એમબીએ યુવકે ફૂટપાથ પર સ્ટોલ લગાવી વેચી બામ્બૂની બોટલ

પુરુષ

કવર સ્ટોરી – અનંત મામતોરા

લોકોના મનમાં ઘર કરેલી એક માન્યતા એવી છે કે ઉચ્ચ શિક્ષા મેળવી હોય તો ઊંચા પગારની, ઊંચા હોદ્દાની નોકરી તો હોવી જ જોઈએ. આપણે શિક્ષણને જ્ઞાન સાથે નહીં, ધન સાથે જોડીને જોવા ટેવાઈ ગયા છીએ. એટલે જ જ્યારે કોઈ ઉચ્ચ શિક્ષિત વ્યક્તિને કોઈ મલાઈદાર નોકરીને બદલે અન્ય કામ કરતા જોઈએ ત્યારે તેના માથે નિષ્ફળતાનું સર્ટિફિકેટ ચોંટાડવા તૈયાર હોઈએ છીએ. પણ ચોક્કસ લક્ષ્ય અને ખંતથી આપણી આ વિચારધારાને ઘણા ઉચ્ચ શિક્ષિતો ખોટી જ નથી પાડતા, પરંતુ આપણે તેમના વખાણ કરવા મજબૂર થઈએ છીએ.
બિહારના પૂર્ણિયા જિલ્લાના ૨૬ વર્ષના સત્યમ સુન્દરમને માતા-પિતા બંનેએ નોકરી કરીને સારું શિક્ષણ અપાવ્યું, જેથી બીજાનાં સંતાનોની જેમ એ પણ સારી નોકરી કરી શકે. પણ સત્યમ બીજા કરતાં કંઈક અલગ હતો. બાળપણથી પશુ-પક્ષી અને પર્યાવરણ પ્રતિ તેનો ઝુકાવ હતો. પ્રકૃતિપ્રેમી હોવાનું પૂરું શ્રેય પોતાની માતાને આપતાં તે કહે છે, “હું બિલકુલ મારી માની જેમ વિચારું છું. તેમની પાસેથી જ મને પર્યાવરણ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા મળી છે.
આજે સત્યમ પોતાની માતા સાથે મળીને બામ્બૂ પ્રોડક્ટ્સ બનાવે છે. જોકે આ કામ આસાન નહોતું. બિઝનેસ આઈડિયાથી લઈને તેનું માર્કેટિંગ અને રૂપિયા સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનો સામનો કરવાનો હતો, પરંતુ સત્યમની માતા આશા અનુરાગિણીએ પુત્રને દરેક કદમ પર સાથ આપ્યો.
બામ્બૂ પ્રોડક્ટ્સ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
એમબીએના છેલ્લા સેમિસ્ટરનો અભ્યાસ કરી રહેલો સત્યમ તેની પહેલાના વર્ષે એક કંપનીમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો, જેમાં માર્કેટિંગ માટે તેને બહાર ફરવું પડતું હતું. તે સમય શહેરના કિનારે કચરાના ઢગલા જોયા કરતો હતો. સત્યમ કહે છે, “મારી અંદરની પર્યાવરણ પ્રેમી એ પ્લાસ્ટિકના કચરા વગેરેને જોઈને ખૂબ દુ:ખી થતો હતો. મને થતું હતું કે નોકરી કરીને હું રૂપિયા તો કમાઈ લઈશ, પણ મારી આસપાસની આ સમસ્યાઓ માટે કંઈ નહીં કરી શકું.
સત્યમે પોતાના મનની વાત માને કરી. સત્યમની મા આશા કહે છે, “અમારા ઘરની હાલત બહુ સારી કહેવાય તેવી તો નહોતી, એટલે શરૂઆતમાં તો મેં સત્યમને આ બધામાંથી ધ્યાન હટાવીને અભ્યાસ અને નોકરી પર કેન્દ્રિત કરવા કહ્યું, પણ મનોમન જાણતી હતી કે તેની ચિંતા પણ સાચી છે.
