એક સરોવરને જીવતું રાખવા માટે મરવા તૈયાર કોલકાતાની નીડર નારી

લાડકી

કવર સ્ટોરી-પ્રથમેશ મહેતા

તમે રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતન વિષે સાંભળ્યું હશે, રવીન્દ્ર સંગીત પણ અજાણ્યું નહીં જ હોય. રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી પણ પ્રખ્યાત છે, પણ કોલકાતાની બહાર જે બહુ પ્રખ્યાત નથી તેવું એક રમણીય સ્થળ છે ‘રવીન્દ્ર સરોવર.’ દક્ષિણ કોલકાતામાં સ્થિત મૂળ ઢાકુરિયા સરોવર તરીકે ઓળખાતું આ સરોવર વિશ્ર્વકવિની યાદમાં તેમનું નામ પામ્યું. ૧૯૨૦માં અસ્તિત્વમાં આવેલું આ માનવનિર્મિત સરોવર ૧૯૨ એકરમાં ફેલાયેલું છે. સરોવરની આસપાસ વૃક્ષો તેમની પૂર્ણ છટામાં ઊભેલાં છે. ચારેય બાજુ કોન્ક્રીટના જંગલનો ઉપહાસ કરતું હોય તેમ આ સ્થળ પોતાની ગરિમાને સાચવીને ૨૦૦ વર્ષથી કોલકાતાની શાન છે.
પરંતુ જેમ આધુનિકતાની, પ્રગતિની દોડમાં હંમેશાં થાય છે તેમ, પ્રકૃતિની ઉપેક્ષા થાય છે અને પ્રાકૃતિક સંપત્તિને પ્રદૂષણ ઘેરી વળે છે. એટલું ઓછું હોય તેમ અસામાજિક તત્ત્વો પોતાના સ્વાર્થ માટે પ્રત્યેક જાહેર જગ્યાને બાપીકી મિલકત બનાવવાના પેંતરા રચ્યા કરે છે. આવી જ કંઈક હાલત રવીન્દ્ર સરોવરની થઈ રહી છે ત્યારે એન્ટ્રી થાય છે, આપણી આજની વાતની નાયિકા સુમિતા બેનર્જીની.
કહે છે કે પ્રેમ પોતાના પ્રિયના રક્ષણ માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેમ પ્રકૃતિપ્રેમી સુમિતા પણ પ્રિય રવીન્દ્ર સરોવરને બચાવવા મેદાને પડી છે. મૂળ દુર્ગાપુરની વતની સુમિતા અભ્યાસ માટે ૧૯૯૦માં કોલકાતા આવી હતી, અને ત્યાંની બનીને જ રહી ગઈ. ત્યાં બંગાળી ભાષામાં એમ. એ. સુધીનો અભ્યાસ કરીને, એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી સ્વીકારી. જ્યારે તે આવી હતી ત્યારે તેને આ અજાણ્યા શહેરમાં ઘણું એકલું લાગતું હતું. તેવામાં હરિયાળા ચંદરવાથી ઢંકાયેલું આ રવીન્દ્ર સરોવર તેને માટે ધરતીના છેડા સમાન હતું. ૨૦૦૧માં આ સરોવરની મુલાકાત લેવાનું તેણે શરૂ કર્યું હતું. થોડા જ સમયમાં ‘લેક લવર્સ ફોરમ’ નામના મોર્નિંગ વોકર્સ ગ્રુપની તે સભ્ય બની ગઈ. આ ગ્રુપમાં બધા જ સરોવરના ક્ષેમકુશળના ઇચ્છુક હતા. કોલકાતાના ગોળ પાર્ક (ૠજ્ઞહ ાફસિ)થી થોડાં પગલાં દૂર આ સરોવર સમાજના વિવિધ લોકો માટે કોઈ રણની વીરડી જેવું હતું. મહેનત મજૂરી કરીને થાકેલા લોકો અહીંયાં વૃક્ષોની છાયામાં વિશ્રામ કરતા હોય. એકલતાથી પીડાતા વૃદ્ધો પોતાના હમઉમ્ર લોકોનું મિત્રવર્તુળ બનાવીને પોતાની એકલતાને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય કે પછી મેટ્રો શહેરની ભાગદોડથી કંટાળેલા લોકો પોતાના જીવનની ગાડીને, ભલે થોડા સમય માટે, થોડી ધીમી ગતિએ ચલાવવા અહીં આવતા હોય અથવા બેઠાડુ જીવનની જામેલી ચરબીના થર ઉતારવા દોડતાં સ્ત્રી-પુરુષો હોય, બધાં માટે આ રવીન્દ્ર સરોવર માનીતું હતું.
