથડાયા ય ખરા. એટલે બીનાજીએ ત્યાર પછીની ગોળીઓ આડેધડ અને ઝનૂનમાં છોડી. આમાંથી એક ગોળી વાગવાથી સિનિયર પ્રોફેસર ડૉ. દિનેશચંદ્ર સેન ઘાયલ થયા. એ પળે બીના દાસને મળેલી બહાદુરીપૂર્વક નિષ્ફળતાએ ભારતના અને પશ્ર્ચિમ બંગાળની સ્વતંત્રતા માટેની લડાઇના ઇતિહાસમાં સ્થાન અપાવી દીધું. બીના દાસને પોલીસે પકડી લીધી. ગોળીઓ છોડવાથી છવાયેલો ધુમાડો પૂરેપૂરો શમી જાય એ અગાઉ ગવર્નર જેકસને હસતા ચહેરે પોતાનું સંબોધન શરૂ કરી દીધું. એક સૈનિક અને ક્રિકેટરનું મનોબળ જ આવી ગજબનાક સ્વસ્થતા આપે. બાકી આજકાલનો કોઇ નેતા હોત તો કયારનો ય ઝેડ સિક્યોરિટી ગાર્ડના કવરમાં સંતાઇને ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયો હોત.
હત્યાના પ્રયાસ બદલ બીના દાસને આકરી મજૂરી સાથે નવ વર્ષની કેદની સજા થઇ. આ સજા વખતે બીના દાસે અંગ્રેજી ભાષામાં પાંચ પાના ભરીને પોતાની કેફિયત-કબૂલાતનામું આપ્યું હતું પણ બ્રિટિશ વહીવટે એના જાહેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. છતાં એ લોકો સુધી પહોંચી ગયું ને ઠેરઠેર એનો પ્રસાર થવા માંડયો. આમાં બીના દાસે શું લખ્યું હતું? તેમની આગ ભભૂકતી લાગણી કંઇક આવી હતી. “મારો ધ્યેય મરવાનો હતો. પણ મારે સરકારની સરમુખત્યારશાહી પદ્ધતિ સામે ઉદાત્ત રીતે લડીન મરવું હતું. આ આપખુદશાહીએ મારા દેશમાં કાયમી બેઇજજતી અને અનંત અત્યાચાર આપ્યા છે. તો ભારતને જીવવા લાયક બનાવવા માટે અત્યાચારી શાસક સામે સર્વોચ્ચ વિરોધ દાખવીને પોતાનું જીવન શા માટે ન્યોછાવર ન કરવું? શું ભારતની એક પુત્રી કે ઇંગ્લેન્ડના એક પુત્રના જીવનું જવું ભારતના પીડિત પ્રજાજનો અને ઇંગ્લેન્ડને પોતાની ભૂલ માટે જાગૃત નહીં કરે? (ક્રમશ)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.