કાળાપાણી – જીવતે જીવ નર્ક સમી ભારતની સહુથી ભયાનક જેલ – સેલ્યુલર જેલ

ઉત્સવ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

ભારત દેશનાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. એ સંઘર્ષનો સહુથી કારમો કાળ એટલે કાળાપાણી. આ સજાનો ખૌફ જ એટલો હતો કે સજા સાંભળીને રૂહ કાંપી ઉઠતી. અંગ્રેજ સરકારની બર્બરતા ખૂબ જ ભયાનક હતી જેમાં તેઓ માનસિક અને શારીરિક રીતે ક્રાંતિકારીઓને તોડી નાંખતા અને સતત તોડતા રહેતા. બ્રિટિશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવનાર સેનાનીઓને દેશદ્રોહનાં આરોપમાં દેશભરમાં દાખલો બેસાડવા માટે કાળાપાણીની સજા આપવામાં આવતી જેથી અન્ય કોઈ અંગ્રેજ હકુમત વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત ન કરે. હાલના સમયમાં આંદામાન અને નિકોબાર ઉજાણી અને સુંદર દરિયાના સાનિધ્ય માણવાના સ્થળ તરીકે ઓળખાય છે. પણ એક સમય પર અહીં આવવું મોતથી પણ વધુ ભયાનક હતું. એવું તો શું હતું અહીંયા એવા સવાલો ઊભા થાય, પણ નજરે જોયા પછી જ સમજાય કે શા માટે તેને મોતથી પણ વધુ વિકરાળ ગણવામાં આવતું હતું. અહીંની સેલ્યુલર જેલ આપણા ઇતિહાસના પાનાંઓ પર કાળી શાહીથી લખાયેલું એ પ્રકરણ છે જે કોઈપણની આંખો અને હૃદય ભીંજવી નાખે. આપણા દેશ માટે નિ:સ્વાર્થ બલિદાન આપનાર લોકો સાથે થયેલા અમાનવીય અત્યાચારો અને તેમના દેશપ્રેમની આ સફર છે.
આમ જોઈએ તો કાળાપાણી નહીં પણ કાલપાની શબ્દ હતો. જેમાં સંસ્કૃતિ શબ્દ કાલનો અર્થ મૃત્યુ અથવા સમય એવો થાય છે. એટલે એવી સ્થિતિ જ હતી કે અહીં આવ્યા બાદ મૃત્યુ નિશ્ર્ચિત છે. બ્રિટિશ હકૂમત દરમિયાન જેમ જેમ લોકોમાં સરકાર વિરુદ્ધ અસંતોષ અને આક્રોશ વધતો ગયો તેમ તેમ તેમની વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃતિઓ વધતી ગઈ જેના લીધે રાજકીય કેદીઓને રાખવા માટે જેલની અછત સર્જાય. જેથી બ્રિટિશરો દ્વારા લોકોમાં એક ધાક અને દાખલો બેસે એવી વિશાળ જગ્યા જ્યાં આવા કેદીઓને રાખી શકાય તેની શોધ શરૂ થઈ. જે આંદામાન જેવા તે સમયના નિર્જન ટાપુ પર આવીને ખતમ થઈ. આપણા પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ૧૮૫૭ના વિપ્લવ બાદ ૧૮૫૮માં અહીં અંદાજે ૨૦૦ જેટલા કેદીઓને પકડીને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અંગ્રેજોએ માત્ર તેમને કેદીઓ બનાવીને રાખ્યા નહોતા પણ તેમનો ઉપયોગ જેલના નિર્માણ માટેના મજૂરો તરીકે કર્યો હતો. અહીં સૌથી પહેલા વાઈપર જેલ બનાવવામાં આવી હતી. પણ જેમ જેમ સ્વતંત્રતા માટેના આંદોલનો તીવ્ર થતા ગયા તેમ તેમ કેદીઓની સંખ્યા વધતી ગઈ. જેથી ૧૮૯૩માં અહીં સેલ્યુલર જેલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જે ૧૯૦૬માં પૂરું થયું. તેના બાંધકામનો ખર્ચો એ સમયે અંદાજે આઠ લાખ જેટલો આવ્યો હતો.