સુમિતા કહે છે, ‘આ સરોવર માત્ર તેના કુદરતી રૂપ અને વિવિધતા માટે નહિ, પણ જે રીતે સમાજના વિવિધ લોકોની જિંદગીને સ્પર્શે છે તેના માટે પણ મહત્ત્વનું છે. કોન્ક્રીટના જંગલની વચ્ચે, ઊંચા ગેટની પાછળ એક સાચુકલું હરિયાળું જંગલ સાચવીને બેઠેલું આ સરોવર, શહેરીઓ માટે કોઈ ખજાના સમાન છે.’ આ સરોવર પરિસરની રોજ લગભગ દસ હજાર લોકો મુલાકાત લે છે! ૧૯૨ એકરમાંથી ૭૩ એકરમાં જળાશય છે. કદની દૃષ્ટિએ આ સરોવર કોલકાતાનું બીજા નંબરનું મોટું જળાશય છે. ૧૧,૦૦૦ કરતાં વધુ વૃક્ષો છે, જેમાંથી મોટા ભાગનાં ૭૦ વર્ષથી વધુ વયનાં છે. શહેરની આબોહવાને સમતોલ રાખતું એક મહત્ત્વનું સ્થળ પણ છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા ૧૯૯૭માં સરોવર સંરક્ષણ કાર્યક્રમ હેઠળ આ સરોવરને ‘રાષ્ટ્રીય સરોવર’ ઘોષિત કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ સરકારી કાર્યક્રમો છતાં સુમિતા જ્યારે પહેલાં આ સ્થળની મુલાકાતે આવી ત્યારે કોઈ અનાથ જગ્યા જેવું વાતાવરણ હતું. આવી સુંદર જગ્યા સાથે પહેલી નજરે પ્રેમ થઈ જવો જોઈએ, પણ ઊલટું અણગમો થઈ જાય તેવું! ‘ત્યારે રવીન્દ્ર સરોવર અત્યારે દેખાય છે તેવું નહોતું. તેની દેખભાળ કરનાર કોઈ નહોતું અને લગભગ કચરાપેટી બનવાની અણીએ હતું. ખુલ્લામાં રખડતા કૂતરાઓનાં મળ-મૂત્ર હતાં, ચાલવાના રસ્તા પર ફેરિયાઓ અડિંગો જમાવીને બેઠા હતા અને તેના પર લોકોએ ફેંકેલો કચરો રખડતો હતો. જોઈને ખુબ દુ:ખ થાય તેવું હતું, માત્ર આસપાસના કેટલાક લોકો તેને સાચવવાની કોશિશ કરી રહ્યા હતા. હું કોઈ પર્યાવરણવિદ્ કે એક્ટિવિસ્ટ નહોતી, પણ આવી કુદરતી જગ્યાનો આવો ઉઘાડો અનાદર મારા માટે આઘાત સમાન હતો. કોલકાતા જેવા શહેર માટે આવી જગ્યાનું મહત્ત્વ હું સમજતી હતી. તેનું પર્યાવરણીય મહત્ત્વ પણ સમજવું અઘરું નહોતું. આ સમજણ મારા માટે લડાઈ લડવાની પ્રેરણા બની,’ સુમિતા જણાવે છે.
સુમિતા આ સરોવરને અલગ
અલગ વણજોઈતાં તત્ત્વોથી બચાવવા રીતસરની લડાઈ લડી રહી છે, જેઓ આ જગ્યા પર ગેરકાયદે અડ્ડો જમાવવા માગે છે અને ત્યાંની વિવિધતાનો પોતાના સ્વાર્થ માટે નાશ કરી રહ્યાં છે. આ
કાર્યમાં તેણે પોતાની બધી જ બચત હોમી દીધી છે, પણ એક એવી ઘટના બની હતી જેણે સુમિતાને આ કાર્ય માટે મરણિયો પ્રયાસ કરવાની અનહદ પ્રેરણા આપી.
