કારણ વગરની બક બક પણ માણસને જીવંત રાખે છે…!

લાડકી

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

માણસ અન્ય માણસની કંપની વગર કેટલો સમય એકલો રહી શકે? કોમ્યુનિકેટ કરવા માટે ભાષા જ ન હોત તો? આપણી પાસે અન્ય કોઈ વ્યક્તિ અને એની સાથે વ્યક્ત થવાનું કોઈ માધ્યમ – આ બે વસ્તુની ગેરહાજરીમાં આપણે રહી શકીએ ખરા?
માણસ એક સામાજિક પ્રાણી હોવાના લીધે હંમેશાં કોઈકનો સાથ અને સહવાસ ઝંખે છે. વ્યક્તિ ભલે અંતર્મુખી હોય કે બહિર્મુખી – એને પણ વાતો કરવી ગમતી હોય છે. ઓછું બોલનાર કે જરૂર પૂરતું જ બોલનાર વ્યક્તિ વાતોનાં વડાં કરવાથી દૂર ભાગતી હોય કે દલીલોથી કાયમ છેટી રહેતી હોય એવું નથી હોતું, પણ એનું એક સિલેક્ટેડ સર્કલ હોય છે. એવી વ્યક્તિઓ બધા સાથે વ્યક્ત ન થઈ શકે, પણ જૂજ મિત્રો સાથે પંચાતનાં પોટલાં ખૂલે છે. જેની સામે ચંચળ અને બધામાં ભળી જનાર વ્યક્તિ કોઈ પણ માણસ સાથે કોઈ પણ ટોપિક પર ખૂલી જાય છે.
ઘણી વાર પોતાની મહાનતા, વિદ્વત્તા, બુદ્ધિ, આવડત, પોતાનું જ્ઞાન વગેરે બતાવવા માટે પણ કેટલાક લોકો કારણ વગરના સંવાદ કરતા જોવા મળે છે. સામેવાળી વ્યક્તિ એની વાતોમાં ધ્યાન આપી રહી નથી, રસ લઈ રહી નથી એ જોયા વિના જ બક બક કર્યે રાખતાં હોય છે, પણ આ વણજોઈતી બક બક કરવાની ટેવ, વાતોનાં વડાં કે અન્યોની નિંદા અને કૂથલી કરવાની આદત માણસને વ્યક્ત થવા એક માધ્યમ આપે છે. ગપ્પાં મારનાર કે સેન્સ વગરની વાતો કરનાર વ્યક્તિઓનું ફેન ફોલોઈંગ પણ જબ્બર હોય છે. એની સામે સિરિયસ મુદ્દાઓ પર ચર્ચા કરતી વ્યક્તિને સાંભળનાર વર્ગ જૂજ હોય છે. ખરા અર્થમાં જેને ગપ્પેબાજ, વાતોડી કે વાતોડિયો કહીએ છીએ એ દરેક તબક્કે જીવનનો નિર્દોષ આનંદ માણનાર હોય છે.
