એક સંપૂર્ણ પુરુષ હિન્દી ફિલ્મજગતમાં, હો સાહેબ…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

રેમન્ડ કંપનીની એક જાહેરાત હતી જેમાં એક પુરુષને બતાડે અને એ પુરુષ પોતાની બધી જવાબદારી શ્રેષ્ઠ રીતે પૂરી કરે છે એમ બતાવીને અંતે કહેવામાં અને લખવામાં આવે કે ‘એ કમ્પ્લીટ મેન.’
કમ્પ્લીટ મેનની ભૂમિકામાં જો કોઈ ૧૦૦ % ખરો ઊતરતો હોય તો એ બલરાજ દત ઉર્ફે સુનીલ દત છે. કુદરતે જીવનમાં જે જે ભૂમિકાઓ સુનીલ દતને આપી એ બધી ભૂમિકામાં જીવનના રંગમંચ પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને લોકોનાં પણ દિલ
જીતી લીધાં.
પાકિસ્તાનના ભાગમાં આવેલા પંજાબમાં જન્મીને ભાગલા પછીનું હિંસાનું તાંડવ ખૂબ નજીકથી જોયું અને ભારત આવી ગયા. પાપા તો નાનો બાળક હતો જ્યારે સુનીલ દત્ત એ વખતે જ ગુજરી ગયેલા. મુંબઈમાં ગ્રેજ્યુએટ થયા અને બેસ્ટની બસોના કોઈ એક વિભાગમાં નોકરી કરતા થયા અને આગળ જતાં પોતાના મોહક અવાજ અને ઉર્દૂ ભાષા પરના કાબૂને કારણે રેડિયો સિલોનમાં નોકરી મળી. એક વખત કોઈ કારણસર રેડિયોના કામસર દિલીપ કુમારની ફિલ્મ ‘શિકસ્ત’ જે રમેશ સહગલ બનાવતા હતા એના શૂટિંગમાં પહોંચ્યા. રમેશ સહગલ એમના વ્યક્તિત્વથી મોહિત થઈ ગયા અને ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી. એ ઓફર સ્વીકારીને ‘રેલવે પ્લેટફોર્મ’ નામની ફિલ્મથી ફિલ્મોમાં આવ્યા. મહેબૂબ ખાન પોતાની ફિલ્મ ‘ઔરત’ની રિમેક સુધારા સાથે બનાવવા માગતા હતા અને નરગિસ સામે પુત્રનો રોલ કરવો દિલીપ કુમારને ગમ્યો નહીં. મહેબૂબ ખાનની જીદ હતી કે ફિલ્મ બનાવવી જ, બાકી મહેબૂબ ખાનના બધા સાથીઓ એમને આ રિમેક બનાવવાને બદલે નવો વિષય લઈને ફિલ્મ બનાવવા સલાહ આપતા હતા. ત્યારે મહેબૂબ ખાનની નજરમાં સુનીલ દત્ત આવ્યા અને બિરજુની ભૂમિકા આપી. એ ફિલ્મમાં શૂટિંગમાં આગ અને એ પછી નરગિસ સાથે લગ્ન એ બધું ખૂબ જ જાણીતું છે. ‘મધર ઇન્ડિયા’ પછી સુનીલ દત્ત આગળ પડતા સ્ટાર થઈ ગયા અને એ પછી સુનીલ દત્તસાહેબ પાસે ૧૯૭૨ના સમયમાં કામ નહોતું. ત્યારે સાધનાએ એમને પોતાની ફિલ્મ ‘ગીતા મેરા નામ’માં કામ આપેલું પછી દત્તસાહેબની કારકિર્દી આગળ ચાલી એવી જૂઠી વાત કરતો એક વીડિયો ઘણા સમય પહેલાં મેં જોયેલો. વાસ્તવમાં એ વાત ખોટી છે. મૂળ વાત કરીએ તો દત્તસાહેબ ૧૯૬૩માં ‘યાદેં’ ફિલ્મથી નિર્માતા-નિર્દેશક બન્યા. ‘યાદેં’ દુનિયાભરમાં એકપાત્રીય ફીચર ફિલ્મ તરીકે પહેલી ફિલ્મ હતી અને આ વાત ‘યાદેં’ ફિલ્મના પોસ્ટરમાં એ વખતે લખવામાં આવી હતી. લગભગ દર વર્ષે એક ફિલ્મ નિર્માતા-નિર્દેશક તરીકે આપવાનું શરૂ કર્યું એટલે ૧૯૬૯-૭૦નો સમય બીજી ફિલ્મ ‘રેશમા ઔર શેરા’ના કામમાં વીત્યો. ૧૯૭૧માં ‘રેશમા ઔર શેરા’ રિલીઝ થઈ. ફિલ્મ શરૂઆતમાં ધીમી રહી, પછી સારો વેગ પકડીને સફળ થઈ જેનો લાભ એ જ વરસે આવેલી નબળી ફિલ્મ ‘જ્વાલા’ને મળવો જોઈતો હતો, કારણ કે ‘જ્વાલા’ ફિલ્મ સુનીલ દત્તસાહેબની મધુબાલા સાથેની ફિલ્મ હતી અને લગભગ મધુબાલા ગુજરી ગયાં એ પછી રિલીઝ થયેલી