જેલની રચના એક સ્ટાર ફિશ કે સાઈકલના પૈડાં અને તેની વચ્ચે આવેલા આરા પ્રકારની કરવામાં આવી છે. જેમાં વચ્ચે એક વોચ ટાવર છે જેની સાથે જોડાયેલી સાત વીંગ્સ છે. આ સાતેય વીંગ્સ એક સરખી સાઈઝના નથી કારણકે એ સમયે પહાડી પર મોટી ચટ્ટાનો તોડીને આ જેલ બનાવવામાં આવી હતી. અહીંની કોઈ પણ વીંગ્સમાં જવા માટે વચ્ચે આવેલો વોચ ટાવર એકમાત્ર રસ્તો છે. આ જેલમાં ૬૯૬ જેટલા સેલ એટલે નાની કોઠરીઓ હતી જેથી આ જેલ સેલ્યુલર જેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક સેલમાં માત્ર એક જ કેદીને રાખવામાં આવતા. જેથી કોઈ પણ કેદીઓ પરસ્પર સંપર્ક ના કરી શકે. અહીં એક અંદાજ પ્રમાણે ૮૦,૦૦૦ જેટલા સ્વતંત્ર સેનાનીઓને કેદ કરવામાં આવેલા હતા. આપણા ક્રાંતિકારી વીર સાવરકર, બટુકેશ્ર્વર દત્ત, યોગેન્દ્ર શુકલા, બાબુરાવ સાવરકર ઉપરાંત અન્ય કેટલાય નામો અહીં જોડાયેલા છે.
સેલ્યુલર જેલમાં દાખલ થતા પહેલા એક જે બ્લોક આવે તે એડમિનિસ્ટ્રેટીવ બ્લોક છે જેનો જેલરની ઓફીસ અને રેસિડેન્સી માટે ઉપયોગ થતો. તેનો નીચેનો ભાગ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. ત્યાંથી આગળ સામેની બાજુ બે જ્યોત પ્રજ્વલિત છે જે સ્વતંત્રતા જ્યોત આઝાદી
માટે પ્રાણની આહુતિ આપનાર શહીદોના માનમાં પ્રગટે છે. અહીં એક સો વર્ષ જૂનું પીપળાનું ઝાડ પણ છે. અહીંની વીંગ્સન સૌથી નીચેના ચાર રૂમ તિરસ્કૃત કોઠી તરીકે ઓળખવામાં આવતા. જ્યાં એવા કેદીઓને રાખવામાં આવતા જેની મોતની સજા માટે ગવર્નર જનરલની પુષ્ટિ બાકી હોય, આ એવી જગ્યા હતી જ્યાંથી ફાંસીઘર સામે દેખાય. ત્યાંના કરુણ મોતના અવાજો અહીં સ્પષ્ટ સંભળાય. કેટલી હદ સુધી આ લોકોને તોડી નાંખવામાં આવ્યા હશે એ વિચારીને જ કમકમાટી આવી જાય. અહીં કેદીઓ પર અસહનીય યાતનાઓ કરવામાં આવતી હતી. દરેક કેદીને દરરોજ ફરજિયાત ઓઇલ મિલમાં ૩૦ પાઉન્ડ નાળિયેરનું તેલ અને ૧૦ પાઉન્ડ સરસવનું તેલ કાઢવું પડતું હતું. ઘાંચીમાં બળદને જોડે તેમ ક્રાંતિકારીઓને જોડતા અને જો કોઈ વચ્ચે અટકે કે લથડી પડે તો તેમને પાછળથી કોરડાઓ મારવામાં આવતા. બ્રિટિશ સરકારને જેનાથી સૌથી વધુ ખતરો હોય તેવા તેમજ શિક્ષિત કેદીઓને સૌથી અંતિમ કોઠરીઓમાં રાખવામાં આવતા જેથી તે બધાંથી એકદમ અલિપ્ત રહી શકે. અહીંની ફ્લોગીગ પનીશમેન્ટ સૌથી વધુ ભયાનક હતી. જો કોઈ કેદી ભાગવાની કોશિશ કરે અથવા ચોકીદાર સામે કોઈ સંઘર્ષ કરે તેને આ સજા અપાતી. જેમાં સૌથી પહેલાં તો ક્રાંતિકારીને પૂરા નિર્વસ્ત્ર કરતા અને