કરમુક્તિની કેફિયત

મેટિની

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેક્સ ફ્રીનું નગારું આજકાલ જરા જોરથી વાગી રહ્યું છે. વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત આઠ રાજ્યમાં ટેક્સ ફ્રી – કરમુક્તિની સવલત મળ્યા પછી અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને પહેલાં ઉત્તર પ્રદેશ અને બુધવારે ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત પાટણનાં રાજમાતા નાયિકા દેવીના જીવન-કવન પર બનેલા ચિત્રપટ ‘નાયિકા દેવી’ને કરમુક્તિનો લાભ આપવાની જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી છે. સ્વાભાવિક છે આ નિર્ણયનું સ્વાગત ઉમળકાભેર થયું હોય. અલબત્ત, આ નિર્ણયનો દેખીતો લાભ કેટલો અને આડકતરો લાભ શું એ વિશે જાણવું જરૂરી છે.
ફિલ્મોને ટેક્સ ફ્રી કરવાની પ્રથા કંઈ નવી નથી. ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના નિવેદન મુજબ ‘કઈ ફિલ્મને કરમુક્ત જાહેર કરવી એ અંગે કોઈ નિર્ધારિત પદ્ધતિ કે ધોરણ નથી. કોઈ ફિલ્મનો વિષય વિશેષ સામાજિક હેતુ ધરાવતો હોય કે પ્રેરણાદાયી હોય ત્યારે જુદી જુદી રાજ્ય સરકાર દ્વારા તેને કરમુક્તિની રાહત આપવામાં આવે છે. ભારતભરમાં વધુ ને વધુ લોકો ફિલ્મ જોઈ શકે એ હેતુ હોય છે.’ આ અનિશ્ર્ચિતતા ક્યારેક વ્યથાનું કારણ બની શકે છે. તાજેતરના એક ઉદાહરણ પરથી વાત સ્પષ્ટ થઈ જશે. ચોથી માર્ચે અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં નિવૃત્ત ખેલકૂદ શિક્ષક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફૂટબોલની રમતને કેવી રીતે ચેતનવંતી બનાવી દે છે એની વાત કરવામાં આવી છે. એક અઠવાડિયા પછી વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ આવી. કાશ્મીરી પંડિતોની પીડા-વ્યથાનું નિરૂપણ કરતી આ ફિલ્મને કેન્દ્ર સરકારનું પીઠબળ મળ્યું અને ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત આઠેક રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રીનું સર્ટિફિકેટ મળી ગયું. આ જાહેરાત પછી ‘ઝુંડ’ની એક નિર્માત્રી સવિતા હીરેમઠે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની પ્રશંસા કરી ઉમદા મેસેજ ધરાવતી ‘ઝુંડ’ને કેમ કરમુક્તિ ન મળી એ અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર રજૂઆત કરી હતી કે ‘સરકાર કયા માપદંડોને આધારે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરે છે એ મારે જાણવું છે. મારે હિસાબે ‘ઝુંડ’નો વિષય પણ આપણા દેશના વિકાસ માટે મહત્ત્વ ધરાવે છે.’
ટેક્સ ફ્રીનું ગણિત સમજવા જેવું છે. ૠજઝ નહોતો એ સમયે દિલ્હી અને હરિયાણા ૩૦ ટકા, મહારાષ્ટ્ર ૪૫ ટકા અને ઉત્તર પ્રદેશ ૬૦ ટકા મનોરંજન વેરો વસૂલ કરતાં હતાં. પરિણામે ૨૦૦ રૂપિયાની ટિકિટ માટે દર્શકોએ દિલ્હી અને હરિયાણામાં ૨૬૦, મહારાષ્ટ્રમાં ૨૯૦ અને
યુપીમાં ૩૨૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. આ પરિસ્થિતિમાં ફિલ્મ ટેક્સ ફ્રી જાહેર થતાં ટેક્સની રકમની બાદબાકી થતાં ટિકિટના દરમાં ખાસ્સો ઘટાડો થતો અને વધુ દર્શકો ફિલ્મ જોઈ શકતા. ૠજઝ લાગુ પડ્યા પછી ૨૦૦ રૂપિયાની ટિકિટ માટે દર્શકોએ ૧૮ રૂપિયા ઈૠજઝ અને ૧૮ રૂપિયા જૠજઝ મળી કુલ ૨૩૬ ચૂકવવા પડે છે. જો ફિલ્મ ટેક્સ ફ્રી જાહેર થાય તો ૧૮ રૂપિયા જૠજઝ બાદ થતાં ૨૧૮ રૂપિયા ચૂકવવા પડે છે. આમ ૠજઝ પદ્ધતિને કારણે ફિલ્મ નિર્માતા અને દર્શકોને અગાઉની સરખામણીએ કરમુક્તિનો બહુ મોટો આર્થિક લાભ નથી મળતો. આ પરિસ્થિતિમાં ફિલ્મમેકરો ટેક્સ ફ્રીની જાહેરાતને આર્થિક લાભ કરતાં સરકારી પીઠબળ તરીકે વધુ ગણે છે. આ પ્રકારના સરકારી સર્ટિફિકેટથી ફિલ્મની ઈમેજને લાભ થઈ શકે છે અને પબ્લિસિટીમાં એની જાહેરાત દર્શકો પર પ્રભાવ પાડી તેમને થિયેટર તરફ દોરી જવા નિમિત્ત બની શકે છે. અંતે તો ફિલ્મનો વિષય દર્શકને કઈ હદે સ્પર્શી ગયો એ પરિબળ ફિલ્મને સફળતા અપાવી શકે છે.
