કર્નાક બ્રિજનું તોડકામ ચાલુ કરાયું, કામકાજ ત્રણ મહિના ચાલશે: મધ્ય રેલવે

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) અને મસ્જિદ બંદરની વચ્ચેના સૌથી જાણીતા અને જૂના કર્નાક બ્રિજ જોખમી જાહેર કરવામાં આવ્યા પછી સત્તાવાર રીતે બ્રિજનું તોડકામ શુક્રવારથી ચાલુ કરવામાં આવ્યું છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
કર્નાક બ્રિજ જોખમી હોવાને કારણે અગાઉ બ્રિજ પરથી જોખમી વાહનોની અવરજવરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલમાં બ્રિજ બંધ હોવાને કારણે અનેક ડાઈવર્ઝન આપ્યા હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી પડી શકે છે, પરંતુ બ્રિજનું તોડકામ જટિલ છે.
કર્નાક બ્રિજ લગભગ ૧૬૫ વર્ષથી વધુ જૂનો છે, જે અંગ્રેજોના જમાનામાં બ્રિજનું નિર્માણ કરાયું છે.
હાલના તબક્કે બ્રિજ પરની વિવિધ લેનમાં શુક્રવારથી જેસીબી મારફત તોડકામ કરવાનું ચાલુ કરાયું છે, જે લગભગ ત્રણેક મહિના સુધી ચાલી શકે છે. હાલના તબક્કે કોઈ બ્લોક જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ સામાન્ય કામકાજ મોડી રાતના હાથ ધરવાની સાથે રવિવારના બ્લોકમાં પૂરું કરવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
તોડકામનું કામકાજ પૂરું કરવામાં આવ્યા પછી ૨૫થી ૩૦ કલાકનો બ્લોક લઈ શકાય છે, પરંતુ પહેલા સંપૂર્ણ કામકાજ પૂરું કરવામાં આવશે. સ્ટીલના સંપૂર્ણ સ્ટ્રક્ચરને હટાવવા માટે ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.