ઓનલાઇન રમતને નામે શું મોટી કંપનીઓએ કર્યો છે જુગારનો દાવ?

વીક એન્ડ

સાંપ્રત – રાજેશ યાજ્ઞિક

કોઈ પણ વસ્તુનો વધારે પડતો વપરાશ ધીરે ધીરે આદત બની જાય છે. આજકાલ ભારતમાં વીડિયો ગેમિંગના ઉપયોગની, ચર્ચાએ જોર પકડયું છે, કારણ છે બાળકો અને યુવાનોને, ઘણીવાર ગૃહિણીઓને પણ આની પડી જતી આદત. તેને કારણે લોકોમાં હિંસક વર્તણૂક, પલાયનવાદ, રૂપિયાની બરબાદી જેવા દૂષણો પેસી જાય છે. આવા સમાચારો પણ તમે અખબારોમાં વાંચ્યા જ હશે.
ફૈઝલ મકબૂલ પોતાના ફોન પર અત્યારે ઓનલાઇન ગેમ નથી રમતો, તેમ છતાં મહિનાઓ બાદ પણ તેના પ્રલોભનથી દૂર થવા મથી રહ્યો છે. ૩૧ વર્ષનો મકબૂલ ગયા વર્ષે પત્તા ની ઓનલાઇન ગેમ રમવામાં પાંચ મહિનામાં ચાર લાખ રૂપિયા હારી ગયો! કહે છે ને કે ‘હાર્યો જુગારી બમણું રમે.’ મકબૂલ કહે છે, “તમે ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા સાથે રમવાનું શરૂ કરો છો, પણ પછી તમને લાલચ વધતી જાય છે. તમે ત્યાં સુધી વધુ ને વધુ રૂપિયા દાવ પર લગાવો છે જ્યાં સુધી તમે ભૂંડી રીતે હારી ન જાઓ. હાર્યા પછી પણ તમે રમતા રહો છો, એ આશામાં, કે હારેલા રૂપિયા પાછા જીતી લેશો, પરંતુ તમે હારતા જ રહો છો.
એક સમય એવો આવી ગયો હતો જયારે તે પોતાના ૪૦,૦૦૦ રૂપિયાના વેતનમાંથી ૭૦ ટકા રકમ ઓનલાઇન ગેમિંગમાં ખર્ચી નાખતો હતો. પોતાના મિત્રો પાસેથી ઉધાર રૂપિયા લેવા પડતા હતા. ઈ-ગેમિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ઇજીએફ) નું માનવું છે કે આસાનીથી ઉપલબ્ધ એવી આરએમજી ગેમ્સ દેશ ના ઓનલાઇન ઈન્ડસ્ટ્રીનો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. ઇજીએફ જેવી સંસ્થા દેશમાં ઝડપથી ફેલાતા આ ઉદ્યોગ ઉપર સેલ્ફ રેગ્યુલેશન હોવાની વાત પણ કરે છે.
જોકે, ઇજીએફ જેવી સંસ્થાઓ મકબૂલ જેવા ઓનલાઇન ખેલાડીઓ માટે કહે છે કે તેઓ “દાવ લગાવે છે, પરંતુ વિરોધીઓ અને ટીકાકારો તેને માટે વધુ કઠોર શબ્દ ‘જુગાર’ નો પ્રયોગ કરે છે. આવી ઓનલાઇન ગેમિંગની વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવી તેને બ્લોક કરાવવા ની કોશિશ કરી રહેલા સિદ્ધાર્થ ઐયર સુપ્રીમ કોર્ટના વકીલ છે. તેઓ કહે છે કે, “કોઈ પણ ઓનલાઇન ગેમ હોય, છેવટે તેમાં કોઈ ઘટના થવા કે ન થવા ઉપર રૂપિયા લગાવાય છે, જે રમનારના હાથમાં નથી હોતી. કેમકે તેમાં અનિશ્ર્ચિતતા છે, એટલે એક રીતે તે જુગાર જ છે.
