એશિયાના પહેલા ગ્રાન્ડમાસ્ટર: એક એવો શતરંજ ખેલાડી, જે દરેક અડચણ પાર કરીને બન્યો માસ્ટર સુલતાન

પુરુષ

સ્પેશિયલ – નિધિ ભટ્ટ

આજે મીર સુલતાન ખાનના નામ પર લગભગ ધૂળ જામી ગઈ છે, પરંતુ એ વાત સાથે ઈનકાર ન થઈ શકે. પોતાના સમયમાં શતરંજના ખેલમાં તેમણે સારા સારાને મ્હાત આપી છે. ભરતીય શતરંજના દિગ્ગજ ખેલાડી વિશ્ર્વનાથન આનંદે ગ્રાન્ડમાસ્ટર ડેનિયલ કિંગના પુસ્તક સુલતાન ખાન ધ ઈન્ડિયન સવૈટ હુ બિકમ ચેસ ચેમ્પિયન ઓફ ધ બ્રિટિશ એમ્પાયરના પ્રસ્તાવનામા સુલતાન ખાનની પ્રતિભા વિશે વાત કરી છે.
પુસ્તકની ભૂમિકામાં એ લખે છે કે ભલે સુલતાન ખાનની રમતને ઘણો સમય થઈ ચૂક્યો છે, પરંતુ તેમને આંતરરાષ્ટ્રીય શતરંજના દિગ્ગજોને માત આપવાવાળા એશિયાઈના રૂપમાં યાદ કરવા જોઈએ. ૧૯૨૦ના દસકાના અંત અને ૩૦ના દસકાની શરૂઆતમાં મીર સુલતાન ખાન શતરંજની દુનિયામાં એક સિતારા બનીને ચમકવા લાગ્યા હતા. પાંચ વર્ષના પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં સુલતાનને ૧૯૨૯, ૧૯૩૨ અને ૧૯૩૩માં પ્રતિષ્ઠિત બ્રિટિશ શતરંજ ચેમ્પિયનશિપ જીતી અને અકિબા રૂબિનસ્ટીન, સાલો ફ્લોહર, જોસ રાઉલ કૈપબ્લાંકા અને સેવિલી ટાર્ટાકોવર સહિત આ રમતના વ્હાઈટ માસ્ટર્સને હરાવ્યા. આજે ભલે તેમના નામને લોકો ભૂલી ગયા હોય, પરંતુ તે સમયે શતરંજના તેમના બહેતરીન દાવ-પેચને જોતા તેમને જિનિયસ, આધુનિક સમયના સૌથી મહાન ખેલાડી અને એશિયાના પહેલા ગ્રાન્ડ માસ્ટર કહેવામાં આવે છે.
મીર સુલતાન ખાનનો જન્મ ૧૯૦૩માં ખુશાબ જિલ્લા (વર્તમાન પાકિસ્તાન)ના મીઠા તિવાના ગામમાં થયો હતો. સુલતાન, પીર અને અવાન જનજાતીના જમીનદારના પરિવારમાંથી આવતા હતા. સુલતાનના શતરંજના દાવપેંચ તેમના પિતા મિયા નિઝામદીનની તાલીમની દેન છે. નાનપણમાં તેઓ ભાઈઓ સાથે નિયમિત રીતે રમતા હતા. કિશોરાવસ્થામાં સુલતાને બાજુના શહેર સરગોધામાં જમીનદારો અને શતરંજમાં રસ ધરાવનારા અન્ય લોકો સાથે રમવાનું શરૂ કરી દીધું હતું. સુલતાન ઉપર ઘરની કોઈ ખાસ જવાબદારી ન હતી. તેમણે શતરંજના ભારતીય ફોર્મેટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે સમયે પશ્ર્ચિમી દેશોની તુલનામાં ભારતમાં શતરંજના નિ.