કોરોના કેસમાં વધારાથી મહારાષ્ટ્ર સરકાર ચિંતાગ્રસ્ત, માસ્ક ફરજિયાત?

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે આવી જ રીતે કોરોનાના કેસ વધતા રહ્યા તો રાજ્યમાં ફરીથી માસ્કને ફરજિયાત બનાવવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રમાં બુધવારે ૧૦૮૧ નવા કેસ નોંધાયા હતા અને ૨૪ ફેબ્રુઆરી પછીનો આ સર્વોચ્ચ આંક છે.
ગુરુવારે અજિત પવારે પત્રકારોને કહ્યું હતું કે જો કોરોના વાઈરસના કેસ વધવાનું આવી જ રીતે ચાલુ રહેશે તો આગામી દિવસોમાં માસ્ક ફરીથી ફરજિયાત બનાવવાની ફરજ પડશે. તેમણે કહ્યું હતું કે કોરોનાની ત્રણેય લહેરનો મહારાષ્ટ્રની જનતાએ સામનો કર્યો છે અને તેથી અત્યારે કોરોનાના વધી રહેલા કેસ પર સરકાર નજર રાખી રહી છે અને આવશ્યક પગલાં લઈ રહી છે.
એક પ્રશ્ર્નના જવાબમાં એનસીપીના નેતાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારને જીએસટીના લેણાં તરીકે રૂ. ૨૯,૬૪૭ કરોડ મળવાના હતા, પરંતુ બે દિવસ પહેલાં રૂ. ૧૪,૧૪૫ કરોડ મળ્યા છે અને હજી બીજા રૂ. ૧૫,૫૦૨ કરોડ લેવાના નીકળે છે. ઉ

ચોમાસામાં કેસમાં વધારો થવાનું જોખમ

કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લાં થોડા દિવસમાં ચિંતાજનક કહેવાય એમ કોવિડના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે અને આગામી દિવસમાં ચોમાસામાં હજી વધારો થવાની શક્યતા છે. તેથી સતર્ક થઈ ગયેલી મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાના ટેસ્ટિંગ પ્રતિદિન ૮,૦૦૦થી વધારીને ૨૫,૦૦૦ કરવાનુંં હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર ડૉ. સંજીવ કુમારે કહ્યું હતું.
છેલ્લા એક મહિનામાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોના કેસ અચાનક કેમ વધી ગયા છે એ બાબતે એડિશનલ કમિશનર ડૉ. સંજીવ કુમારે કહ્યું હતું કે ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ જીનોમ સિક્વેન્સિંગ ચાલી રહ્યું છે ત્યારબાદ ચોક્કસ કારણ જાણી શકાશે. પરંતુ કોરોનાની પહેલી બે જોખમી લહેરનો મજબૂતાઈ સામનો કરનારી મુંબઈ મહાનગરપાલિકા ચોમાસા દરમિયાન કોરોનાના કેસમાં વધારો થયો તો તેનો પણ સામનો કરવા સજ્જ છે.
કોરોનાની પહેલી લહેર માર્ચ ૨૦૨૦માં આવી હતી. જ્યારે બીજી લહેર ૨૦૨૧ના શરૂઆતના સમયમાં તો ત્રીજી લહેર આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં આવી હતી. પરંતુ આ સમયે કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો પણ થયો હતો અને તે તુરંત નિયંત્રણમાં પણ આવી ગઈ હતી.
સંજીવ કુમારે કહ્યું હતું કે પહેલી બે લહેરને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળ્યા બાદ આ વખતે પણ જોકે કોરોનાની લહેર આવી તો તેને નિયંત્રણમાં લાવવા પાલિકા સક્ષમ છે. સદ્નસીબે મોટાભાગના કોવિડ પોઝિટિવ લક્ષણો વગરના છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. તેથી હાલ હૉસ્પિટલમાં બેડ પૂરતી સંખ્યામાં ખાલી છે. છતાં પાલિકા કોઈ બેદરકારી રાખવા માગતી નથી, તેથી પ્રતિદિન કરવામાં આવતા કોવિડના ટેસ્ટિંગ ૮,૦૦૦થી વધારીને ૨૫,૦૦૦ સુધી કરવામાં આવવાના છે. આ વર્ષની શરૂઆતમાં પણ જ્યારે રોજના કોરોના કેસની સંખ્યા ૨૦,૦૦૦ને પાર કરી ગઈ હતી ત્યારે રોજના
૭૦,૦૦૦ સુધી કોવિડના ટેસ્ટ કર્યા હતા, ત્યારે આરટીપીસીઆર અને ઍન્ટીજન ટેસ્ટ શહેરમાં જુદા જુદા સ્થળે કરવામાં આવ્યા હતા. તે રીતે આ વખતે પણ આવશ્યકતા જણાઈ તો તે મુજબ કરવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાને પણ કોવિડને લગતા તમામ નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે, જેમાં માસ્ક પહેરવાથી લઈને સોશિયલ અંતર જાળવવાનું, હાથ સ્વચ્છ કરવાના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં માસ્ક પહેરવું સ્વૈચ્છિક કરી નાખવામાં આવ્યું છે.

રાજ્યમાં સતત બીજા દિવસે કેસની સંખ્યા હજારને પાર: મુંબઈમાં ૭૦૪ કેસ નોંધાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના કેસનો આંકડો હજારને પાર કરી ગયો હતો. ગુરુવારે મુંબઈમાં ૭૦૪ નવા દર્દી સહિત રાજ્યમાં કુલ ૧૦૪૫ નવા દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ગુરુવારે મુંબઈમાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થયું હતું.
રાજ્યમાં બુધવારે કુલ ૫૧૭ દર્દી સાજા થઈને ઘરે ગયા હતા. તો અત્યાર સુધી રાજ્યમાં ૭૭,૩૬,૭૯૨ લોકો કોરોના મુક્ત થયા છે. તેથી દર્દી સાજા થવાનું પ્રમાણ હવે ૯૮.૦૭ ટકા થઈ ગયું છે. રાજ્યમાં ગુરુવારે ફક્ત એક દર્દીનું મોત થયું હોઈ મૃત્યુ દર ૧.૮૭ ટકા છે. તો રાજ્યમાં હવે કોરોનાગ્રસ્ત દર્દીની કુલ સંખ્યા ૭૮,૯૯,૨૧૨ થઈ ગઈ છે.
જયારે મુંબઈમાં સળંગ બીજા દિવસે કોરોનાનો આંકડો ૫૦૦ને પાર ગયો હતો. બુધવારે ૭૩૯ કેસ નોંધાયા બાદ ગુરુવારે કોરોનાના ૭૦૪ નવા દર્દી નોંધાયા હતા, તેમાંથી ૩૩ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો ૬૭૧ દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નહોતા. તેની સામે ગુરુવારે ૩૪૯ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. જોકે દિવસ દરમિયાન કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થયું હતું. ગુરુવારે આખા દિવસ દરમિયાન ૯,૫૪૪ કોરોનાના ટેસ્ટ થયા હતા. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.