કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે નાણાનીતિ તંગ કરતા વ્યાજદરમાં ૭૫ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હોવાથી વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિ તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩થી ૧૨નો ઘટાડો આવ્યો હતો, જ્યારે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં ઍલૉય ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ સાધારણ રૂ. એકનો સુધારો આવ્યો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આમ એકંદરે આજે ધાતુ બજારમાં મિશ્ર વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જેમાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૨૧૩૮, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૬ ઘટીને રૂ. ૭૫૧, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૫ ઘટીને રૂ. ૭૭૦, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને રૂ. ૭૩૩ અને કોપર સ્ક્રેપ હેવી તથા બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૭૪૪ તથા રૂ. ૫૦૦ની સપાટીએ રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં સ્થાનિક ડીલરો તથા ઍલૉય ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૩૨૧ની સપાટીએ રહ્યા હતા, જ્યારે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, લીડ ઈન્ગોટ્સ અને ટીનમાં છૂટીછવાઈ સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.