એમસીયુ: આઈ એમ ઇનેવિટેબલ

મેટિની

માર્વેલ સિનેમેટિક યુનિવર્સનાં સક્સેસ સિક્રેટ્સ

શો- શરાબા -દિવ્યકાંત પંડ્યા

ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટિવર્સ ઓફ મેડનેસ’ ફક્ત ભારતમાં જ વીક એન્ડમાં ૭૮.૫૦ કરોડ સાથે દર્શકોની પસંદગીનો અરીસો અહીંના ફિલ્મમેકર્સ સામે રાખવામાં સફળ થઈ છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વિશ્ર્વભરના સુપરહીરો ફિલ્મ્સના ચાહકોએ માર્વેલ સ્ટુડિયોઝની આ ફિલ્મને ૭૦૩.૮ મિલિયન ડોલર્સની કમાણી કરાવીને બ્લોકબસ્ટર બનાવી દીધી છે. ‘સ્પાઈડર-મેન: નો વે હોમ’ પણ ગયા વર્ષે ૧.૮૯૩ બિલિયન ડોલર્સની ગ્લોબલ કમાણી સાથે સફળતાના અનેક રેકોર્ડ્સ તોડવામાં સફળ રહી હતી. આખરે ૨૮ ફિલ્મ્સ અને ૬ વેબ શોઝ (મેઇનસ્ટ્રીમ વાર્તા સાથે સંકળાયેલા) ધરાવતી વિશ્ર્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝ માર્વેલ સિનેમેટિક યુનિવર્સની પ્રચંડ સફળતાનો રાઝ શું છે?
સુપ્રસિદ્ધ કોમિક્સ વારસો, મોટા ભાગનાં પાત્રોના રચયિતા સ્વ. સ્ટેન લીના કેમિયોઝ, ભારતીય ક્રિટિક્સ અને યુટ્યુબર્સ સાથે સ્ટારકાસ્ટના ઈન્ટરવ્યુઝ, એમસીયુ નર્ડ્સની થિયરીઝ, ફોક્સ-માર્વેલ-સોની-ડિઝનીની ડીલ્સ, ડીસી સાથેની હરીફાઈ, રોબર્ટ ડાઉની જુનિયરનો કરિયર ટર્ન, અધધધ પ્રોડક્શન ખર્ચ અને રેકોર્ડ બ્રેક બોક્સ ઓફિસ કલેક્શન જેવી આ બધી જ ચીજો માર્વેલ સુપરહીરો મૂવીઝની વાત આવે ત્યારે ચર્ચા કરવા મન લલચાવે એટલી રસપ્રદ છે, પરંતુ આજે આપણે નિર્માતા કેવિન ફાઈગીના નેતૃત્વમાં માર્વેલ એન્ટરટેઇનમેન્ટ જે ઊંચાઈ પ્રાપ્ત કરવામાં સફળ થયું છે તેનાં મૂળ સમજીએ. વાત કરીએ અમુક એવાં પરિબળોની જેના કારણે નવી દરેક માર્વેલ મૂવી માટે વિશ્ર્વભરના ચાહકો ઉત્સુક રહે છે!
સંવેદનશીલ સુપરહીરોઝ
અન્ય સુપરહીરોથી વિપરીત, સ્ટેન લી અને જેક કર્બીનાં પાત્રો વધુ માનવીય છે. સુપરહીરોઝ કેટલીક અસાધારણ ક્ષમતાઓ ધરાવતા સુપરહ્યુમન હોય છે, પરંતુ તેનો અર્થ એ નહીં કે તેઓ મૂળભૂત માનવીય સ્વભાવ વગરના હોય. મોટા ભાગે અન્ય મેકર્સ સુપરહીરોઝમાં માનવીય દુ:ખ અને સંવેદનાનું નિરૂપણ કરવામાં નિષ્ફ્ળ ગયા છે ત્યારે માર્વેલે આ કામ ખૂબ ચતુરાઈથી કરી બતાવ્યું છે. માર્વેલનાં પાત્રો રસપ્રદ અને રિલેટેબલ લાગે છે, કેમ કે તેઓ પણ સામાન્ય લોકોની જેમ ખામીયુક્ત, લાગણીશીલ અને મુશ્કેલીઓથી ઘેરાયેલાં છે. તેઓ પણ ભયભીત થઈ સંઘર્ષ કરે છે. જ્યારે ટોની સ્ટાર્ક (આયર્ન મેન) કોસ્મિક આફતોથી ટ્રોમા અનુભવે કે પોતાના મિત્રને ગુમાવવાથી ડરે ત્યારે દર્શકો તેની સાથે જોડાય છે. સ્ટીવ રોજર્સ (કેપ્ટન અમેરિકા) વર્ષો પછી પોતાની પ્રેમિકાને નથી મળી શકતો ત્યારે દર્શકો પણ કરુણતા અનુભવે છે. પીટર પાર્કર (સ્પાઈડર-મેન) જ્યારે વિશાળકાય દુશ્મનો સામે લડે ત્યારે એ સૂટની અંદર એક ટીનેજ છોકરો છે તેનો અહેસાસ સતત દર્શકોને થાય છે. સેમ વિલ્સન (ફાલ્કન) પર અચાનક સુપરહીરોની મોટી જવાબદારી આવી પડે ત્યારે તેની અંદરનો ખચકાટ દૂર કરતી તેની બ્લેક કોમ્યુનિટીની પીડા દર્શકો સમજી શકે છે. કોઈ સુપરવિલન સામે લડતાં પહેલાં આ બધી બાબતો સામે લડીને તેઓ સુપરહીરો બને છે. દર્શક લાગણીથી આકર્ષાય છે એટલે જ બોક્સ ઓફિસ પર ટંકશાળ પડે છે.
