કાશ્મીરનું કલંક યાસીન મલિક હવે જેલમાં મોતની રાહ જોશે!

ઉત્સવ

અભિમન્યુ મોદી

યાસીન મલિક. યુવાનોએ તેનું નામ બહુ ન સાંભળ્યું હોય એવું બને. નવી પેઢી આવા આતંકીથી અજાણ છે તેમાં તેનો વાંક નથી. ભારતના મુગટ સમાન રાજ્યમાં સતત અશાંતિનો માહોલ ઊભો કરનારા આતંકીઓને જે તે સમયે છાવરવામાં આવ્યા છે અને તેની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવ્યાં નથી. બાકી આવા બે કોડીના અલગાવવાદીઓની શું વિસાત કે લાખો લોકોની જિંદગીને દોજખ બનાવવામાં તે મોટો ભાગ ભજવી શકે? મીડિયાએ પણ જે તે સમયે યાસીન મલિકને જે રીતે રજૂ કરવો જોઈતો હતો તે રીતે ન કર્યો. આવા આતંકી સાથે સરકારે મીટિંગો કરી છે, મસલતો કરી છે અને પરિસ્થિતિ મુજબ વાટાઘાટો પણ કરી છે. દેશમાં અસ્થિરતા સર્જતા અને આતંકી માનસ ધરાવતા શેતાનો માટે ‘શૂટ એન્ડ સાઈટ’નો હુકમ કેમ છોડવામાં ન આવ્યો એવો સવાલ આજની નવી પેઢીને થાય છે. સવાલના જવાબ માટે લાંબો ઈતિહાસ અને દેશના કમનસીબની મહાગાથા સંભળાવવી પડે. અત્યારે યાસીન મલિકની જ વાત કરીએ તો ઘણા લોકોના મૃત્યુ માટે સીધો કે આડકતરી રીતે ભાગ ભજવનાર યાસીન મલિકને ફક્ત આજીવન કેદ આપી દેવી તે પૂરતું છે? ફાંસીની સજા કેમ નહિ?
યાસીન મલિકે રક્તરંજિત કરેલા કાશ્મીરનો ઈતિહાસ અને તેનો આતંકી ભૂતકાળ શાંતિથી ચર્ચીએ તે પહેલાં એક વાતની નોંધ શરૂઆતમાં જ લઈ લઈએ. યાસીન મલિકને જ્યારે ભારતીય ન્યાયતંત્રે આજીવન કેદનો જેલવાસ આપ્યો ત્યારે અમુક મુસ્લિમ દેશો અને આરબ ક્ધટ્રીઝમાંથી ટીકાટિપ્પણી થઇ.
ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશનની ટીકાને ભારતે અસ્વીકાર્ય ગણાવી અને વળતો જવાબ આપ્યો કે તેઓએ દુનિયામાં આતંકવાદને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને ભારતની આંતરિક બાબતોમાં માથું મારવું ન જોઈએ. ભારતના એક્સ્ટર્નલ અફેર્સના મિનિસ્ટર અરિંદમ બાગ્ચીએ વિદેશની સરકારોને રોકડું પરખાવ્યું.
ભારતની આ ખુમારી અને પાકિસ્તાન સહિત બીજા દેશોને જવાબ આપવાનો આત્મવિશ્ર્વાસ એક ભારતીય તરીકે આપણને ગમે એવી બાબત છે. ભારતની પોતાની વાતમાં હવે માથું મારતાં પહેલાં તે મુસ્લિમ દેશો જ નહિ, પરંતુ બીજા દેશો પણ દસ વખત વિચારશે. ભારત કંઈ કોઈ દેશનું બગલબચ્ચું રાષ્ટ્ર નથી, ભારતનો પોતાનો એક હુંકાર છે અને તે કાયમ રહેશે.
યાસીન મલિકની વાત કરીએ તો એ ઉત્પાત મચાવનાર માણસે કાશ્મીરને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. ઊધઈ જેમ લાકડાને કોરી ખાય તેમ આ યાસીન નામની ઊધઈએ બીજી અનેક ઊધઈઓને પેદા કરી હતી. પાકિસ્તાનના આઈએસઆઈ સાથે તો ગાઢ સંબંધો હતા જ, પરંતુ ઘણાંય આતંકવાદી સંગઠનો સાથે યાસીનને ઘરોબો હતો. આતંકવાદને આર્થિક રીતે ટેકો આપવાના કેસમાં યાસીન મલિકે ખુદ પોતાના ગુનાઓ કબૂલ કર્યા. પછી સ્વાભાવિક હતું કે કમસે કમ આજીવન કેદની સજા તેને ફરમાવવામાં આવે. અનલોફુલ પ્રિવેન્શન એક્ટ હેઠળ જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આ ચેરમેનને એનઆઈએ કોર્ટે જેલમાં પૂરી દીધો.
