એ મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું

મેટિની

વિવિધ કારણોસર બંગાળી અને સાઉથના કલાકારોએ હિન્દી ફિલ્મની અને હિન્દી
ફિલ્મના કલાકારોએ હોલીવૂડની ઓફર નથી સ્વીકારી

હેન્રી શાસ્ત્રી

પંકજ મલિક અને અનુષ્કા શેટ્ટી

ઊંૠઋ – ૨ ફિલ્મને અદ્ભુત સફળતા મળી અને હીરો યશને માત્ર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી જ નહીં, તમિળ – તેલુગુ અને હા, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ ધડાધડ ઑફર આવવા લાગી. વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જાણીતી છે અને ચાલતી ગાડીમાં ચડી જવા માટે કલાકારો સુધ્ધાં જાણીતા છે. જોકે, આજનો કલાકાર અલગ રીતે વિચારે છે. ફિલ્મ બિગ બેનરની કે બિગ ડિરેક્ટરની છે એટલે આંખ બંધ કરી સાઈન કરવામાં એ નથી માનતો. એ ગરણી લઈને ઊભો છે. આવતી ઓફરો ચાળી ચાળીને ચકાસી લીધા પછી જ આગળ વધવું એવો નિર્ધાર યશે કર્યો છે. તાજેતરમાં તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુએ મજાકિયા સ્વરમાં ‘મારી ફી બોલીવૂડને નહીં પરવડે’ એવું કારણ આગળ કરીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ના પાડી હતી. રોલ પ્રભાવી ન લાગ્યો એટલે હિન્દી ફિલ્મ ઓફરનો અસ્વીકાર કર્યો હોવાની વાત અલુ અર્જુને ઙીતવાફ: ઝવય છશતય ફિલ્મના પ્રમોશન વખતે કરી હતી. કોઈ પણ ભાષાની ફિલ્મમાં હીરો સિવાય ભૂમિકા પોતે નહીં સ્વીકારે એવી સ્પષ્ટતા પણ તેણે કરી છે. આ સિવાય ‘બાહુબલી’ ફિલ્મોથી મુખ્યત્વે હિન્દી ફિલ્મો જોતા દર્શકોમાં જાણીતી બનેલી અનુષ્કા શેટ્ટીએ પણ ‘સાઉથની ફિલ્મો જ એટલી છે કે’ એવું કારણ આપી બોલીવૂડથી પીઠ ફેરવી દીધી છે. અન્ય ભાષાના પણ આવા ઉદાહરણ છે. ટૂંકમાં કહીએ તો ‘મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું’ જેવો ઘાટ છે.
સૌથી જૂનું અને અત્યંત મહત્ત્વનું ઉદાહરણ છે પંકજ મલિકનું. રેડિયોના માધ્યમથી રવિન્દ્ર સંગીતને જનમાનસ સુધી પહોંચાડવાનું અદ્ભુત કામ કરનાર શ્રી પંકજ મલિક કલકત્તાના ન્યુ થિયેટર્સ સ્ટુડિયોમાં સુપરસ્ટાર જેવો દરજજો ધરાવતા હતા. શ્રી મલિકે ૧૯૩૧માં કલકત્તા રેડિયો સ્ટેશન પર કે. એલ. સાયગલનું ઓડિશન ઓકે કર્યું હતું. ૧૯૩૩ની હિન્દી ફિલ્મ ‘યહૂદી કી લડકી’થી તેમનું નામ જાણીતું બન્યું. ગાયક, અભિનેતા અને સંગીત દિગ્દર્શક તરીકે બંગાળી અને હિન્દી ફિલ્મોમાં તેમનું અનન્ય યોગદાન રહ્યું છે. બીજા વિશ્ર્વ યુદ્ધની સમાપ્તિ પછી ન્યુ થિયેટર્સના વળતા પાણી શરૂ થયા અને કલાકાર – કસબીઓ (મુખ્યત્વે બંગાળી) કામની શોધમાં મુંબઈ જવા લાગ્યા.૧૯૪૧ની આસપાસ બિમલ રોય, હૃષીકેશ મુખર્જી અને કુંદનલાલ સાયગલ સહિત અનેક લોકો ઉચાળા ભરી મુંબઈ શિફ્ટ થઈ ગયા, પણ પંકજ મલિક વનરાવન છોડી વૈકુંઠ જવા રાજી નહોતા. તેમણે કલકત્તામાં જ રહી ફિલ્મો માટે સંગીત અને ગાયન કાર્ય જારી રાખ્યું. સાયગલની યાદગાર ફિલ્મ ‘મેરી બહેન’ (૧૯૪૪)માં તેમણે સ્વરબદ્ધ કરેલા ‘દો નૈના મતવારે તિહારે હમ પર જુલમ કરે’, ‘છૂપો ના છૂપો ના ઓ પ્યારી સજનિયા’, ‘અય કાતીબ – એ – તકદીર’, ‘પંછી કાહે હોત ઉદાસ’ વગેરે ગીત ખૂબ લોકપ્રિય થયા હતા. મુંબઈમાં નિર્માણ થયેલી ‘ઝલઝલા’ (૧૯૫૨) અને ‘કસ્તુરી’ (૧૯૫૪) માટે શ્રી મલિકે સંગીત આપ્યું પણ કલકત્તા ન છોડ્યું. પોતાની ભૂમિ માટે તેમની લાગણીનો આદર કરીને પણ એટલું જરૂર કહેવું રહ્યું કે જો શ્રી પંકજ મલિક મુંબઈ આવ્યા હોત તો હિન્દી ફિલ્મ સંગીતને અને પરિણામે સંગીતપ્રેમીઓને મોટો લાભ થયો હોત. ખેર. સત્યજિત રેની ફિલ્મોમાં ચમકી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર અભિનેતા સૌમિત્ર ચેટરજીએ પણ હિન્દી ફિલ્મની ઓફરનો અસ્વીકાર કર્યો હતો. ‘આનંદ’માં ડો. ભાસ્કર બેનર્જીનો રોલ મિસ્ટર ચેટરજીને ઓફર થયો હતો, પણ બંગાળી ફિલ્મને પ્રાધાન્ય આપી તેમણે ના પાડી હતી. અમિતાભ – તાપસી પન્નુની ‘પિન્ક’માં જજનો રોલ પણ તેમને ઓફર થયો હતો પણ તેમણે ના પાડી દીધી હતી. અંતે એ રોલ અન્ય બંગાળી અભિનેતા ધ્રીતીમન ચેટરજીએ કર્યો હતો. અલબત્ત એવા પણ બંગાળી અભિનેતા છે જે વનરાવન છોડી વૈકુંઠ પધાર્યા હતા, પણ તેમને સફળતા નહોતી મળી. ઉત્તમ કુમાર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જોકે, પંદરેક હિન્દી ફિલ્મમાં અભિનય કરનાર અભિનેતાની માત્ર ‘અમાનુષ’ સફળતાને વરી હતી. એમાંય તેના નિર્માણ હેઠળની ‘છોટી સી મુલાકાત’ બોક્સ ઓફિસ પર સદંતર નિષ્ફળ રહેતા ઉત્તમ કુમાર ભાંગી પડ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.