મો ઘણા અલગ હતા. ૨૧ વર્ષની ઉંમર સુધી તેમણે એવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે લોકો જોવા લાગ્યા હતા. તેમની શાનદાર પ્રતિભાથી અમીર જમીનદાર સર ઉમર તિવાના ઘણા પ્રભાવિત થયા હતા. તિવાના, સામ્રાજ્યના એક જાણીતા વફાદાર હતા અને અંગ્રેજો સાથે તેમનું ઊઠવા-બેઠવાનું હતું. સુલતાનના કૌશલ્યને જોઈને સર ઉમર હેરાન હતા. કલા અને રમતને મહત્વ આપનારા સર ઉમરે સુલતાન સામે એક પ્રસ્તાવ રાખ્યો. તેમણે સુલતાનના પડોશી ગામ કલરામાં સર ઉમરની સંપત્તિમાં એક શતરંજ ટીમ બનાવવાનો અનુરોધ કર્યો. આના બદલામાં સુલતાનને દર મહિને થોડા પૈસા, બોર્ડ અને રહેવા માટે જગ્યા આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. સર ઉમરની સંપત્તિ એટલે કે જગ્યા પર ટ્રેનિંગ કરતા સમયે સુલતાને ૧૯૨૮ના ઓલ ઈન્ડિયા શતરંજ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, જ્યાં તેમણે નવ મેચમાં અડધો અંક પાડી શાનદાર પ્રદર્શન સાથે જીત મેળવી. પછીના વર્ષે સર ઉમર સુલતાનને લંડન લઈ ગયા, જ્યાં તેમને ઈમ્પિરિયલ શતરંજ ક્લબના સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા. અહીં તેમણે પશ્ર્ચિમી દેશોમાં શતરંજ રમવાના નિયમો શીખ્યા. અહીંના દેશોમાં ભારત કરતા અલગ રીતે આ રમત રમાય છે. આ સાથે તે સમયમાં શતરંજ શ્રીમંત લોકોએ રમવાની રમત હતી. ખેલાડીએ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ક્લબનું સભ્યપદ લેવું પડતું હતું. જેની ફી ઘણી મોંઘી હતી. પશ્ર્ચિમી દેશોના નિયમો અનુસારનો મર્યાદિત અનુભવ હોવા છતાં સુલતાન જે વર્ષે ઈંગ્લેન્ડ પહોંચ્યા, તે વર્ષે તેમણે રામસગેટમાં આયોજિત બ્રિટિશ શતરંજ ચેમ્પિયનશિપ જીતી લીધી. તે સમયે દુનિયાનો એક મોટો ભાગ બ્રિટિશ સામ્રાજ્યને આધીન હતો, એટલા માટે તે વિશેષ ટૂર્નામેન્ટને વિશ્ર્વ ચેમ્પિયનશિપનો દરજજો આપવામાં આવ્યો હતો. આ જીત પછી, આખા યુનાઈટેડ કિંગ્ડમ અને યુરોપથી તેમની પાસે રમવાનું આમંત્રણ આવ્યું. જોકે તેમણે મે મહિનાના ૧૯૩૦માં યુરોપ જતા પહેલા, નવેમ્બર ૧૯૨૯માં એકવાર ઘરે જવાનો નિર્ણય લીધો.