એક્શન, હ્યુમર અને ડ્રામાનું સંતુલન
માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં સમાવિષ્ટ તમામ ટ્રિલજીઝ અને મૂવીઝના સ્ક્રીનપ્લેમાં એક્શન, હ્યુમર અને ડ્રામા સંતુલિત હિસ્સો ધરાવે છે જે ફિલ્મને બીબાઢાળ અને બોરિંગ બનતાં અટકાવે છે. એક યુનિફોર્મ સ્ટોરી હોવા ઉપરાંત, તમામ દિગ્દર્શકો તેમની ફિલ્મ્સને પોતાના ફ્લેવરમાં રજૂ કરવામાં સફળ રહ્યા છે. ટાઈકા વાઈટીટીની ‘થોર: રેગ્નારોક’ હોય, જેમ્સ ગનની ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’ હોય કે પેટન રીડની ‘એન્ટ મેન’, દરેક ફિલ્મમાં ડિરેક્ટર્સની આગવી છાપ સાથે માર્વેલ યુનિવર્સની મુખ્ય વાર્તા એકરૂપ થઈ જ છે અને તેનું મુખ્ય કારણ એટલે એક્શન, હ્યુમર અને ડ્રામાના મિશ્રણની માર્વેલની માર્વેલસ ફોર્મ્યુલા.
ઈસ્ટર એગ્સ અને પોપ કલ્ચર રેફરન્સીસ
ઈસ્ટર એગ્સ એટલે ફિલ્મના કોઈ સંવાદ કે વસ્તુમાં છુપાયેલાં સ્માર્ટ કનેક્શન્સ. યુટ્યુબ નર્ડ્સ એમસીયુના નવા ફક્ત ૧૫ કે ૩૦ સેકંડ્સના ટીઝરમાંથી પણ પાંચ-દસ વીડિયોઝ બનાવી નાખતા હોય છે. સામાન્ય દર્શક પણ એમસીયુની આ સ્માર્ટનેસ પર ઓવારી જાય છે અને એના બદલામાં ફેન સર્વિસ તરીકે એમસીયુ પણ આવા અઢળક રેફરન્સીઝનો ખજાનો સામે ધરે છે. રિલીઝ થઈ ચૂકેલી અને આવનારી બંને પ્રકારની ફિલ્મ્સ માટે ઈસ્ટર એગ્સ અને પોપ કલ્ચર રેફરન્સીસ એમસીયુમાં ભરપૂર હોય છે. ‘સ્પાઈડર-મેન’ના ડિરેક્ટર કાર્સની નંબર પ્લેટ્સમાં મજેદાર વિગત છુપાવવા માટે જાણીતા છે. એમ જ હમણાં સ્ટ્રીમ થયેલા શો ‘મૂન નાઈટ’માં એક દરવાજા પાસે ચિપકાવેલા ક્યુઆર કોડમાં કોમિક બુક્સ ઈશ્યુના સંદર્ભ મળી આવે છે. વાર્તાને કોઈ જ પ્રકારની અડચણ પહોંચાડ્યા વગરના આવા રેફરન્સીસ પાછળની મહેનત એટલે યુવા દર્શકોને મોહી લેતા એમસીયુની સફળતાનાં અનેક કારણોમાંનું એક.