ભારત માં જુગાર ગેરકાનૂની ગણાય છે. માનસિક સ્વાસ્થ્ય અને લતનો હવાલો આપીને ઓડિશા, આંધ્ર પ્રદેશ, અને તેલંગણા જેવા ઘણા રાજ્યો ઓનલાઇન ગેમ્બલિંગ જેવી ગેમ્સ પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે, પરંતુ કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોની અદાલતોએ સરકારના પ્રતિબંધ રદ પણ કર્યા છે. અત્યારે સુપ્રીમ કોર્ટ માં આ વિશેની અનેક અરજીઓ અનિર્ણીત છે. તમિળનાડુના મુખ્ય પ્રધાન વારંવાર આવી ગેમ્સ પર પ્રતિબંધ લાદવાની માગણી કરી ચૂક્યા છે. તમિળનાડુ સરકારે જાહેર કર્યું છે કે તેઓ ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ લાદવા પ્રતિબદ્ધ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, આ વર્ષે માર્ચ મહિનામાં તમિળનાડુના કાયદા પ્રધાન એસ. રેગુપતિએ વિધાનસભામાં નિવેદન આપ્યું કે, “અમે સરકારે બનાવેલા કાયદાને કાયમ રાખવાની વિનંતી લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અમે આશા રાખીએ છીએ કે સુપ્રીમ કોર્ટ અમારી વિનંતીનો સ્વીકાર કરીને યોગ્ય નિર્ણય આપશે.
ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન (એઆઇજીએફ) દેશમાં ઓનલાઇન સ્કિલ-ગેમિંગમાં દેશની ટોચ ની સંસ્થા હોવાનો દાવો કરે છે. આવા પ્રકારની ગેમ્સ બાબત એઆઇજીએફ નું માનવું છે કે “ગેમ્બલિંગ અને “ઓનલાઇન સ્કિલ ગેમિંગ વચ્ચે ભેદ સમજવો જરૂરી છે. એઆઇજીએફનો દાવો છે કે આવા પ્રકાર ની ગેમ્સમાં તેમાં મળતી તક (ચાન્સ) કરતાં કૌશલ્ય (સ્કિલ)નું વધુ મહત્ત્વ છે. તેના સીઈઓ રોલેન્ડ લેન્ડર્સ આ મુદ્દો સમજાવવા ક્રિકેટનું ઉદાહરણ આપે છે.
તેમના કહેવા મુજબ, ” જેમ ક્રિકેટમાં ટોસ હોય છે. તેમાં નસીબ જોર કરે છે. પરંતુ તે સિવાય ક્રિકેટની આખી રમત તો તમારા કૌશલ્ય ઉપર જ આધાર રાખે છે. તેવી રીતે ગેમિંગ એપ માં રમનારા ને દાવ પર લગાવાતા રૂપિયા ની સીમા બાંધવાની ચેતવણી આપવામાં આવે છે. તેમનો તર્ક છે કે ખેલાડીઓ દ્વારા થતી લેણદેણ એક પ્રકારની “એન્ટ્રી ફી જેવું છે. આગળ તેઓ કહે છે કે, “માત્ર મનોરંજનના એક પ્રકાર, ઓનલાઇન ગેમિંગ માટે કોઈ રૂપિયા ખર્ચે છે એટલા માત્રથી તેને ‘જુગાર’ ન કહી શકાય. કેટલાય લોકો આ ગેમ્સને દુનિયાના સૌથી મોટા મનોરંજન માંથી એક માને છે.
તેમનું કહેવું છે કે વિકસી રહેલા ઉદ્યોગમાં આ પ્રકારના ગેમ્સ ની જબરજસ્ત વ્યાપારિક શક્યતાઓ ને અવગણવી મોંઘી પડી શકે છે. અહિયા નોંધવું જોઈએ કે ભારતમાં ઓનલાઇન ગેમિંગનું બજાર દર વર્ષે ૩૦ ટકા ના દરે વિકસી રહ્યું છે. આ રીતે મીડિયા અને મનોરંજનના ક્ષેત્રમાં આ સૌથી ઝડપી વિકાસ પામતો વિભાગ છે. આ ઉદ્યોગ ના લગભગ ૪૦ કરોડ ગ્રાહક છે. એઆઇજીએફનું તારણ છે કે ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી ની વાર્ષિક આવક ૭,૫૦૦ કરોડથી વધુ છે અને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૫૦,૦૦૦ નવી નોકરીઓ ઉભી કરી શકવાની ક્ષમતા છે. આ ઉદ્યોગને મશહૂર ક્રિકેટરો દ્વારા થઇ રહેલા પ્રોમોશનનો પણ વ્યાપક ફાયદો મળી રહ્યો છે. ફૈઝલ મકબૂલ કહે છે, “મારા માનીતા ક્રિકેટરને કોઈ ગેમનો પ્રચાર કરતા જોઉં છું તો મને પણ એ ગેમ એકવાર અજમાવવાનું મન થાય છે.
