ઑરેન્જ ઍલર્ટના પહેલાં દિવસે છૂટોછવાયો વરસાદ

આમચી મુંબઈ

હાલાકી
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસાની ધીમા પગલે સવારી આવી ચૂકી છે, ત્યારે રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પરના છાપરા નાખવાનું કામકાજ હજુ પૂરું થયું નથી. સોમવારે સવારના ચાલુ વરસાદે મસ્જિદ બંદર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ (એક, બે, ત્રણ, ચાર) પર પૂરતા છાપરા નહીં હોવાને કારણે પ્રવાસીઓને ફક્ત છત્રીના આશરે ટ્રેન પકડવાની નોબત આવી હતી. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બે દિવસથી વરસાદે ફરી હાજરી પૂરાવી છે. મુંબઈ, થાણે અને પાલઘર માટે હવામાન ખાતાએ ઑરેન્જ ઍલર્ટની આગાહી કરી છે, તે મુજબ સોમવારે ભારે વરસાદની અપેક્ષા હતી. જોકે દિવસ દરમિયાન છૂટાછવાયો વરસાદ જ પડયો હતો. લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદનું ફરી આગમન થયું છે. હવામાન ખાતાએ મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી કરી છે. તેમાં સોમવાર અને મંગળવાર માટે મુંબઈ સહિત ઉપનગર માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. તો ચાર દિવસ માટે કોંકણ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. તો બાકીના મહારાષ્ટ્ર માટે નજીવા વરસાદની આગાહી કરી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ સોમવારે ભારે વરસાદ પડશે એવી શક્યતા જણાતી હતી. તે મુજબ વહેલી સવારથી આકાશ વાદળિયું રહ્યું હતું. જોકે અમુક વિસ્તારમાં ભારે વરસાદને બાદ કરતા મુંબઈના મોટા ભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
તેમાં પણ ઉપનગર કરતા તળ મુંબઈમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું. સવારના ૮ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી તળ મુંબઈમાં ૨૧.૪૫ મિલીમીટર, પૂર્વ ઉપનગરમાં ૧૨.૧૧ મિલીમીટર તો પશ્ર્ચિમ ઉપનગરમાં ૪.૨૬ મિલીમીટર જેટલો વરસાદ પડયો હતો. તો કોલાબમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૦૧૭.૨ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૦૦૩.૩ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.