કરમુક્તિને પગલે મનોરંજન વેરામાંથી મુક્તિ મળે અને પરિણામે ટિકિટના દર સસ્તા થવાથી મોટી સંખ્યામાં દર્શકો એ ફિલ્મ જોઈ શકે છે. અગાઉ વિવિધ રાજ્ય સરકારો દ્વારા હિન્દી ફિલ્મ પર ખૂબ જ આકરો મનોરંજન વેરો લાદવામાં આવતો હતો. મહારાષ્ટ્રમાં એન્ટરટેઇનમેન્ટ ટેક્સ – મનોરંજન વેરો ૪૫ ટકા હતો, જ્યારે ઉત્તર પ્રદેશમાં ૬૦ ટકા હતો. જોકે, ૨૦૧૭માં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ – ૠજઝ – અસ્તિત્વમાં આવતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. નવી કરવેરા પદ્ધતિ અનુસાર ફિલ્મ ટિકિટ પર ૨૮ ટકા ૠજઝ વસૂલ કરવાનું નક્કી થયું હતું. અલબત્ત, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દરખાસ્તને પગલે ૧૮ ટકા અને ૧૨ ટકા એમ બે દર નક્કી કરવામાં આવ્યા. ટિકિટના દર ૧૦૦ રૂપિયાથી ઓછા હોય તો ૧૨ ટકા અને ૧૦૦થી વધારે હોય તો ૧૮ ટકા ટેક્સ વસૂલ કરવાનો નિર્ણય લેવાયો. અલબત્ત, થયું એવું કે જ્યારે રાજ્ય સરકાર ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરે ત્યારે જૠજઝ (રાજ્યનો ટેક્સ) બાદ મળે, જ્યારે ઈૠજઝ (કેન્દ્ર સરકારનો ટેક્સ) તો ભરવો જ પડે. આમ કરમાફી ટિકિટના દર પ્રમાણે ૬થી ૯ ટકા મળે.
———————–
ટેક્સ ફ્રી ફિલ્મોનો ઈતિહાસ
ફિલ્મ ઈતિહાસ અને વ્યવસાયના અભ્યાસુ વિનોદ મીરાણીના કહેવા અનુસાર મનોરંજન વેરામાંથી મુક્તિ મેળવનાર શરૂઆતની ફિલ્મોમાં સત્યેન બોઝની અનોખો સંદેશ ધરાવતી ૧૯૬૦ની બાળફિલ્મ ‘માસૂમ’ (‘નાની તેરી મોરની કો મોર લે ગએ’ અને ‘હમેં ઉન રાહોં પર ચલના હૈ જહાં ગિરના ઔર સંભલના હૈ’ જેવાં યાદગાર ગીતો) અને ભારત-ચીન યુદ્ધની પાર્શ્ર્વભૂમિ પર બનેલી ચેતન આનંદની ‘હકીકત’ (૧૯૬૪)નો સમાવેશ છે. ત્યાર પછી આવો લાભ મેળવનાર ઘણી ફિલ્મો છે. ૧૯૮૨માં ‘ગાંધી’ ફિલ્મને પણ કરમુક્તિનો લાભ મળ્યો હતો. ૧૯૬૦માં સ્થાપવામાં આવેલા ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશન – ઋઋઈ (૧૯૮૦માં એનું નામ બદલી નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા – ગઋઉઈ રાખવામાં આવ્યું હતું) દ્વારા નિર્મિત ફિલ્મોને ટેક્સ ફ્રી કરવામાં આવતી હતી. છેવટે એ પૈસા સરકારી તિજોરીમાંથી જ આવતા હતા અને ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશન કમાણી ભલે ન કરે, ખર્ચો તો કાઢી શકે એ હેતુ હતો. જોકે આ હેતુ સિદ્ધ ન થયો, કારણ કે જે પણ ફિલ્મો બનતી એ જોવા દર્શકો જ નહોતા આવતા. અલબત્ત, ગઋઉઈ અસ્તિત્વમાં આવ્યા પછી પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો. છેલ્લાં ૧૦ વર્ષમાં ‘નીરજા’, ‘દંગલ’, ‘ટોઇલેટ એક પ્રેમકથા’ સહિત વીસેક ફિલ્મને ટેક્સ ફ્રીનો લાભ મળ્યો છે. પ્રિયંકા ચોપડા અભિનીત ‘મેરી કોમ’ રિલીઝ થવા પહેલાં ભારતનાં ઘણાં રાજ્યોમાં ટેક્સ ફ્રી જાહેર કરાઈ હતી. રિલીઝ થવા પહેલાં કરમુક્તિનો લાભ મેળવનારી આ પહેલી ફિલ્મ હતી. એ જ પ્રમાણે રાની મુખરજીની એક્શન થ્રિલર ‘મર્દાની’ એડલ્ટ્સ ઓન્લી – પુખ્ત વયના માટેનું સર્ટિફિકેટ ધરાવતી પહેલી ટેક્સ ફ્રી ફિલ્મ હતી. માનવ તસ્કરી જેવા વિષયને પ્રભાવી રીતે દર્શાવવા માટે આ લાભ મળ્યો હતો. સૌપ્રથમ ૧૯૭૦ના દાયકામાં અને ત્યાર પછી પણ ગુજરાતમાં ફિલ્મ નિર્માણને વેગ આપવા કર રાહત આપવામાં આવી હતી. એ સરકારી રાહતનાં કેવાં પરિણામ આવ્યાં એ એક સ્વતંત્ર લેખનો વિષય છે. એના લાભાલાભ વિશે મતમતાંતર હોઈ શકે છે, પણ એ રાહતનો કેટલાક લોકોએ ગેરલાભ ઉઠાવ્યો એ હકીકત બધા સ્વીકારશે. મરાઠી ફિલ્મોને પણ સરકારી રાહત આપવામાં આવી હતી, પણ એનો વિશેષ લાભ નહોતો થયો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.