એમની અંતિમ ફિલ્મ હતી. ‘રેશમા ઔર શેરા’ની ઠીક ઠીક સફળતાનો લાભ પણ આ ફિલ્મને એવો ન મળ્યો! એક વાત કહેવી પડે કે ‘રેશમા ઔર શેરા’ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરતા બે હીરો અને બે વિલનને આગવી ઓળખ મળી. હીરોમાં એક અમિતાભ બચ્ચન, બીજા વિનોદ ખન્ના અને વિલનમાં રણજિત અને અમરીશ પુરી. દત્તસાહેબ એક ફિલ્મમાં નિર્માતા-નિર્દેશક બન્યા પછી એક વરસ આરામ કરતા, પણ સુલતાન એહમદની ફિલ્મ ‘હીરા’નું થોડું કામ બાકી હતું તે પૂરું કરવામાં સમય જતાં અન્ય અધૂરી ફિલ્મને પૂરી કરવામાં સમય આપવો પડ્યો તેમ જ વધુ પડતા ડાકુના રોલ ઓફર થતાં કંટાળીને ફિલ્મો સ્વીકારવાનું ઓછું કર્યું હતું. ‘ગીતા મેરા નામ’માં સાધના ફિરોઝ ખાન સામે કોઈ પ્રભાવશાળી કલાકારને લેવા માગતી હતી, કારણ કે સાધના આ ફિલ્મમાં મુખ્ય પાત્ર સાથે બેવડી ભૂમિકા ભજવતી હતી. ‘ગીતા મેરા નામ’ ફિલ્મની ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ સાધનાએ ઉપાડેલી અને નિર્માતા તરીકે સાધનાના પતિ હતા. એટલે સૂરજ (જોની)ના પાત્ર માટે દત્તસાહેબને મનાવવા સાધનાએ ફિરોઝ ખાનને કહ્યું. ફિરોઝ ખાન અને સુનીલ દત બંને સારા મિત્રો હતા એટલે દત્તસાહેબ ફિરોઝ ખાનને ના ન કહી શક્યા. પાંચ ફિલ્મો શૂટિંગ પર જવા તૈયાર હતી છતાં ‘ગીતા મેરા નામ’ સ્વીકારી, જે ફિલ્મ માત્ર ને માત્ર સુનીલ દત્ત અને ‘સુનિયે, જરા દેખિયેના’ ગીત પર ચાલી. હા, અહીં એક વાતનો ઉલ્લેખ કરી શકાય કે બદલાતી જતી ફિલ્મોની કથામાં દત્તસાહેબને ‘ગીતા મેરા નામ’ ફિલ્મથી નવું રૂપ મળ્યું, જેનો દત્તસાહેબે ભરપૂર લાભ લીધો અને બદલાયેલા યુગમાં બદલાયેલા લુક સાથે સાધનાના ડિરેક્શનમાં ‘ગીતા મેરા નામ’ ફિલ્મમાં ગ્રે શેડની ભૂમિકા જોનીની ભજવીને રીતસર છવાઈ ગયા. આગળ જતાં ઘણી ફિલ્મો મળવા મંડી અને પરત લાઈમલાઈટમાં આવી ગયા.
કાળક્રમે ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈને રાજકારણમાં આવ્યા અને રાજકારણને પણ શોભાવ્યું. પદયાત્રાઓ કરી અને સામાજિક સદ્ભાવના માટે ઘણાં કામો કર્યાં, મુંબઈના શેરીફનું પદ પણ એક કાળે શોભાવ્યું. કોઈ માણસ રાજકારણમાં હોય અને એના દીકરા પર અપરાધનો આરોપ આવે અને એ આરોપ સાચો સાબિત થતાં એના દીકરાને સજા થાય અને તો પણ રાજકારણમાં પ્રવૃત્ત બાપની કારકિર્દી કે
એના નામ પર એક છાંટો પણ ન ઊડે એવું અપવાદરૂપે જોવા મળે એવું વ્યક્તિત્વ એટલે સુનીલ દત્ત!
એક સંતાન, ભાઈ, પતિ, પરિવાર, બાળકો, સમાજ પ્રત્યેની દરેક ફરજો સંપૂર્ણ સમર્પણથી નિભાવી અને જીવન કેવું હોવું જોઈએ એનો ઉચ્ચ આદર્શ ગ્લેમરની દુનિયામાં વર્ષો પસાર કર્યા પછી સમાજ સામે મૂકતા ગયા. કુદરતને ફરિયાદ કર્યા વગર જ દરેક જટિલ પ્રશ્ર્નો સામે જીવનમાં ઝૂઝતા ગયા અને દરેક વખતે જીત્યા, અપવાદ વગર દરેક લડાઈ જીતી ગયા. આવો બીજો કોઈ કમ્પ્લીટ મેન સમાજના દરેક વર્ગમાં ફરીને દીવો લઈને શોધવા નીકળી પકડીએ તો પણ મળવો મુશ્કેલ છે!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.