સુમિતા વધુમાં કહે છે કે ‘મોર્નિંગ વોકર્સ સંખ્યામાં ઓછા હતા, પણ હિંમતવાળા હતા અને મુશ્કેલીમાં એકમેકને મદદ કરવા તૈયાર હતા. આવા એક કિસ્સામાં નિયમિત ચાલવા આવતા એક યુવાનના પિતા અકસ્માતમાં માર્યા ગયા. તે અને તેની માતા અસહાય રહી ગયાં. આ ગ્રુપે તેમના માટે ફંડ ભેગું કરવા પ્રયત્ન કર્યો. શરૂઆતમાં સારી એવી રકમ તો જમા નહોતી થઈ. હું પ્રમાણમાં નવી હતી, પણ મેં કંઈક નક્કર કરવાનું વિચારીને શરૂઆતમાં બે હજાર રૂપિયાથી લઈને એક અઠવાડિયામાં ક્રાઉડ ફંડિંગની મદદથી છ લાખ રૂપિયા સુધી જમા કર્યા. મા-દીકરાના નામે બેન્ક એકાઉન્ટ ખોલીને બધા રૂપિયા અમે તેમાં જમા કરી દીધા. આ કિસ્સાએ મારામાં એ વિશ્ર્વાસ જગાડ્યો કે જો પ્રયત્ન કરાય તો લોકોને સામાજિક કામ માટે જાગૃત કરી શકાય છે. આસપાસની સ્થિતિ માટે માત્ર નિરાશા વ્યક્ત કરીને કંઈ નહીં થાય. આ રીતે સરોવરને નવજીવન આપવા અને રક્ષણ કરવાને મારા જીવનનું ધ્યેય બનાવ્યું.’
સુમિતા રોજ સવારે બે કિલોમીટરનું અંતર કાપીને ૭-૭.૩૦ વાગ્યે સરોવર પહોંચી જાય છે અને બાકીનો દિવસ સરોવરની ચોકી કરવામાં પસાર કરે છે. ચાલનારાઓને અને ફેરિયાઓને કચરો ફેંકતાં રોકવા, સરકારી અધિકારીઓ સાથે સંકલન કરવું, સફાઈ અને જાળવણીનું કામ જોવું વગેરે તે સતત કર્યા કરે છે. લગભગ બપોરે ત્રણ વાગ્યા સુધી આ બધો કાર્યક્રમ ચાલે. પછી સુમિતા ઘર તરફ પાછાં ફરે. મહત્ત્વનાં કામ હોય તો બપોરને બદલે મોડી સાંજ સુધી ચાલ્યા કરે. છેલ્લાં વીસ વર્ષથી સુમિતાનો આ નિત્યક્રમ થઈ ગયો છે. તે કોઈ પણ પ્રકારના જોખમથી સરોવર પરિસરને બચાવવા અવિરત પ્રયત્ન કરતાં રહે છે.
સુમિતાનું પહેલું કામ હતું ફેરિયાઓને સરોવર પરિસરમાં આવતા અને કચરો કરતા રોકવાનું. મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયની સલાહ મુજબ, સુમિતાએ ૧૦૦૦ મોર્નિંગ વોકર્સની સહી ભેગી કરીને પિટિશન ફાઈલ કરી. ૨૦૧૪માં પહેલી સફળતા મળી જ્યારે હાઈ કોર્ટ દ્વારા ફેરિયાઓના જળાશય પરિસરમાં ધંધો કરવા પર પ્રતિબંધ મૂકતો ઓર્ડર આવ્યો. તે સાથે જ ૨૦૦૫-૨૦૦૬માં તળાવના સૌંદર્યકરણના નામે થઈ રહેલા બાંધકામને અટકાવવામાં સફળતા મળી. તેને કારણે તળાવ કિનારે દેડકાં, અળસિયાં જેવી પ્રજાતિઓના કુદરતી નિવાસને નુકસાન થઈ રહ્યું હતું.
તે ઉપરાંત બીજો મોટો પડકાર હતો, ધાર્મિક આયોજનોનું નિર્માલ્ય તળાવમાં ઠલવાતું અટકાવવું. પ્લાસ્ટિક અને થર્મોકોલથી લઈને પચાસ લિટર સુધીનું તેલ સરોવરમાં ઠલવાતું હતું, જેની સીધી અસર તળાવના આરોગ્ય પર પડતી હતી. સરોવર કિનારે થતી છઠ પૂજાની અસર પણ ખૂબ હતી, જેને માટે પણ એક પિટિશન કરવી પડી. આ લડાઈમાં તેમને એક પર્યાવરણ પ્રેમી સુભાષ દત્તાનો સહકાર મળ્યો જેમણે ૨૦૧૫માં તળાવ પર છઠ પૂજાનો વિરોધ શરૂ કર્યો. અવિરત પ્રયાસો બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ૧૫ નવેમ્બર, ૨૦૧૭ના રોજ જળાશય પરિસરમાં દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
પણ વાતનો અંત ત્યાં નહોતો આવ્યો. બીજે વર્ષે ૧૫,૦૦૦ ભક્તોએ ગેટનાં તાળાં તોડીને રવીન્દ્ર સરોવરની અંદર પ્રવેશ કર્યો. ઘોંઘાટિયા સંગીત, ફટાકડા અને કચરાએ કરેલાં બધાં કાર્યો પર પાણી ફેરવી નાખ્યું.