ટ્રાવેલિંગ વખતે એક દિવસે બાજુની સીટમાં એક બહેન બેઠાં હતાં. મારી આદત મુજબ કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવી હું મારું કામ કરતી. એ વખતે એ બહેન વારંવાર કોઈ ને કોઈ મુદ્દે મારી સાથે વાત કરવાની કોશિશ કરતાં, પણ હું ધ્યાન ન આપતી. હવે મુદ્દો ઉઠાવ્યો સ્ત્રી-પુરુષોને લગતી બાબતોનો એટલે સ્વભાવગત એમની સાથે ચર્ચામાં જોડાઈ જ ગઈ. બસ, આપણને કોઈ કારણ મળવું જોઈએ ગોસિપ કરવાનું, ચર્ચાઓ કરવાનું અને સાથોસાથ વિષય પણ આપણા રસ મુજબનો હોય એટલે પત્યું. એ ગમતા ટોપિક પર ચર્ચા કરવામાં, પંચાત કે કૂથલી કરવામાં, ગપ્પાં મારવામાં અંદરથી જે વિચારોના ફુવારા છૂટે એમાં ભલભલો માણસ પલળી જતો હોય છે. એમ પણ માણસનો સ્વભાવ છે કે તે એકલો બહુ લાંબો સમય રહી શકતો નથી. પ્રકૃતિ જ એવી ઘડેલી છે કુદરતે કે એને પોતાના મનની વાત કહેવા, અંદરનો ઊભરો ઠાલવવા, વેદના વ્યક્ત કરવા, ખુશીઓ વહેંચવા, બળાપો કાઢવા માટે હંમેશાં કોઈક ને કોઈકની આવશ્યકતા રહેતી હોય છે. આ માટે ગોસિપ એ ઉત્તમ માધ્યમ બની રહે છે. એમાં પણ સ્ત્રીઓ પુરુષોની સરખામણીએ વધુ વાતો કરતી હોય છે. કોલ્ડ ડ્રિન્કસથી લઈને કલિગ્સ સુધી, પડોશીથી લઈને પેરિસ સુધી, પતિ-પત્નીની બહેસથી લઈને યુક્રેન-રશિયાની લડાઈ સુધીની ચર્ચાઓ અહીં થાય છે.
ખાસ તો સ્ત્રીઓમાં ઓટલા મંડળી જેને આધુનિક સમયમાં કિટ્ટી પાર્ટી જેવું નામ મળેલ છે ત્યાં મોટા ભાગે પતિ, સાસુ-વહુ, પડોશણ, પાણીપૂરી, જ્વેલરી, સિરિયલ, બાળકો વગેરે બાબતો પર જોરદાર ચર્ચાઓ થાય છે. જ્યારે પુરુષોમાં ચોરેચૌટે, પાનના ગલ્લે કે ઓફિસમાં રાજકારણ, આઇપીએલ, ફિલ્મો, મોંઘવારી, બજેટ, શેરબજાર, ચૂંટણી અને કેટલાક અંશે સ્ત્રીઓ બાબતે ટીકાટિપ્પણીઓ થતી હોય છે. આ બંને જગ્યાએ થયેલી કામ સિવાયની ગોસિપ સાંભળ્યા પછી એક ક્ષણ તો એમ થાય કે આવી વાતોમાં માહિર વ્યક્તિઓને જ જે તે ક્ષેત્રમાં હોદ્દો સોંપી દેવો જોઈએ જેથી પોતાનું જ્ઞાન પીરસી શકે.
કોની પત્ની પિયર જતી રહી, કોણે નવી કાર છોડાવી, કોનું ચક્કર ઓફિસમાં કોની સાથે ચાલે, કોણ કોની વાત બોસને પહોંચાડે, કયા ઘરે સાસુ-વહુના ઝઘડા ચાલે અને એમાં કોણ જીતે, પડોશમાં કોને કોની સાથે બને કે ન બને વગેરે ચર્ચા માટેના અગ્રેસર મુદ્દાઓ છે. વળી મોબાઈલ ફોનના આ ડિજિટલ યુગમાં કામની વાતો કરતાં કામ સિવાયની વાતો અનેક ગણી વધી જતી હોય છે. નવાઈની વાત એ કે ‘શું જમ્યા’થી વાત શરૂ થઈને ‘શું જમ્યા’ પર જ ખતમ થાય છે…! ‘બોલો બાકી નવીનમાં’ – આ શબ્દો એકના મોઢે નીકળે એટલે સમજી જવાનું કે અડધો કલાક પાકો. એમાં પાછું ઈમોજીવાળી ભાષાથી કૂથલી કરવાની કમાલ તો ભાષાનેય એક કદમ પાછી પાડી દે. ખુશી વ્યક્ત કરવા, દુ:ખ કે નારાજગી જતાવવા, અભિનંદન આપવા, ટોન્ટ મારવા, રિસામણાં હોય કે મનામણાં, પ્રાઉડ ફીલ કરવા, સરખામણી કરવા, ગાળો બોલવા, કોઈને પ્રેમથી કે ગુસ્સાથી મારવા જેવી અનેકવિધ ક્રિયાઓ માટે શબ્દોના બદલે ઈમોજી વડે જોરદાર વાતો થાય છે.