પણ ઓનલાઇન ગેમ્સના ટીકાકારો આ વાત થી ચિંતિત છે. સિદ્ધાર્થ ઐયર કહે છે, ” કૌશલ્યની રમત તેને કહેવાય જેમાં ઘણી શારીરિક અને માનસિક ક્ષમતા ની જરૂર પડે. તેવી ક્ષમતાના વિકાસ માટે વર્ષો નું પ્રશિક્ષણ, અભ્યાસ અને લગનની જરૂર હોય છે. એઆઇજીએફ નું કહેવું છે કે ઝડપથી વિકસી રહેલા ગેમિંગ ઉદ્યોગ ના ગ્રાહકો ની વધતી સંખ્યાને પહોંચી વળવા ગેમ ડેવલપર્સ, આઇટી સપોર્ટ અને મોટી કસ્ટમર કેર ટીમની જરૂર પડશે. સંસ્થાનું કહેવું છે કે આવા સમયે ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા કરતા કાયદા ઘડનારાઓ સાથે બેસીને ઉચિત નિયમો બનાવવા બહેતર રહેશે. રોલેન્ડ લેન્ડર્સનો પ્રસ્તાવ છે કે આ ઇન્ડસ્ટ્રીથી થતી આવક ઉપર કર લગાવી શકાય. તેઓ કહે છે કે કર દ્વારા થતી આવક કોરોના મહામારીથી ઝઝૂમી રહેલી દુનિયા ને ઉપયોગી થઇ શકશે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારની રમતમાં પહેલા એક સેલ્ફ-રેગ્યુલેટરી માળખું હોય છે, જેના અંતર્ગત આ રમતો રમાય છે. જોકે વકીલોનું કહેવું છે આ માળખું અપૂરતું છે. ઐયર કહે છે કે, “સેલ્ફ-રેગ્યુલેશન એ ઉદ્યોગોમાં બહુ ખતરનાક છે, જેમાં એ પોતાના ગ્રાહકોના અનિવાર્ય શોષણ પર નિર્ભર હોય. જેમકે આલ્કોહોલ ઇન્ડસ્ટ્રી. આ ઇન્ડસ્ટ્રી વધુમાં વધુ દારૂ વેચવા દારૂ પીનારા ઉપર જ નિર્ભર છે.
ભારત દેશમાં તો આવા કાયદાઓ બનાવવા પણ સરળ નથી. ઈન્ટરનેટ સંબંધી કોઈ પણ કાયદો કેન્દ્ર સરકાર બનાવી શકે છે. પરંતુ જુગારને લગતા કાયદા બનાવવાનો અધિકાર રાજ્ય સરકારોના કાર્યક્ષેત્રમાં આવે છે. તેનો મતલબ એ થયો કે ઓનલાઇન સટ્ટા કે જુગાર પર કેન્દ્ર સરકાર કાયદો ત્યારે જ બનાવી શકે જો બધી જ રાજ્ય સરકારો એ બાબત એકમત હોય. ઐયર કહે છે, “ગેમ્બલિંગ સંબંધિત કાયદા ઈન્ટરનેટ પર લાગુ કરવાના છે, ત્યારે આ બાબતમાં પગલાં કોણ લેશે? કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર? અત્યારે એવી સ્થિતિ છે કે કોઈ પણ આ દિશામાં એક પણ પગલું ભરી નથી રહ્યું. સરકારોએ આ બાબત પગલાં ભરવાના છે. બીજી બાજુ ગેમિંગ ફેડરેશન અને વકીલ સમુદાય એ વાત પર સહમત છે કે આ ઝડપથી વિકસી રહેલા સેક્ટર પર નિયમનોની સખત જરૂર છે.
આ બંને તરફ્નાઓનું માનવું છે કે નિયમન માત્ર તેની વ્યાપારિક ક્ષમતા વધારવા પૂરતા નહીં, પણ સાથે રમનારાઓ અને તેમની મૂડીને સુરક્ષિત રાખવા માટે પણ એટલાં જ જરૂરી છે. એઆઇજીએફ જેવી સંસ્થા માને છે કે રમતમાં પોતાની સુરક્ષાની જવાબદારી રમનારની પોતાની જ છે. તો ફૈઝલ મકબૂલ જેવાઓને આશા છે કે ગેમિંગ કંપનીઓને વધુ જવાબદાર બનવા મજબૂર કરાશે, પણ જ્યાં સુધી કોઈ કાયદો ન આવે ત્યાં સુધી ઓનલાઇન રમનારાઓને ફૈઝલ ચેતવણી આપે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.