રાજકારણમાં પણ મિત્રતા તો મિત્રતા જ હોય છે. ઘણીવાર રાજકીય ઘટનાક્રમ ક્યારે મિત્રમાંથી દુશ્મન બનાવી દે તે કહેવાય નહીં, પરંતુ આપસી સંબંધો અને રાજકીય સંબંધોને અલગ રાખવાનો કરતબ મોટા ભાગના રાજકારણીઓ જાણતા હોય છે અને વાત જ્યારે બે મંજાયેલા અને પરિપક્વ રાજકારણીઓની હોય ત્યારે તો કહેવાનું જ ન હોય. આવા બે સખા એટલે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા અને હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી. મોદીએ ખુદ કહ્યું છે કે મેં શંકરસિંહના ટુ વ્હીલર પાછળ બેસી ગુજરાત જોયું છે અને જાણ્યું છે. વખત જતા બન્ને આમને સામને આવી ગયા તે વાત અલગ. પણ આ બે મુરબ્બીઓ બુધવારે રાત્રે પાછા મળ્યા એટલે ફરી ચર્ચાઓએ જોર પકડ્યું. મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન બુધવારે રાત્રે અમદાવાદ ખાતે મિત્ર શંકરસિંહ વાઘેલાની મુલાકાત લીધી, જે 50 મિનિટ ચાલી. આ મુલાકાતને વાઘેલાએ અનૌપચારિક ગણાવી હતી. વાઘેલાના પૌત્રના લગ્નની કંકોતરી પણ મોદીને આપી હતી અને સમય હશે તો ચોક્કસ મળવાના કોલ પણ મોદીએ આપ્યા હોવાનું તેમણે કહ્યું હતું. બન્ને મિત્રોએ જૂના દિવસ વાગોળ્યાની વાત પણ તેમણે કહી હતી.
વાઘોલા અને મોદીના સંબંધો અને તે બાદ આ સંબંધોમાં આવેલી ઓટથી સૌ કોઈ વાકેફ છે, પણ સંબંધો આમ મરતા નથી અને તેને જીવતા રાખવાની આવડત અને હોશ આજની પેઢી કરતા જૂની પેઢીને વધારે હોય છે. જોકે આ રીતે લાંબા સમય સુધી બન્ને મિત્રો વર્ષો બાદ મળ્યા હોવાનું કહેવાય છે. હવે આ મુલાકાત શા માટે હતી અને તેના કોઈ રાજકીય પરિણામો પણ આવશે તે આવનારો સમય બતાવશે.
કબ કે બિછડે હુએ હમઃ મોદી મળ્યા શંકરસિંહ વાઘેલાને
RELATED ARTICLES