કોમનવેલ્થ ગેમ્સ 2022:ગોલ્ડ મેડલના આ પ્રબળ દાવેદારો મલ્ટી સ્પોર્ટિંગ ઈવેન્ટમાં ભાગ નહીં લઇ શક્યા

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

કોમનવેલ્થ ગેમ્સનો આજથી બર્મિંગહામમાં પ્રારંભ થઇ રહ્યો છે. આ ગેમ્સમાં ભારતમાંથી 205 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. એમાંથી કેટલાક ખેલાડીઓ એવા છે જેમીન પાસેથી ભારતને ઘણી આશાઓ છે. તેઓ ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર છે. આ વખતે ભારતની આશા નિખત ઝરીન, લવલિના બોર્ગોહેન, લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત, પીવી સિંધુ જેવા સ્ટાર ખેલાડીઓ પાસેથી છે. બીજી તરફ કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ ભારતને ગોલ્ડ મેડલ અપાવી શક્યા હોત પણ તેઓ કોમન વેલ્થ ગેમ્સમાં ભાગ નથી લઇ શક્યા. આપણે એવા ખેલાડીઓ પર એક નજર નાખીએ.

નીરજ ચોપરા
ટોક્યો ઑલિમ્પિક્સમાં જૈવલિન થ્રો (ભાલા ફેંક)માં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ હાલમાં જ યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા બે દિવસ પહેલા જ જંઘામૂળમાં થયેલી ઇજાને કારણે આ રમતોત્સવની બહાર થઇ ગયો હતો. તેણે 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

મેરી કોમ
ભારતની લોકપ્રિય મહિલા બૉક્સર મેરી કોમે પણ આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નથી લીધો. ઑલિમ્પિકસમા ંગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પ્રથમ મહિલા બૉક્સર છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ 6 વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકે, આ વખતે ઇજાને કારણે તે ટ્રાયલમાં પાસ થઇ શકી નથી.

સાઇના નેહવાલ
ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ પણ આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં રમતી નહીં જોવા મળે. 2010 અને 2018માં ગોલ્ડ મેડલ જીતનારી સાઇનાએ આ વખતે સમયના અભાવે સિલેક્શન ટ્રાયલમાં ભાગ લીધો નહોતો. BFI રેન્કિંગમાં તે 24મા ક્રમે છે, તેથી જ BAIના નિયમો મુજબ તેની સીધી પસંદગી થઈ શકી નથી. બ્રિજ ફેડરેશન ઑફ ઇન્ડિયા ( BFI) રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં રમતવીરોના પ્રદર્શનના આધારે મૂલ્યાંકન કરે છે.

 

રાની રામપાલ
રાની રામપાલે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે હેમસ્ટ્રિંગની ઈજા સામે ઝઝૂમી રહી છે. ઈજાના કારણે તે તાજેતરમાં યોજાયેલા હોકી વર્લ્ડ કપમાં ભાગ લઈ શકી નહોતી.

વિકાસ ક્રિષ્ન યાદવ

હરિયાણાનો વિકાસ ક્રિષ્ન યાદવ પણ કોમનવેલ્થ રમતોત્સવમાં ભાગ નથી લઇ શક્યો. કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બૉક્સર છે. 2018માં તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે તે સિલેક્શન ટ્રાયલમાં ભાગ નહોતો લઇ શક્યો, પરિણામે તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નથી લઇ શક્યો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.