કામને ગમતું કરો અથવા કામને જતું કરો: એમાં તમે શું કરશો?

પુરુષ

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

પોતાનું કામ ન ગમે તો ‘મજા નથી આવતી’નું બહાનું ધરીને રાજીનામું ધરી દેવાનું? કે પછી ઘાણીના બળદની પોતાને ન ગમતી સ્થિતિમાં કમને ગોળ ગોળ ફરતા રહેવાનું, એ બાબતે ચર્ચા ચાલી રહી હતી. વાત શરૂ થઈ હતી ઈન્સ્ટાગ્રામના એક મીમથી, જે મીમમાં એક નાનકડું રાજીનામું દર્શાવાયું હતું, જેમાં લખાયું હતું, ‘ડિયર બોસ, મઝા નહીં આ રહા.’ પરંતુ મુદ્દો એ છે કે શું એક પુરુષને આ રીતે ‘મઝા નહીં આ રહા’નું કારણ આગળ ધરીને રાજીનામું આપી શકવા જેટલી સાહ્યબી ખરેખર હોય છે ખરી? કારણ કે કામ છોડ્યા પછી જો તેની પાસે કોઈ પ્લાનિંગ ન હોય અથવા તેની પાસે કોઈ બીજો વિકલ્પ ન હોય તો પુરુષને માટે વેચાતી બબાલ લેવાનું થાય, કારણ કે તે એક ઝાટકે નોકરી કે કામ મૂકી તો દે છે, પરંતુ સાથોસાથ એક ઝાટકે અનેક મુસીબતો પણ વેતાળની જેમ તેના ખભે લટકી પડે છે.
જોકે અહીં આપણે ‘મઝા નહીં આ રહા’ની વાતને જરા જુદી રીતે પણ ચકાસી રહ્યા હતા. આપણે વાત કરી રહ્યા હતા કે પુરુષને તેના કામ કે નોકરીમાં ‘મજા નથી આવતી’નું કારણ ખરેખર ‘મજા ન આવવી’ જ હોય કે પછી કામ કરવાની આળસ અથવા કોઈ ભય એની પાછળ જવાબદાર હોય છે? કારણ કે જો ‘મજા નથી આવતી’ સિવાયનું કોઈ પણ કારણ પુરુષની નોકરીના રાજીનામા પાછળ જવાબદાર હોય તો એને પલાયનવાદ ગણવાનો થાય અને જ્યારે પુરુષ પલાયન સાધે છે ત્યારે તેની સાથે તેના સ્વજનોએ પણ અનેક મુસીબતોનો ભોગ બનવાનો વારો આવે છે.
તો પછી પોતાના કામ કે પોતાની કરિયરમાં ‘મજા ન આવે’ ત્યારે કરવું શું? તો કે કોઈ પણ સ્માર્ટ પુરુષને પોતાને જ્યારે ‘મજા નથી આવતી’ની ફીલિંગ આવવા માંડે ત્યારે તેણે પોતાને મજા કેમ નથી આવતી એનાં કારણોમાં ઊંડા ઊતરવું. તેણે એ કારણોની બાબતે સ્પષ્ટ થઈ જવાનું છે કે આખરે તેને મજા કેમ નથી આવતી. શું એ ક્ષેત્રની સિસ્ટમ તેને મફક નથી આવતી? શું કોઈ માણસો દ્વારા કોઈ પણ પ્રકારની હેરેસમેન્ટ થાય છે? શું પોતાના કામની કદર નથી થતી? શું પોતાને કોઈ તક નથી મળતી? કે પછી કશું જ નથી, બસ આપણી જ અપેક્ષાઓ વધુ છે અને આપણને કામ શરૂ કર્યાનાં બે-ત્રણ કે પાંચ વર્ષોમાં જ અમુક પદો, જવાબદારીઓ અને પૈસા જોઈએ છે?
આ સિવાય પણ બીજાં અનેક કારણો હોઈ શકે છે, જે કારણો કદાચ તમને તમારા કામમાં મજા નથી આવવા દેતાં, પણ એ કારણો શોધવાં જરૂરી છે. જો કારણ જડી જાય તો બીજો તબક્કો આવે છે એ કારણના નિરાકરણનો, કારણ કે ઘણી વાર આપણે નિરાકરણ પર વિચાર જ નથી કરતા અને ફરિયાદો કરતા રહીએ છીએ કે આપણાં નસીબ સારાં નથી કે આપણી સાથે જ અન્યાય થાય છે, પરંતુ જો આપણે સમસ્યાના નિરાકરણ પર વિચાર કરીને એમાં આપણા તરફથી એફર્ટ્સ આપીએ તો? એ તબક્કામાં આપણે જે કામ કરવાનું છે તે એ કે આપણું ‘મજા નથી આવતી’નું જે કારણ છે એને નિવારવા આપણે શું શું કરી શકીએ. ક્યાંક સંવાદ સાધવાનો છે? ક્યાંક આપણા જ કામમાં સુધારો કરવાનો છે? કે ક્યાંક સિસ્ટમ સાથે થોડી લડાઈઓ લડી લેવાની છે?
બનવાજોગ છે કે આપણા કારણનું નિરાકરણ આપણે જ આણી શકતા હોઈએ, પરંતુ આપણે એ દિશામાં પ્રયત્ન ન કર્યો હોય એટલે આપણને આપણા કામમાં મજા આવતી બંધ થઈ જાય છે, પરંતુ અહીં પણ બે સંભાવનાઓ તો છે જ. એક સંભાવના એ છે કે આપણને જે કારણ જડે છે અને એ કારણના નિરાકરણ માટે આપણે જે એફર્ટ્સ આપીએ છીએ એમાં ક્યાં તો આપણે સફળ થઈએ છીએ અથવા આપણે સફળ નથી થતા. જો આપણા નિરાકરણના એફર્ટ્સમાં આપણે સફળ જઈએ છીએ તો તો કોઈ વાંધો જ નથી, પરંતુ જો આપણે અસફળ રહીએ છીએ ત્યારે ‘મજા નથી આવતી’ની આપણી ફીલિંગ વધુ ધારદાર બને છે અને આપણને કરવતની જેમ વહેરે છે.
તો પછી હવે? હવે શું કરવું? તો હવે એક વાત નક્કી થઈ ગઈ કે તમારે કોઈ પણ ભોગે તમારું કામ અથવા તમારું ક્ષેત્ર અથવા તમારી કરિયર છોડવી જ રહી, પણ એ કઈ રીતે? એમ જ? રાતોરાત રાજીનામું ધરી દેવાનું? ના. એ માટે પણ પાછું તબક્કાવાર આયોજન કરવાનું. એ વિશે આવતા મંગળવારે વાત કરીએ. (ક્રમશ:)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.