પછી તેમના હાથ ઊંચા કરી એક ઢળતી પેટ્ટી પર બાંધવામાં આવતા ને નિતંબ પર એક સફેદ કપડું બાંધતાં. ત્યારબાદ નિતંબ પર સતત એક જગ્યાએ કોરડાઓ મારતા જેથી ત્યાંની ચામડી ફાટી જાય અને સુવા, બેસવામાં, ચાલવામાં, ટોયલેટ વગેરે જવામાં અસહ્ય પીડા થાય. જેમ બેસે એક ઘાવ વધુ ઊંડો બને, આ બધું સાંભળીને જ શરીરમાં ધ્રુજારી પેદા થઈ જાય. બસ એટલો જ વિચાર આવે કે એ મહાન ક્રાંતિકારીઓ કેટલા કઠણ કાળજાના હશે અને તેમનો માતૃભૂમિ પ્રત્યે કેટલો અપાર પ્રેમ હશે કે આવા અત્યાચારો પણ સામે થઈને સહન કરતા.
અહીંની જમીન નેતાજી સુભાષચંદ્ર બોઝનો પરિચય આપે છે તો વળી અહીં રહેલી ઘાણી આપણા સેનાનીઓએ એક એક બૂંદ લોહી અને પરસેવાથી આપેલા બલિદાનની ગાથા રજૂ કરે છે. અહીં આવેલા સંગ્રહાલયમાં એ સમયની દરેક તસવીરો, દસ્તાવેજો, વીર સાવરકર દ્વારા ઉપયોગમાં લેવાયેલ ચીજ વસ્તુઓ અને કપડાંઓ આંખ સામે આવે કે આંખ સામેથી જ એમણે આ નાનકડી કોઠડીમાં વિતાવેલા અધધ દસ વર્ષ પસાર થવા લાગે અને આંખનાં ખૂણા આપોઆપ ભીના થઇ જાય. અહીંનું ફાંસીઘર વિર સાવરકરની કોઠડીની બિલકુલ સામે જ છે જેથી આ સ્થળ માનસિક રીતે એમને કેટલું તોડતું હશે એ કલ્પના બહારનું છે. સાથીદારોને ફાંસી આપતી વખતે સંભળાતી કારમી અંતિમ ચીસો જ કોઈનું મનોબળ તોડવા માટે પૂરતી છે. પોર્ટ બ્લેયર પર એક આખો દિવસ આપણી આઝાદીનાં પાયા તરીકે જાણીતા એવા નેશનલ મેમોરિયલ સેલ્યુલર જેલ અને અહીં આવેલા મ્યુઝિયમ માટે અચૂક ફાળવવો જ જોઈએ. અહીં સાંજે સાઉન્ડ શોમાં ઓમપુરીનો અવાજ આપણને મજબૂત મનોબળ વાળા સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અને એમના સાથીઓનો પરિચય કરાવે છે તો વળી અહીંની દીવાલો અંગ્રેજોની ક્રૂર નીતિનું બર્બર પાસું પણ આંખો સામે અદ્દલ રજૂ કરે છે. અહીં કેટલા લોકોને ફાંસી આપવામાં આવી તેના વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી થતી કારણકે બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન જાપાને જ્યારે અહીં કબજો કર્યો ત્યારે ૨ જેટલી વીંગ્સનો નાશ કરેલો અને ઘણા દસ્તાવેજોનો પણ નાશ થયેલો તો અમુક દસ્તાવેજો બ્રિટિશરો પોતાની સાથે લઈ ગયેલા. હાલ અહીં જેલની સાત વીંગ્સ માંથી ત્રણ વીંગ્સ જ સલામત છે. આઝાદીના યજ્ઞની આ આહુતિમાં હોમાઈ જનારા લોકોની કરુણ અને ગર્વની ગાથા દરેક વ્યક્તિ સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે. જય હિન્દ..

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.