કુમાર કાર્તિકેય તારકાસુરના વધનું શ્રેય માતા-પિતા દ્વારા મળેલી શક્તિને આપે છે

ધર્મતેજ

શિવ રહસ્ય – ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: શું હવે સમય નથી આવી ગયો કે સ્વર્ગનું સિંહાસન કુમાર કાર્તિકેયને આપવામાં આવે, એવા દેવર્ષિ નારદ દ્વારા અચાનક આવી પડેલા પ્રસ્તાવથી દેવરાજ ઈન્દ્ર સ્તબ્ધ થઈ જાય છે. તેમને સૂઝતું નથી કે શું કરવું? આ સાંભળી તુરંત દેવરાજ ઈન્દ્ર કહે છે કે ‘હું સ્વર્ગલોકનો રાજા છું, મેં કેટલાંય વરસોથી કષ્ટો સહન કર્યાં છે, મને જ સિંહાસન મળવું જોઈએ.’ અસ્વસ્થ થયેલા દેવરાજ ઈન્દ્રને જોઈ ભગવાન શિવ કહે છે કે ‘અવશ્ય દેવરાજ, તમને જ સિંહાસન મળવું જોઈએ.’ તો માતા પાર્વતી પૂછે છે કે ‘શું કામ…?’ તેના જવાબમાં ભગવાન શિવ કહે છે, ‘રાજાનું કાર્ય યુદ્ધ છે, પણ પોતાની પ્રજાના સંરક્ષણ સુધી સીમિત નથી, પ્રજાનાં સુખ અને સમૃદ્ધિનું પણ ધ્યાન રાખવાનું હોય છે. રાજાનું કર્તવ્ય ધર્મની સ્થાપના કરી તેનું સંરક્ષણ કરવાનું પણ હોય છે. આવી હજારો જવાબદારીઓ રાજા સંભાળતા હોય છે, અન્ય યોગ્યતાઓ પર ધ્યાન આપ્યા વિના જો કાર્તિકેયને શક્તિના આધાર પર દેવરાજની પદવી આપીશું તો સમસ્ત સંસાર આનું ઉદાહરણ લેશે. કુમાર કાર્તિકેય પાસે મારી અને દેવી પાર્વતીની શક્તિઓ છે, પણ શાસન કરવાની વિદ્યા નથી, અનુભવ નથી.’ આટલું સાંભળતાં અગ્નિદેવ કહે છે, ‘આપ કુમારને આ વિદ્યામાં પણ નિપુણ બનાવી શકો છો, આપના માટે શું અસંભવ છે?’ ભગવાન શિવ: ‘અહીં વાત સંભવ-અસંભવની નથી અગ્નિદેવ, કુમાર કાર્તિકેયનો જન્મ જે ઉદ્દેશ્ય માટે થયો હતો તે છે દેવતાઓનું અને સમસ્ત સંસારનું સરક્ષણ કરવાનો, દેવરાજ બનવા માટે નહીં. જ્યારે કોઈ શક્તિશાળી શાસકની જરૂર પડશે ત્યારે આપણે વિચાર કરીશું, હાલ તો દેવતાઓના રાજા દેવરાજ ઈન્દ્ર જ રહેશે. કુમાર કાર્તિકેય દેવતાઓની અને સૃષ્ટિના મનુષ્યોની સુરક્ષા માટે સદૈવ તત્પર રહેશે.’ પોતાના નામની મહોર લાગતી જોતાં દેવરાજ ઈન્દ્ર કહે છે, ‘જો દેવતાઓ અને દેવર્ષિ નારદને પૂર્ણ વિશ્ર્વાસ હોય તો કુમાર કાર્તિકેયને પોતાની સિદ્ધતા દર્શાવવાનો એક મોકો મળવો જોઈએ.’ થોડા નારાજ થતાં ભગવાન શિવ કહે છે, ‘શિવપુત્ર અને માતા શક્તિના પુત્રએ પોતાની યોગ્યતા સિદ્ધ કરવા કોઈ સિંહાસનની આવશ્યકતા નથી.’ આટલું સાંભળતાં દેવરાજ ઈન્દ્ર: ‘જેવી પ્રભુ આપની ઈચ્છા, આપનો આદેશ હોય તો હું આ પદ સ્વીકારવા તૈયાર છું. મને આશીર્વાદ આપો કે દેવતાઓમાં ફેલાયેલા અવિશ્ર્વાસને હું દૂર કરી શકું અને પહેલેથી પણ સારો શાસક બની શકું.’ દેવરાજ ઈન્દ્ર અને દેવગણો ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, બ્રહ્માજી, માતા સરસ્વતી અને દેવર્ષિ નારદના આશીર્વાદ લઈ સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે. સામે પક્ષે તારકાસુરના પિતા વજરાંક તારકાસુરના નિધન બાદ નિરાશામાં ગરકાવ થઈ જાય છે અને કહે છે કે તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષ ભગવાન શિવની ભક્તિમાં લીન છે તેમને કોઈ પણ રીતે તપમાંથી જગાડી અહીં બોલાવો, મારે કુમાર કાર્તિકેયનો અંત કરવો છે. તેમને સમજાવતાં અસુર ગુરુ શુક્રાચાર્ય કહે છે, ‘પિતામહ વજરાંક. તમે પુત્રમોહમાં એટલા ગરકાવ થઈ ગયા છો કે તમને એ ભાન રહ્યું નથી કે તારકાસુર જેટલો શક્તિશાળી અસુર હવે કોઈ રહ્યો નથી. હાલ તમે બદલો લેવાનો વિચાર માંડી વાળો, ભગવાન શિવના શરણમાં જાઓ. અસુર જાતિનું કલ્યાણ તેમાં જ રહેલું છે.’ તો કૈલાસ ખાતે કુમાર કાર્તિકેયના મનમાં ભારેલો અગ્નિ પેદા થાય છે કે દેવગણોની ઇચ્છા હોવા છતાંય પિતાજીએ મને દેવરાજની પદવી શું કામ ન આપી? આવા મનમાં ઊઠેલા પ્રશ્ર્નો સાથે કુમાર કાર્તિકેય માનસરોવરના કિનારે વિહાર કરતા હોય છે તે સમયે ભગવાન શિવ ત્યાં ઉપસ્થિત થાય છે અને કહે છે, ‘કુમાર, તમારા મનમાં જે વિચાર ઉદ્ભવી રહ્યા છે તે સ્વાભાવિક છે, તેને દૂર કરવા જ હું અહીં આવ્યો છું. તમારી ભૂમિકા તમારા જન્મ પહેલાં જ હું નિર્ધારિત કરી ચૂક્યો છું, પુત્ર તમે ઉદ્ધારક છો, ઉદ્ધારક ક્યારેય સિંહાસન પર નથી બેસતા, રાજપાઠ અને સિંહાસન હંમેશાં અસુરક્ષિત હોય છે, જ્યાં સુધી બળ છે ત્યાં સુધી સિંહાસન… ઉદ્ધારક પ્રજાના કલ્યાણ હેતુ કામ કરતા હોય છે, તેમને અસુરક્ષા અને ભયનો સામનો કરવો પડતો નથી. તમારું કલ્યાણ થાઓ.’