આ ઘટના બાદ દક્ષિણ એશિયા પર્યાવરણ સંસ્થા (જઅઋઊ) દ્વારા જણાવાયું કે આ ઘટનાથી સરોવરમાં ૨૨.૩ એમજી તેલ અને ગ્રીઝ મળી આવ્યું, જ્યારે સ્વીકાર્ય માત્રા ફક્ત ૧૦ એમજીની હોવી જોઈએ. એક અન્ય રિપોર્ટ પ્રમાણે સરોવર પરિસરમાં ૨૦૧૮-૧૯માં વાવેલા ૫૦ લાખ છોડવાઓ ભક્તો દ્વારા થયેલી અનુશાસન હીન વર્તણૂકમાં નષ્ટ થઈ ગયા.
‘તળાવને નવજીવન આપવાની વર્ષોની કોશિશ એક દિવસમાં ધોવાઈ ગઈ! અને વધુ આઘાતજનક એ હતું કે ૨૦૨૦માં સરોવરના રખેવાળ કોલકાતા મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઊંખઉઅ) દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો,’ સુમિતા જણાવે છે.
‘જે દિવસે સુપ્રીમ કોર્ટનો આદેશ આવવાનો હતો એ દિવસે મારી હાલત તો જાણે નર્વસ બ્રેકડાઉન જેવી થઈ ગઈ હતી. આ સરોવરના જતનમાં મેં મારી આખી જિંદગી આપી દીધી છે અને એ બધું દાવ પર લાગ્યું હતું. સદ્નસીબે ચુકાદો અમારા પક્ષમાં આવ્યો. ત્યાર બાદ ઊંખઉઅ દ્વારા ધાર્મિક આયોજનો રોકવા જરૂરી પગલાં લેવાયાં. જો પરદેશમાં છઠ પૂજા નદીઓને પ્રદૂષિત કર્યા વિના ઊજવી શકાતી હોય તો આપણે ત્યાં કેમ નહીં?’ સુમિતા કહે છે.
છેલ્લા બે દાયકાથી સુમિતા એકલે હાથે કોર્પોરેટ લોબીઝ, રાજકારણીઓ અને ધાર્મિક સંસ્થાઓ સામે લડી રહી છે, ક્યારેક જાનના જોખમે. ‘ઓગસ્ટ ૨૦૧૮માં પુરુષોના એક ગ્રુપે મને ઘેરીને મારી નાખવાની ધમકી આપી હતી. મેં જરાય ડરી નહીં તો તેમણે મારા પર પેટ્રોલ રેડી દીધું અને જીવતી સળગાવી દેવાની ધમકી આપી અને આ બધું ત્યારે, જ્યારે આસપાસ બધે જ ઈઈઝટ કેમેરા લાગેલા હતા. અંતે થોડા સમય બાદ કાયદાના રખેવાળોએ આવીને તેમને રોક્યા. આટલું થયા છતાં એ લોકોને એક દિવસમાં છોડી દેવામાં આવ્યા?! ઘણાએ મને આ રીતે જાનની ધમકી આપી છે, કેટલાકે મારી સામે છેતરપિંડીના કેસ કર્યા છે જેથી હું દબાઈ જાઉં, પણ મને જેટલી ડરાવવાની કોશિશ થઈ તેટલી હું વધુ મજબૂત બની છું. મને મારા કાર્યની ગંભીરતા કેટલી છે તે પણ સમજાયું,’ સુમિતા સ્વસ્થતાથી કહે છે અને નોંધનીય વાત એ છે કે બધી જ કાયદાકીય લડાઈ તે સ્વખર્ચે લડે છે.
સુમિતા કહે છે કે ‘સરોવરને જીવતું રાખવા નિષ્ણાતોના એક ગ્રુપની જરૂર છે, જે સરકાર સાથે મળીને પ્રભાવશાળી કામ કરી શકે. ત્યાં સુધી હું એકલે હાથે કિલ્લો સાંભળીશ અને મારા પ્રિય સરોવરની રક્ષા મારા પ્રાણથી પણ કરીશ.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.