આ પછી તેઓ જ્યારે ૧૯૩૦માં યુરોપ ગયા, તો તેમણે સ્કારબોરો ટૂર્નામેન્ટ, હૈમ્બર્ગ ટૂર્નામેન્ટ, હૈમ્બર્ગ ઓલિમ્પિયાડ અને લીઝ ટૂર્નામેન્ટ સહિત ઘણી ટૂર્નામેન્ટોમાં ભાગ લીધો. આ ટૂર્નામેન્ટ્સમાં તેમના સૌથી મોટા સ્પર્ધક બેલ્જિયમના શતરંજ માસ્ટર વિક્ટર સોલ્ટનબીફ હતા. ૩૦ ડિસેમ્બર ૧૯૩૦માં સુલતાને ઈંગ્લેન્ડમાં ૧૧માં હેસ્ટિંગ્સ ક્રિસમસ શતરંજ મહોત્સવમાં તે સમયના ચેમ્પિયન જોસ રાઉલ કૈપબ્લાંકા વિરુદ્ધ પોતાની સૌથી મોટી જીત નોંધાવી. જોસ રાઉલ કૈપબ્લાંકા, ક્યૂબાના એક પ્રતિભાશાળી ખેલાડી હતા, જે ૧૯૨૧ની વચ્ચે વિશ્ર્વ શતરંજ ચેમ્પિયન રહ્યા અને તેમને અત્યાર સુધીના મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે. સુલ્તાને શાનદાર રણનીતિ અપનાવી તેમને ખેલમાં હરાવ્યા હતા. ઘણા વર્ષ બાદ સુલતાનને મળીને કૈપબ્લાંકાએ લખ્યું, આવી પરિસ્થિતિઓમાં પણ તેઓ એક ચેમ્પિયન બનવામાં સફળ રહ્યા, જે દર્શાવે છે કે તેઓ શતરંજના જિનિયસ છે. તેના બીજા વર્ષે સુલતાને પોલિશ ફ્રાસીસી શતરંજ માસ્ટર સેવિલી ટાર્ટાકોવરને પણ ૧૨-ગેમ મેચમાં હરાવ્યા, જે ૬.૫,૫.૫ પર ખતમ થઈ. તે જ વર્ષે તેમણે પ્રાગ ઈન્ટરનેશનલ ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો. જ્યાં અન્ય સ્પર્ધકોની વચ્ચે, તેમણે ચેક ખેલાડી સાલો ફ્લોહર અને પોલિશ શતરંજ માસ્ટર અકીબા રૂબિનસ્ટીનને હરાવી. રૂબિનસ્ટનના અમુક શતરંજ ઈતિહાસકારોએ એક એવા મહાન ખેલાડીઓમાંના એક માન્યા છે, જે વિશ્ર્વ શતરંજ ચેમ્પિયન ક્યારેય ન બની શક્યા. સુલ્તાને પોતાનો એક મેચ, તે સમયના વિશ્ર્વ ચેમ્પિયન ઓલરાઉન્ડર આલેખાઈન સાથે ડ્રો પણ કર્યો. આગલા બે વર્ષ (૧૯૩૨ અને ૧૯૩૩)માં સુલ્તાનને બ્રિટિશ શતરંજ ચેમ્પિયનશિપ જીતી, જ્યારે આખા યુરોપમાં કૈમ્બ્રિજ ટૂર્નામેન્ટ (૧૯૩૨), બર્ન ટૂર્નામેન્ટ (૧૯૩૨) અને ફોક્સ્ટોન ઓલિમ્પિયાડ (૧૯૩૩) જેવા અન્ય ટૂર્નામેન્ટોમાં પણ પોતાની ઓળખ બનાવી. એક શતરંજ ખેલાડીના રૂપમાં સુલતાનની તાકાત મિડલ ગેમ અને એન્ડ ગેમમાં જોવા મળી. વાસ્તવમાં તેમને એન્ડ ગેમનો માસ્ટર માનવામાં આવે છે. જે પોતાની ભાવના પર નિયંત્રણ રાખી ખૂબ જ કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકે છે. સુલતાનના દિકરા એથર સુલતાન અને પૌત્રી અતિયાબ સુલતાને અખબાર ડોન માટે એક કોલમમાં લખ્યું, બહારથી જોશીલા દેખાવા છતાં, તેમનો શતરંજનો ખેલ સાહસિક હતો અને એટલે તેમની ખેલની શૈલીને ખાનનો ક્રોધ પણ કહેવામાં આવતો હતો.