મલિકનો ભૂતકાળ તો અનેક ગુનાઓથી ભરચક છે, પરંતુ એનઆઈએની કોર્ટમાં તેના જે જે ગુનાઓ સાબિત કરી શકાય એમ હતા તેમાંથી એક મુખ્ય ગુનો ૧૯૯૦માં ઇન્ડિયન એર ફોર્સના ઓફિસરોના ખૂનનો હતો. યાસીન હકીકતમાં ડ્રેગન જેવો છે, પરંતુ પોતે શાંતિદૂતનું પારેવું છે એવો જ ઢોંગ કર્યા કરે છે. ૨૦૧૯થી ભારત સરકારે અલગતાવાદી સંગઠનોને પોતાના બ્લેક લિસ્ટમાં મૂક્યાં અને કડક વલણ દાખવ્યું એટલે આવા ઢોંગી આતંકીઓ સીધા ચાલે છે. પછી ભલેને પાકિસ્તાનના નવા સવા વડા પ્રધાને યાસીન મલિકને આજીવન કેદની સજા થઇ તે દિવસને ‘બ્લેક ડે ફોર ઇન્ડિયન ડેમોક્રેસી’ ગણાવ્યો હોય; ભારતે કાશ્મીરમાં રહીને આતંકી પ્રવૃત્તિ કરતા બધાને મેસેજ આપી દીધો કે સીધા નહિ ચાલો તો જેલમાં પૂરવામાં આવશે. યાસીન મલિકની હાલત જેલમાં તો વધુ ખરાબ થવાની છે, કારણ કે તેને કોઈ કામ કરવા નહિ મળે, તેણે પોતાની કોટડીમાં એકલું રહેવાનું. કોઈ કંપની નહિ, કોઈ વાતચીત કરનારું નહિ.
આવા આતંકીઓની ‘કરીઅરનો’ પણ એક ગ્રાફ હોય. ધીમે ધીમે એક ફટાકડાથી શરૂ કરે અને પછી બોમ્બ સુધી પહોંચે. નાનકડા તણખાને ચિનગારીમાં ફેરવવાનાં જોશીલાં ભાષણો પોતાના આતંકવાદી કેમ્પમાં આપતા ફરે. યાસીન મલિકની આતંકી કરીઅર પણ આવી જ રીતે શરૂ થઇ છે.
શ્રીનગરમાં ખ્વાજા બજાર આવેલી છે. એમાં નેશનલ કોન્ફરન્સની રેલી થતી હતી. યાસીન મલિકના રસ્તે ચાલતા હોય એવા સિત્તેર જેટલા યુવાનો ત્યાં પહોંચીને જોરશોરથી મોટા અવાજવાળા ફટાકડા ફોડવા મંડ્યા. એકસાથે આટલા બધા ફટાકડાના અવાજથી મેસેજ એવો પહોંચ્યો કે ખ્વાજા બજારમાં બોમ્બ ફૂટ્યા છે. અવ્યવસ્થા સર્જાઈ, અફવાનું બજાર ગરમ બન્યું અને આતંકી સંગઠનોમાં હિલચાલ મચી ગઈ. ત્યારે યાસીન મલિકની ઉંમર ઓગણીસ વર્ષની હતી. જોકે યાસીનનું આ પહેલું તોફાન નહોતું. તેની પહેલાં પણ તે ભારત-પાકિસ્તાનની મેચમાં તોફાન કરી ચૂક્યો હતો. શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચમાં ઓડિયન્સમાં બેઠેલા અમુક અંતિમવાદીઓએ જે તોફાન કર્યું હતું તે ક્રિકેટરો માટે ભયજનક સાબિત થયું હતું. વેસ્ટ ઇન્ડીઝ સુધી ભારતની છાપ ખરાબ પહોંચી હતી. તેમાં પણ આ યાસીન મલિકનો હાથ હતો.
જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનું પિતૃસંગઠન એટલે નેશનલ લિબરેશન ફ્રન્ટ. તેની સ્થાપના ૧૯૬૫માં થઇ હતી. તેના સ્થાપકો અમાનુલ્લાહ ખાન, અબ્દુલ ખાલિક અન્સારી અને મકબૂલ ભટ હતા. (ભટ્ટ નહિ પણ ભટ અથવા તો બટ.) મકબૂલ ભટ પણ અલગાવવાદી હતો. એ કાશ્મીરને ‘આઝાદ’ કરાવવા તે પાકિસ્તાનના ખોળે જઈ બેઠો હતો. તિહાર જેલમાં તેને ૧૯૮૪માં ફાંસી આપવામાં આવી ત્યારે તેનો વિરોધ કરવા આ યાસીન નીકળી પડ્યો હતો. પછી તેને ચાર મહિનાની સજા થઇ હતી. તેણે સ્થાપેલી તાલા પાર્ટીનું નામકરણ બદલાયું અને તે ઇસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ તરીકે ઓળખાતી થઇ. આ આતંકીઓની હલકી માનસિકતા પાર્ટીના નામમાં જોઈ શકાય. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, પરંતુ તે વિદ્યાર્થીને તાલીમ આપવામાં આવે – મોતની, બદલાની, ઝેર ઓકવાની, આતંકની. ઇસ્લામિક સ્ટુડન્ટ્સ લીગનો એક સભ્ય હતો અશફાક મજીદ વાની. તે સમયના ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રુબિના સઈદના અપહરણમાં વાનીનો મોટો હાથ હતો. યાસીન તો દરેક આતંકી પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતો જ.
મોહમ્મદ યુસુફ શાહના નામની આગળ મૌલવી લખાતું, કારણ કે તે દર શુક્રવારે તેજાબી ભાષણ આપતો અને તે યુવાનોને બહુ ગમતું. યુસુફ શાહની તરફેણમાં યાસીન મલિકે ઘણું કામ અને પ્રચાર
કર્યાં છે.
યુસુફ શાહ હવે સઈદ સલાહુદ્દીન તરીકે ઓળખાય છે અને તેણે હિઝબૂલ મુજાહુદ્દીન નામનું આતંકી સંગઠન સ્થાપેલું છે. આ યુસુફ હજુ જીવે છે અને તેને પાકિસ્તાનનું બેક અપ છે. કાશ્મીર અલગ બને તેની ખોખલી ચળવળ તેણે વર્ષો સુધી કરી. એનઆઈએ કોર્ટે તેની વિરુદ્ધ પણ ખટલો માંડ્યો છે.
યાસીન મલિકની તો આ અછડતી ઓળખાણ છે. તેણે ત્રણ-ચાર દાયકા સુધી સખત આતંકી પ્રવૃત્તિઓ કરી છે, નેવુંના દાયકામાં કાશ્મીરી પંડિતોને હેરાન કરવામાં અને ઘણા પંડિતોની કતલ કરવામાં તેનો પણ સીધો કે આડકતરો હાથ રહેલો છે. અશાંતિ સર્જવામાં યાસીન હંમેશાં નંબર વન રહ્યો છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં અને પાકિસ્તાન માટે અનુકંપા રાખનાર એ યાસીન ફક્ત કાશ્મીરનું જ નહિ, પણ ભારતનું કલંક ગણાય. આવી ઊધઈનું પેસ્ટ કંટ્રોલ અનિવાર્ય છે.
ગેરંટી કે સાથ હસવું આવે એવી વાત એ છે કે નેવુંના દાયકાના મધ્યમાં યાસીને અહિંસાનું પાલન કરવાનું જાહેર કર્યું અને પોતે ‘ગાંધીના માર્ગે’ ચાલશે એવી જાહેરાત કરી. તેના ઢોંગની આ પરાકાષ્ઠા હતી. તેના પછી પણ તેણે કાશ્મીરમાં અશાંતિ સર્જવાના સતત પ્રયત્ન કર્યા જ છે. ૧૯૯૫માં ચૂંટણી ન થવા દેવા માટે તેણે આત્મવિલોપનની ચીમકી આપી હતી. (કમનસીબે તે માત્ર ચીમકી જ રહી, કંઈ નક્કર ન થયું. અફસોસ.) નવ્વાણુમાં તેની ભારતે ધરપકડ કરેલી. પછી પણ તે પાકિસ્તાન વડાઓને મળતો રહ્યો અને ભારતીય નેતાઓ સાથે મસલતો કરતો રહ્યો. આખરે ૨૦૨૦માં ‘ટાડા’ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી અને તેના પર અદાલતી કાર્યવાહી થઇ. તેને હવે જન્મટીપ મળી.
ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વને જોખમાવે એવા કોઈ પણ કુતત્ત્વનો તરત સફાયો કરવો જરૂરી છે. યાસીન મલિકના કેસમાં તો બહુ જ રાહ જોવામાં આવી છે. આવા શેતાનોને ઊગતા ડામી દેવામાં આવે એમાં જ દેશની ભલાઈ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.