પરફેક્ટ કેરેક્ટર જર્ની
૨૦૦૮થી ચાલતી આ ફ્રેન્ચાઈઝમાં કેરેક્ટર જર્ની મુશ્કેલ કામ છે. અરે! ૨૦૧૮ની ‘એવેન્જર્સ: ઈન્ફિનિટી વોર’માં ત્રીસથી વધુ તો મુખ્ય પાત્રો હતાં, પણ આશ્ર્ચર્ય પમાડી દે એ રીતે આખા એક દસકામાં ભેગા કરેલા એ તમામની જર્નીને સ્ક્રીનપ્લેમાં યોગ્ય વળાંકો આપવામાં આવ્યા છે, જેમ કે ૨૦૧૨નો ન્યુ યોર્ક હુમલો ૨૦૧૮માં પણ ટોની સ્ટાર્ક માટે એટલો જ ભયાનક છે. ૨૦૧૮માં વાન્ડા સાથે બનેલી ઘટના હમણાં રિલીઝ થયેલી ‘ડોક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટિવર્સ ઓફ મેડનેસ’માં મચતાં તરખાટનું કારણ બને છે. હલ્ક અને બ્રુસ બેનરના જટિલ સંબંધો હલ્કની વિકસિત સમજ સાથે બદલાતા રહે છે. પાત્રોની ગેરહાજરી સુધ્ધાં તેની સફર આગળ વધારતી રહે એ એમસીયુની કમાલ છે.
સાતત્ય અને નાની અધિકૃત વિગતો
લેખક, દિગ્દર્શક, કન્ટિન્યુઇટી સુપરવાઈઝર, સેટ ડિઝાઈનર, સિનેમેટોગ્રાફર, વીએફએક્સ ટીમ એમ સૌ સુનિશ્ર્ચિત કરે છે કે દૃશ્યમાં બેક્ગ્રાઉન્ડમાં રહેલી ચીજ પણ તેની હાજરી અને બારીકાઈથી પાત્રની દુનિયાને ન્યાય આપે. આવાં અનેક ઉદાહરણ છે, જેમ કે ટોની અને પેપરના ‘આયર્ન મેન ૨’માં પાડેલા ફોટોની પ્રથમ ‘એવેન્જર્સ’ મૂવીમાં ફોટો ફ્રેમમાં હાજરી, ‘કેપ્ટન અમેરિકા: સિવિલ વોર’માં પીટર પાર્કરના સતત તૂટતા સેલફોનનું ‘સ્પાઈડર મેન: હોમ કમિંગ’માં પણ દેખાવું, ‘કેપ્ટન અમેરિકા: ધ ફર્સ્ટ એવેન્જર’માં સ્ટીવે દોરેલા ચિત્રની તેના ત્રીજા પાર્ટમાં પણ હાજરી, ટોનીના દુખતા હાથની એકથી વધુ ફિલ્મ્સમાં યાદગીરી, હાવર્ડ અને તેની પત્નીની અલગ અલગ મૂવીમાં ઉલ્લેખિત મૃત્યુની તારીખ, વગેરે. અલગ લેખકો, દિગ્દર્શકો અને ફિલ્મ્સ હોવા છતાં આ સાતત્ય અને વિગતો પાછળના માર્વેલના ડેડિકેશનને દર્શકોની દાદ મળતી રહે છે. ડાયલોગ્સના કોલબેક્સ જેવા કે થોર-લોકીના ‘એડોપ્ટેડ બ્રધર’, સ્ટીવનો ‘આઈ કેન ડુ ધિસ ઓલ ડે’ વગેરે પણ કરોડોની કમાણી પાછળ કારણભૂત છે એમ કહેવું અતિશયોક્તિ નથી જ. માર્વેલના સિગ્નેચર મીડ અને પોસ્ટ ક્રેડિટ્સ સીન્સ પણ યુવાનોમાં અલગ જ ઉત્સુકતા સાથે લોકપ્રિય બન્યાં છે.
‘ધ ઈન્ક્રેડિબલ હલ્ક’ અને ‘બ્લેક વિડો’ જેવા અમુક અપવાદ સિવાય માર્વેલની એમસીયુ ફ્રેન્ચાઈઝની આ નેવર બિફોર ક્રાંતિ જબરદસ્ત સફળતા સાથે આગળ વધતી રહી છે. આવનારાં વર્ષોનો તેમનો રોડમેપ ઓલરેડી તૈયાર છે. બસ, જોવું એ રહ્યું કે આ સક્સેસ સિક્રેટ્સને જાળવીને એમસીયુ કેટલાં સીમાચિહ્ન સુધી પહોંચે છે!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.