સત્યમે પ્લાસ્ટિકના વિકલ્પો વિષે સંશોધન કરવાનું શરૂ કર્યું. ત્યારે મને જાણવા મળ્યું કે બામ્બૂથી ઘણી જાતના પ્રોડક્ટ્સ બનાવી શકાય છે. તેણે દસ બામ્બૂ ખરીદીને પોતાની માતાની મદદથી આ કામ શરૂ કર્યું. તેની માતા સંગીત અને ક્રાફ્ટની શિક્ષિકા છે એટલે તેમણે બામ્બૂમાંથી એક સરસ બોટલ બનાવી. આશા કહે છે કે તે યુટ્યુબ પર જોઈને બામ્બૂની બોટલ બનાવતાં શીખ્યો હતો. મા-દીકરાએ મળીને પ્રોડક્ટ તો તૈયાર કર્યા પણ વેચવા કઈ રીતે? ત્યારે સત્યમે કોઈ જાતની શરમ રાખ્યા વિના રસ્તા પર ફેરિયાની જેમ સ્ટોલ લગાવીને વેચાણ શરૂ કર્યું. ગયા વર્ષે જુલાઈમાં તેમણે આ સ્ટોલની શરૂઆત બામ્બૂ બોટલથી કરી હતી. ઘણાએ તેને મહેણાં પણ માર્યાં કે એટલું ભણેલોગણેલો છોકરો રસ્તા પર ફેરિયાનો ધંધો કરે છે, પણ તેની માતા સત્યમનો ટેકો બનીને તેની સાથે ઊભી હતી. બંનેને ખાતરી હતી કે તેઓ એક સારું કામ કરે છે જેને ભવિષ્યમાં બધા અપનાવશે.
સત્યમ કહે છે, “એ સમયે લોકો અમારા સ્ટોલ ઉપર આવતા હતા, અમારા પ્રોડક્ટનાં વખાણ પણ કરતા હતા, પણ વેચાણ નહોતું થતું. ઘણી વાર થતું હતું કે આ બધું છોડીને નોકરી પર ધ્યાન આપું, પણ પછી મને મારી માનો વિચાર આવતો હતો, જેણે મને આટલો સાથ આપ્યો. મારા મનમાં જાણે, એક જીદ હતી કે લોકોને પ્લાસ્ટિકથી દૂર કરવા.
ધીરે ધીરે શહેરમાં તેમના સ્ટોલની વાતો થવા લાગી. સ્થાનિક મીડિયા પણ તેમની કહાણીમાં રસ લેતું થયું કે કેવી રીતે એક એમબીએ થયેલો યુવાન વાંસના પ્રોડક્ટ્સ વેચે છે. દરમ્યાન તેમણે પેન સ્ટેન્ડ, ટ્રે, કપ જેવા પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું. મીડિયા દ્વારા તેમના પ્રોડક્ટ્સની જાણકારી શહેરના ડીએમ સુધી પહોંચી, ત્યાર બાદ તેમને અનેક પ્રકારની મદદ મળવા માંડી. આશા કહે છે કે “ડીએમની મદદથી અમને ઉદ્યોગ વિભાગમાં મોકલાયા, જ્યાં તેમણે અમારા પ્રોડક્ટ્સ જોયા અને તેમને ગમ્યા પણ ખરા. અમારા પ્રોડક્ટ્સ હેન્ડમેડ હોવાથી વિભાગે તેને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું.
ઉદ્યોગ વિભાગના માધ્યમથી તેમને શહેરના એક પ્રદર્શનમાં ભાગ લેવાનો મોકો મળ્યો. તે વખતે સત્યમ અને આશા બહુ થોડા પ્રોડક્ટ્સ સાથે પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં, પણ ત્યાં લોકોનો પ્રેમ જોઈને તેમને આગળ વધવાની પ્રેરણા મળી. ઉદ્યોગ વિભાગની સહાયતાથી તેમને ‘પ્રધાનમંત્રી રોજગાર સૃજન યોજના’ અંતર્ગત દસ લાખ રૂપિયાની લોન પણ મળી છે.
આ બિઝનેસ લોન તેમને માટે બહુ જરૂરી હતી, જે મળવાથી તેમણે મોટે પાયે કામની શરૂઆત કરી. પોતાની પારિવારિક જમીન પર બામ્બૂ પ્રોડક્ટ્સની ફેક્ટરી શરૂ કરીને, સત્યમ મણિપુરથી વાંસ મગાવીને કામ કરે છે.
ગયે મહિને ૩૧ મેના દિવસે બિહારના ઉદ્યોગ મંત્રી શાહનવાઝ હુસેનના હસ્તે ‘મણિપુર બામ્બૂ આર્કિટેક્ટ’ નામની સત્યમની ફેક્ટરીનું ઉદ્ઘાટન
થયું. હવે, બામ્બૂની સાથે, સત્યમ શણનાં પણ લગભગ પચાસ પ્રકારનાં ઉત્પાદન બનાવે છે, જે પ્લાસ્ટિકના સારા વિકલ્પ સાબિત થઇ શકે છે. બેસ્ટ ઓફ લક સત્યમ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.