* * *
ભગવાન શિવની સમજાવટ બાદ કુમાર કાર્તિકેયના મનમાં ઉદ્ભવેલા પ્રશ્ર્નોનું નિરાકરણ થઈ જાય છે. તેઓ પ્રફુલ્લિત થઈ માતા પાર્વતી પાસે પધારે છે. માતાના આશીર્વાદ લઈ કુમાર કાર્તિકેય શિવગણો સાથે આનંદ વ્યતીત કરે છે. એક દિવસ શિવગણો સાથે આનંદ વિહાર કરતાં કરતાં કુમાર કાર્તિકેય એક ગુફામાં પહોંચી જાય છે. વિકરાળ ગુફા જોઈ શિવગણો કુમારને અંદર જવાની ના પાડે છે, શિવપુત્ર હોવાથી તેઓ પોતાની જાતને રોકી શકતા નથી અને અંદર જાય છે. ગુફાની મધ્યમાં એક ઝળહળાટ નજરે પડે છે. કુમાર કાર્તિકેય ત્વરાએ ત્યાં પહોંચે છે. જુએ છે તો ત્યાં એક ધનુષ્ય હોય છે. ધનુષ્ય જોઈ કુમાર કાર્તિકેય વિસ્મય પામે છે કે ધનુષ્ય છે તો બાણ પણ અહીં જ હોવાં જોઈએ. શોધખોળ બાદ ન મળતાં કુમાર કાર્તિકેય ધનુષ્યને ઊંચકે છે. ધનુષ્યમાં થયેલા સંચારથી ભગવાન શિવ ત્યાં પધારે છે. ભગવાન શિવને જોઈ કુમાર કાર્તિકેય કહે છે: ‘પિતાજી, જુઓ આ કોઈનું ધનુષ્ય છે, પણ અહીં બાણ નજરે પડતાં નથી.’
ભગવાન શિવ: ‘કુમાર, આ ધનુષ્ય મારું જ છે.’
કુમાર કાર્તિકેય: ‘પિતાજી, તો તમે તમારી સાથે કેમ નથી રાખતા.’
ભગવાન શિવ: ‘મને તેની જરૂરત જ પડતી નથી, મારું ત્રિશૂળ જ બધાં કાર્ય પૂર્ણ કરે છે.’
કુમાર કાર્તિકેય: ‘પિતાજી, તો આ ધનુષ્ય હું વાપરી શકું.’
ભગવાન શિવ: ‘કુમાર, તમારી પાસે અથાગ શક્તિ છે, તમારે આ ધનુષ્યની કંઈ જરૂરત નથી.’
કુમાર કાર્તિકેય: ‘પિતાજી, તો આ ધનુષ્ય કોના માટે છે.’
ભગવાન શિવ: ‘ત્રેતા યુગમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ પૃથ્વી પર ભગવાન શ્રીરામ તરીકે જન્મ લેશે ત્યારે આ ધનુષ્ય મહત્ત્વની ભૂમિકા ભજવશે, એને તેની જગ્યાએ મૂકી દો.’
* * *
સ્વર્ગલોક ખાતે પહોંચી દેવગણો ઉત્સવ મનાવે છે. તે દરમિયાન દેવર્ષિ નારદ ત્યાં પહોંચે છે.
દેવર્ષિ નારદ: ‘નારાયણ, નારાયણ, દેવરાજ ઈન્દ્ર ખૂબ પ્રસન્ન લાગો છો?’
દેવરાજ ઈન્દ્ર: ‘પ્રસન્ન થવાનું કારણ તો છે જ દેવર્ષિ, કેમ કે સ્વયં ભગવાન શિવે જ મને રાજા ઘોષિત કર્યો, અન્યથા આપ લોકોના મનમાં થયેલી શંકાઓને જોઈ મારો આત્મવિશ્ર્વાસ પણ ડગમગી ગયો હતો. મને પદત્યાગ કરવામાં કોઈ આપત્તિ નહોતી, શિવપુત્ર સ્વર્ગલોક પર રાજ કરે તો મને પ્રસન્નતા જરૂર થાત, મહાદેવ સ્વયં બોલ્યા કે કુમાર કાર્તિકેય ફક્ત યોદ્ધા છે, તેમનામાં રાજા બનવાની યોગ્યતા નથી. અરે, આ તો મહાદેવની મહાનતા છે કે તેમણે પુત્રને નહીં મને રાજા ઘોષિત કર્યો.’