મોબાઈલ પર થતી વાતો સિવાય પણ બે-ચાર સ્ત્રીઓ ભેગી થાય ત્યારે વાતોમાં એટલી મશગૂલ હોય કે આસપાસ શું બની રહ્યું છે એની પણ પરવા નથી હોતી. પહેલાંના સમયમાં પાણી ભરવા કે ભરત ગૂંથણ માટે ભેગી થતી સ્ત્રીઓ હોય કે પછી આજના સમયમાં શોપિંગ વખતે, બાળકોને લેવા-મૂકવાના સમયે, સોસાયટીના કોઈ ફંક્શન વખતે ભેગી થતી સ્ત્રીઓ હોય – કેટકેટલીય વાતો અને ગામની ચર્ચા કર્યા પછી પણ ‘હવે પછી નિરાંતે મળીએ ત્યારે વાત’ આવું કહી છૂટી પડે છે બોલો…! ખાલી થવાની બાબતમાં પુરુષોને ક્યાંય પાછળ છોડી દેતી સ્ત્રીઓ ખરેખર પેટ છૂટી વાત કરીને હૃદયમાંથી બધી જ લાગણીઓ કોઈ ને કોઈ સમક્ષ ઠાલવીને ઘણાય રોગોથી પોતાની જાતને બચાવી લે છે.
બધી જ વાતો, લાગણીઓ કદાચ બધા સાથે શેર ન થઈ શકે, પરંતુ આપણી લાઈફમાં એકાદ-બે વ્યક્તિઓ એવી હોવી જોઈએ જ્યાં કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં, શબ્દોને જોખ્યા વગર આપણી સંવેદનાને એકશ્ર્વાસે વ્યક્ત કરી શકીએ. અંદર ચાલતા વાવાઝોડાને એની સમક્ષ ઠાલવ્યા પછી પરમ શાંતિનો અનુભવ થાય. કોઈ પણ ટેંશન હોય કે મુસીબત આવેલી હોય, એની અભિવ્યક્તિ પ્રિય પાત્ર સમક્ષ કર્યા પછી હળવા થઈ જવાય. એટલે ઘણી વાર કારણ વગરની બક બક કરતી વ્યક્તિને સાંભળ્યા પછી, એને સધિયારો આપ્યા પછી ખરા અર્થમાં એની પીડાને સમજી શકાતી હોય છે.
દરેકને બોલવું હોય છે, શેર કરવું હોય છે, પણ યોગ્ય રીતે સાંભળનાર વ્યક્તિનો અભાવ હોય છે અથવા તો સાંભળનાર વ્યક્તિ છે તો પોતાના જેવી તકલીફોની ગેરહાજરી છે, જેથી સામસામી આપવીતી સાંભળી-સંભળાવીને જે રીતે ફ્રેશ થઈ શકાય એવું માધ્યમ નથી. કોઈકને નોકરીના પ્રશ્ર્નો છે તો કોઈકને પરિવારના તો કોઈકને શારીરિક તકલીફો છે. આ બધાની વચ્ચે પણ ગમતા પાત્ર સાથે વાતોનાં વડાં કરીને, પંચાત કરીને, જ્ઞાન પ્રદર્શિત કરીને, જાતને શાબાશી આપતાં આપતાં પણ જો રિલેક્સ રહી શકાતું હોય તો વાતો અને ગમ્મત સાથેની ગુસપુસ કરવી જ જોઈએ.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.