એક ઘરમાં બચાવ્યું પાણી, આખા ગામને મળ્યું વરદાન

પુરુષ

વિશેષ – વૈભવ જોષી

કહેવાય છે કે ‘જ્યાં ચાહ છે, ત્યાં રાહ છે.’ જો માણસ પોતાની સમસ્યાઓ પર ચિંતન કરે તો ઘણી વાર સમસ્યામાંથી જ સમાધાન પણ મળી રહે છે. માનવ સર્જિત મોટા ભાગની સમસ્યાઓ તો આવી જ હોય છે. આવી એક સમસ્યા એટલે પાણીની અછત. તમિળનાડુના પુડુક્કોટ્ટાઈ જિલ્લાના કોથામંગલમ ગામમાં પાણીની અછત છે. જો ચોમાસું સારું ન જાય તો ખેતરને પાણી પૂરું પાડવાના પણ વાંધા થઈ જાય તેવી હાલત. પાણી ભરવા એક કિલોમીટર દૂર સુધી જવું પડે. ગામના બોરવેલ પણ પાણી વિનાના થઈ ગયા છે. બોરવેલમાં પાણી મેળવવા એક હજાર ફૂટ ઊંડે સુધી ખોદવું પડે છે, જેમાં દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એમ. વીરમણિની પત્ની વનિતા પતિને હંમેશાં કહેતી કે પાણી મેળવવાનો કોઈ બીજો રસ્તો શોધવાની જરૂર છે.
એક વરસાદી દિવસે વીરમણિ વિચારી રહ્યા હતા કે આટલો વરસાદ પડે છે, પણ બધું પાણી વેડફાઈ જાય છે. એટલે વરસાદના પાણીને બાલદી અને હાંડામાં ભરવાનું નક્કી કર્યું. આ પાણી તેમની બે-ત્રણ દિવસની જરૂરિયાત પૂરી કરી શકે. પછી શું? આ સમયે જ તેમના મનમાં ઝબકારો થયો. વીરમણિને ધ્યાનમાં આવ્યું કે જો વરસાદી જળનો સંગ્રહ કરવામાં આવે તો સમસ્યા ઉકેલી શકાય છે. ૨૦૧૮ની શરૂઆતમાં વીરમણિએ નક્કી કર્યું કે પોતાના ઘરમાં જે કૂવો હતો તેનો તે વર્ષા જળસંગ્રહ માટે ઉપયોગ કરશે. તેના દાદા આ કૂવાનો ઉપયોગ કરતા હતા, પણ તેના પિતાએ કૂવો બંધ કરી દીધો હતો. કૂવાને ખોલીને તેને વીરમણિએ પંદર ફૂટ ઊંડો કર્યો અને તેની દીવાલોને સિમેન્ટથી પાકી કરી. વીરમણિએ પોતાના ઘરના છાપરાની બંને બાજુ એવી રીતે નાળાં ગોઠવ્યાં જેથી છાપરાનું પાણી તેમાં ભેગું થઈને પાઇપ વાટે કૂવામાં જાય, જેની ક્ષમતા ૧૮,૦૦૦ લિટર પાણીનો સંગ્રહ કરવાની છે. જોકે પહેલી વારમાં વીરમણિને સફળતા ન મળી, કારણ કે એક કલાકના વરસાદમાં જ કૂવાની દીવાલ પર લગાડેલા સિમેન્ટમાં તિરાડો પડી ગઈ. ત્યાર બાદ આ કોન્ક્રીટને કાઢીને ફરી એક લોખંડની આડી-ઊભી જાળી બનાવી અને તેની ઉપર કોન્ક્રીટના ત્રણ સ્તર કરવા પડ્યા. આ બધું કરવામાં ત્રણ મહિના પસાર થઈ ગયા. કુલ એક લાખ પચાસ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો, પણ મહેનત સફળ રહી. હવે કૂવામાં જમા થયેલું પાણી તે ઘરમાં અને ખેતરમાં બંને જગ્યાએ વાપરી શકે છે.
આ નવી બાંધણી તૈયાર થતાં જ તેની પરીક્ષા ૨૦૧૮ના નવેમ્બરમાં આવેલા ગાઝા વાવાઝોડામાં થઈ. વાવાઝોડાને કારણે બે મહિના સુધી ગામમાં વીજળી નહોતી. મોટરો બંધ પડી ગઈ. આવા કપરા સમયે ગામના ત્રીસ પરિવાર આ કૂવાનું પાણી પોતાના ઉપયોગમાં લઈ શક્યા. કોથામંગલમમાં બોરવેલ સુકાઈ રહ્યા છે, નગરપાલિકાનું પાણી બે-ત્રણ દિવસે એક વાર મળે છે, તેવામાં આ ઉપાય રહેવાસીઓને ખૂબ ઉપયોગી લાગ્યો. વીરમણિના પ્રયોગમાંથી પ્રેરણા લઈને ગામમાં બીજા લોકોએ પણ પોતાની પ્લાસ્ટિક ટેન્કમાં વર્ષા જળસંગ્રહ શરૂ કર્યો છે. વીરમણિની પત્ની કહે છે, ‘પણ જ્યારે અમે કામ શરૂ કર્યું ત્યારે લોકો અમારી ટીકા કરતા હતા. પાડોશીઓ આવીને કહેતા હતા કે અમે નિષ્ફળ કામમાં રૂપિયા બરબાદ કરી રહ્યા છીએ. એ જ લોકોને વાવાઝોડાના સમયે આ કૂવો કામ લાગ્યો.’
આ પદ્ધતિને કારણે ૨૦૨૧માં પણ મુશળધાર વરસાદનો સંગ્રહ થઈ શક્યો હતો. હવે વીરમણિનો ભાઈ પણ આ પદ્ધતિથી ખેતરના અન્ય કૂવામાં જળસંગ્રહ કરી રહ્યો છે. એ કૂવો પણ દાયકાઓથી બંધ હતો, તેને ખોલવામાં આવ્યો છે અને જળસંગ્રહ માટે તૈયાર કર્યો છે. બંને કૂવા હવે પાણીથી છલોછલ છે. વીરમણિના પાડોશી રમેશે પણ તેની મદદથી પાોેતાની ટેંકમાં જળસંગ્રહની વ્યવસ્થા કરી છે. તે કહે છે, ‘હવે મારાં ઝાડવાંઓ અને મારા પરિવારે પાણી માટે ટળવળવું નથી પડતું.’ ગામમાં બીજા ચાર જણે પણ નાના પાયે સંગ્રહની યોજના કરી છે. વીરમણિ કહે છે, ‘હું આશા રાખું છે કે ગામના વધુ લોકો આ પદ્ધતિ અપનાવે અને વરસાદના પાણીનો સંગ્રહ કરે. જો બધા જ આ પદ્ધતિ અપનાવશે તો પાણીની સમસ્યાને બદલે ભરપૂર
પાણી મળશે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.