જોકે તેમની રમતમાં અમુક મર્યાદાઓ હતી. ડેનિયલ કિંગના જણાવ્યા અનુસાર તેમની રમતની શરૂઆત ઘણી ખરાબ રહેતી હતી. તેનું મુખ્ય કારણ હતું કે તેઓ પશ્ર્ચિમી શતરંજ રમતા રમતા મોટા નહોતા થયા. જોકે તેમણે ઘણા પ્રયત્નો કરી ઓપનિંગ કરવાનું શિખ્યું હતું. સુલતાન વિવિધતા નહીં, પરંતુ સિસ્ટમ રમતા હતા અને ક્યારેક તેઓ શરૂઆતમાં જ ભયાનક ભૂલો કરતા હતા. વર્ષ ૧૯૩૩ની શરૂઆત સુધી સર ઉમરે ભારતીય પ્રતિનિધિઓ અને બ્રિટિશ સામ્રાજ્ય વચ્ચે ગોલમેજ સંમેલનમાં ભાગ લીધા પછી, સુલતાન સાથે મહાદ્વીપ છોડી દીધું હતું. સર ઉમર હવે પોતાની યુરોપીય યાત્રા પર જતા નહતા. સુલતાન પાસે મહાદ્વીપની યાત્રા અને ટૂર્નામેન્ટની ફી આપવા માટે એટલા પૈસા અને સંસાધન ન હતા. જોકે એથર સુલતાન અને અતિયાબે પોતાની કોલમમાં લખ્યું છે કે સુલતાનને પોતાનું બાકીનું જીવન પોતાની જમીન પર ખેતી કરતા વિતાવ્યા, પરંતુ ધ ટ્રિબ્યુલનનો અહેવાલ કંઈક ઔર જ કહે છે. છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પ્રકાશિત અહેવાલમાં ધ ટ્રિબ્યુનની આર્કાઈવનો હવાલો આપી કહેવામાં આવ્યું છે કે બ્રિટનમાં નામ કમાયા બાદ મુંબઈ આવીને ૪૦ ખેલાડી સાથે ચેસની મેચ રમી. અન્ય અહેવાલ પ્રમાણે તેઓ ૨૦ ખેલાડી સાથે રમ્યા ને બધી મેચ જીત્યા. આ ટૂર્નામેન્ટ ફેબ્રુઆરીમાં ૧૯૪૦માં ડેરા ઈસ્માઈલ ખાનમાં આયોજિત કરવામાં આવી હતી. ખાને પોતાના આ કારનામા માટે ગવર્નર્સ ટ્રોફી પણ જીતી હતી.
ભાગલાના સમયે સુલતાને વર્તમાન પાકિસ્તાનમાં રહેવાનું નક્કી કયુર્ં જ્યાં તેમના પત્ની, પાંચ દીકરા અને તેમના સંતાનો રહેતા હતા. વર્ષ ૧૯૬૬માં સરગોધામાં તેનું નિધન થયું અને ભલવાલમાં તેમની જમીન પર તેમની દફનાવવામાં આવ્યા, પરંતુ તેઓ તેમની પાછળ જે વિરાસત છોડીને ગયા છે, તે અસાધારણ છે. ભલે શતરંજની ઐતિહાસિક રેટિંગની ગણના કરતી વેબસાઈટ ચેસમેટ્રિક્સ.કોમે તેમને દુનિયામાં છઠ્ઠા ક્રમના ચેસ ખેલાડી તરીકે સ્થાન આપ્યું હોય, પરંતુ એફઆઈડીઈના વૈશ્ર્વિક શતરંજ ખેલાડી તેમને ભૂલી ગયા છે. ૧૯૫૦માં વિશ્ર્વ શતરંજ શાસી નિકાય, એફઆઈડીઈ એ નિવૃત્ત શતરંજ દિગ્ગજોના ખાસ કેરિયરને માન્યતા આપવા માટે આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડમાસ્ટર અને આંતરરાષ્ટ્રીય માસ્ટરના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે રૂબિનસ્ટીન અને ટાર્ટાકોવરને ગ્રાન્ડમાસ્ટરનું ટાઈટલ મળ્યું, પરંતુ સુલતાનને ક્યાંય પણ જગ્યા મળી નહીં.

1 thought on “એશિયાના પહેલા ગ્રાન્ડમાસ્ટર: એક એવો શતરંજ ખેલાડી, જે દરેક અડચણ પાર કરીને બન્યો માસ્ટર સુલતાન

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.