દેવગુરુ બૃહસ્પિતિ: ‘આ શું ચાલી રહ્યું છે દેવરાજ, આપણને સ્વર્ગલોક પાછી મળી ગયું છે એનો અર્થ એ નથી કે આપણે નિર્ભય થઈ આનંદમાં રાચીએ. તારકાસુરના પિતા વજરાંક ખૂબ વ્યથિત છે અને અસુરો થોડા જ સમયમાં ફરી સ્વર્ગ પર આક્રમણ કરી શકે છે. આપણે આપણી શક્તિઓ વધારવી જોઈએ અને લોકકલ્યાણનાં કામોમાં જોડાઈ જવું જોઈએ.’
દેવગણો દેવરાજ ઈન્દ્રનો જયઘોષ કરતા હોય છે, તે જ સમયે ત્યાં કુમાર કાર્તિકેય અને નંદી સહિત શિવગણો પધારે છે.
કુમાર કાર્તિકેયને જોઈ દેવરાજ ઈન્દ્ર પોતાનાં ગુણગાન ગાવાની શરૂઆત કરે છે અને કહે છે: ‘એક કપરા સમયે તારકાસુર આક્રમણથી દેવગણોએ સ્વર્ગમાંથી પલાયન થવું પડ્યું, પણ રાજા તરીકે મેં મારી ફરજ બજાવી દરેક દેવોની રક્ષા કરી અને નવું સૈન્ય ખડું કર્યું. ખૂબ કષ્ટો વેઠી અસુરોનો વિનાશ કરવામાં સફળતા મળી.’
આટલું સાંભળતાં જ નંદી ક્રોધિત થાય છે અને કહે છે કે ‘સાવધાન દેવરાજ, વધુ બોલતાં પહેલાં એ ધ્યાનમાં રાખો કે તમારો વિજય ફક્ત કુમાર કાર્તિકેયને લીધે થયો છે. જ્યાં સુધી તારકાસુર જીવંત હતો ત્યાં સુધી તમારો વિજય અશક્ય હતો. કુમાર કાર્તિકેયે જ તારકાસુરનો વધ કર્યો છે, તમે નહીં. અહીં જયજયકાર કુમાર કાર્તિકેયનો થવો જોઈએ.’
દેવરાજ ઈન્દ્ર: ‘જો જયઘોષ કુમાર કાર્તિકેયનો જ કરવાનો હોય તો એ બરાબર નથી, જયઘોષ તો ભગવાન શિવનો જ થવો જોઈએ. ભગવાન શિવ કુમાર કાર્તિકેયને જો પોતાની હથેળીમાં ન ઊંચકત તો કુમાર કાર્તિકેય તારકાસુરનો વધ કઈ રીતે કરી શકત? સેનાપતિ કાર્તિકેય દ્વારા પોતાના સાહસનું એક ઉમદા ઉદાહરણ રજૂ થયું છે એ વાત નકારી શકાય નહીં, પણ જો ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાની સંપૂર્ણ શક્તિઓ કોઈ પણ દેવતાને આપે તો એ દેવતા પણ કુમાર કાર્તિકેય જેવું સાહસ જરૂર દાખવે. કુમાર કાર્તિકેય, શું તમે આનું શ્રેય તમારાં માતા-પિતાને નહીં આપો?’
કુમાર કાર્તિકેય: ‘માતા-પિતાના આશીર્વાદ વગર કંઈ પણ શક્ય નથી. તમે સાચું કહો છો દેવરાજ ઈન્દ્ર, મેં કાંઈ જ નથી કર્યું, જયજયકાર તો મારાં માત-પિતાનો જ થવો જોઈએ. હું અજ્ઞાની હતો કે માતા-પિતાનાં શક્તિ અને સામર્થ્યને પોતાનાં સમજી બેઠો.’ (ક્રમશ:) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.